કક્ષાસન : મંદિર-સ્થાપત્યનો એક ભાગ. કક્ષાસન ચંદ્રાવલોકન તરીકે પણ ઓળખાય છે. બેસવા માટેની ઊંચી કલાત્મક પથ્થરની બેઠકને કક્ષાસન કહે છે. કેટલાંક મંદિરના મંડપમાં કે શૃંગાર-ચોકીમાં, તો ક્યારેક બંનેમાં કક્ષાસનની રચના જોવા મળે છે. મંડપ કે શૃંગાર-ચોકીના પડખેના સ્તંભોને અડીને કક્ષાસન બાંધેલું હોય છે. બેઠકને અડીને ગોઠવેલી ઢળતી પથ્થરની નાની દીવાલ (parapet) હોય છે અને તે બહારની બાજુએથી કલાત્મક હોય છે. કક્ષાસનમાં ઊભા થર (mouldings) રાજસેન, વેદિકા, આસનપટ્ટ અને કક્ષાસન પોતે હોય છે. કક્ષાસનની બહારની દીવાલ વિવિધ શિલ્પ-પંક્તિઓ  અર્ધ દેવ-દેવીઓ કે મિથુન-શિલ્પોથી અલંકૃત હોય છે. મોઢેરાના સૂર્યમંદિરના સભામંડપમાં કક્ષાસન જોવા મળે છે. ચૌલુક્ય યુગનાં કેટલાંક મંદિરોમાં કક્ષાસન જણાય છે. ક્યારેક મંદિરના પ્રદક્ષિણાપથની બહારની દીવાલમાં પણ કક્ષાસનની રચના જોવા મળે છે; જેમ કે, પ્રભાસપાટણના સોમનાથના મંદિરમાં અને સિદ્ધપુરના રુદ્રમહાલયમાં પ્રદક્ષિણા પથમાં કક્ષાસનની રચના છે.

થૉમસ પરમાર