કંસારી (cricket) : ખેતરમાં તેમજ ઘરમાં ઉપદ્રવ કરતું સરલપક્ષ (Orthroptera) શ્રેણીના ગ્રાઇલિડી કુળનુ એક કીટક. તે નિશાચર (nocturnal) પ્રાણી છે. તેને ગરમી માફક આવે છે. તેથી તે દિવસ દરમિયાન કબાટમાં, ખુરશી પાછળ, પલંગ નીચે, ફોટા પાછળ એમ વિવિધ સ્થળોમાં અને ખાસ કરીને રાંધણિયું, રસોડું, ભોયરું વગેરે જગ્યાએ સંતાઈ રહે છે. નર કંસારીને પાંખની બે જોડ હોય છે; તેમાંની આગળની જોડ આગળથી સખત અને જાડી હોય છે, છેડા તરફ જતાં તે પાતળી અને સહેજ નરમ બને છે. પાછલી જોડની મદદથી તે ઊડી શકે છે. રાત્રિ દરમિયાન આગળની પાંખ પાછળના પગ સાથે ઘસીને તે અવાજ ઉત્પન્ન કરે છે. માદાને પાંખ હોતી નથી અને સામાન્યપણે નર તેમજ માદા આગળ જવા માટે કૂદતાં જોવા મળે છે. કંસારી દેખાવે ઝાંખા કે કાળાશ પડતા રંગની હોય છે. તેના શરીર પર ભૂખરા રંગનાં ટપકાં જોવા મળે છે. સામાન્યપણે તે વનસ્પતિજન્ય ખોરાક ખાવા ઉપરાંત સુતરાઉ, રેશમી અને ગરમ કાપડને પણ ખોરાક તરીકે લે છે. લોટ અને રાંધેલા પદાર્થો ઉપરાંત અન્ય કીટકોને પણ તે ખાય છે. પ્રજનનઋતુમાં માદા 40થી 170 જેટલાં ઈંડાં મૂકે છે. 30થી 33 અઠવાડિયાંમાં ઈંડું ડિમ્ભક(nymph)માં રૂપાંતર પામે છે. ડિમ્ભક પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં 9થી 11 વખત કાંચળી ઉતારે છે. ગરમ સ્થળ પસંદ કરનાર કંસારી ઠંડીનો સફળ રીતે સામનો કરે છે.

કંસારીનું નિયંત્રણ મેલાથિયૉન(ભૂકી 0.5 ટકા અથવા 0.1 % પ્રવાહી મિશ્રણ)ને છાંટવાથી થઈ શકે છે. દવાનો છંટકાવ કરતી વખતે ખાદ્ય પદાર્થોમાં તે ભળે નહિ તેની ખાસ કાળજી રાખવાની હોય છે.

પરબતભાઈ ખી. બોરડ

પી. એ. ભાલાણી