કંસારો (Coppersmith) : દાર્વાઘાટ કુળનું બારેમાસ જોવા મળતું પંખી. તેને અંગ્રેજીમાં crimson breasted barbet પણ કહે છે. તેનું શાસ્ત્રીય નામ Megalaima haemacephala અને હિંદી નામ ‘છોટા બસંતા’ અથવા ‘ફાઉક બસ્સુંતા’ છે. સૌરાષ્ટ્રમાં તેને ‘ટુકટુક’ પણ કહે છે.

કંસારો

કંસારો ચકલી કરતાં જરાક મોટો અને ભરાવદાર હોય છે, થોડો ઠિંગુજી પણ લાગે છે. વળી તે પાંદડા જેવા લીલા રંગનો હોય છે અને તેનું પેટાળ લીલાશપડતું પીળું હોય છે. તેનાં દાઢી, ગળું અને આંખ ફરતો ભાગ પીળો હોય છે. તેના કપાળે કંકુની પિયળ તાણી હોય એવી સુંદર લાલ પટ્ટી હોય છે અને તેનો ગળાનો કાંઠલો પણ લાલ હોય છે. તે પેટ અને પડખાંમાં કાળી રેખાઓ ધરાવે છે. તેની ચાંચ જાડી, ટૂંકી અને મજબૂત હોય છે. તેની આંખ મોટી અને તેની વચ્ચેથી નીકળતી કાળી રેખા તેને બે ભાગમાં વહેંચતી હોય તેમ જણાય છે. તેના પગ ટૂંકા અને ગુલાબી હોય છે. લક્કડખોદની જેમ તેમાં બે આંગળાં આગળ ને બે પાછળ હોવાથી વૃક્ષનાં થડ ને ડાળી પર તે ચડઊતર કરી શકે છે. તેની ચાંચના મૂળમાં ઉપરનીચે મૂછો હોય છે. કપાળે લાલ પટ્ટી પાછળ અને આંખ અને ચાંચના મૂળને આવરી લેતી કાળી રેખા હોય છે.

કંસારા વાસણ ટીપવા હથોડી મારતા હોય તેવો ‘ટુક ટુક ટુક’ અવાજ તે કાઢે છે; તેથી પંખી જાણે ઝાડ પર ચાંચ મારીને અવાજ કરતું હોય તેમ લાગે છે. જુદી જુદી દિશામાં મોં ફેરવતા જઈ આવો અવાજ કરવા તે ટેવાયેલું હોય છે. બપોર ચડે તેમ તેના અવાજ વધે છે. સાંજ પડ્યે તે મૂંગું બની જાય છે. આમ તો, એની બોલવાની ખૂબી એની સંવનનની ઋતુમાં વધુ ખીલે છે. આખો દિવસ, સવારથી સાંજ સુધી અવિરતપણે ઉચ્ચસ્તરે ‘ટુક, ટુક, ટુક’ બોલ્યે જ જાય છે. માત્ર ઉનાળામાં પીપળનાં ભૂનાં ફળ પાકે ત્યારે તે ઝાઝું નજરે પડે છે.

તે ફળાહારી છે. તેના ખોરાકમાં પીપળ, પીપળાના પેપા અને વડના ટેટા વગેરે ફળો મુખ્ય છે. તે સંપૂર્ણપણે વૃક્ષચારી છે.

ફાગણથી જેઠ તેની માળાની ઋતુ છે. શીમળા કે સરગવા જેવાં પોચાં ઝાડની સડી ગયેલી ડાળીમાં કે ઘણી વાર લીમડાની આડી ડાળીના નીચલા ભાગે લગભગ 4 સેમી. પહોળું કાણું પાડી 20 સેમી. ઊંડું દર બનાવી તેમાં 3 સફેદ ઈંડાં મૂકે છે. નર અને માદા બંને માળો તૈયાર કરે છે અને બચ્ચાંને ઉછેરે છે.

બળદેવભાઈ કનીજિયા