કંટકશોધન : સમાજને હાનિકારક તત્વને શોધીને દૂર કરવાની પ્રવૃત્તિ. સમાજને પીડનારા દુરાચારી લોકો એટલે કંટક કે કાંટા. તેમને શોધી, વીણીને દૂર કરવા એટલે કંટકશોધન. કૌટિલ્યે તેમના સુવિખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્રમાં આ વિષય ઉપર એક આખું પ્રકરણ આપેલું છે. તેના મહત્વના મુદ્દા નીચે મુજબ છે :

સમાજના ગુપ્ત કંટકરૂપ એવા શત્રુઓને શોધી કાઢવા માટે વિવિધ વેશપલટામાં ગુપ્તચરોને મોકલી તેમનો પ્રતિકાર કરવાની સલાહ રાજાને આપવામાં આવી છે. અપ્રામાણિક વ્યવહાર આચરનાર રાજ્યના કર્મચારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાઓ ઉપર ચાંપતી નજર રાખી તેમને શિક્ષા કરવી જરૂરી છે. આ અંગેની યોગ્ય દંડવ્યવસ્થા રાજ્યમાં હોવી જોઈએ. રાજ્ય પડાવી લેનાર, રાજ્યના શત્રુને સહાય કરનાર તથા રાષ્ટ્રને ભયમાં મૂકનાર દોષિત અમલદારો અને લોકોને રાજકંટક ગણીને યોગ્ય સજા ફરમાવવી જોઈએ.

તે જ પ્રમાણે દૈવી આપત્તિ જેવી કે પૂર, વ્યાધિ (રોગચાળો), દુષ્કાળ, આગ, ઉંદરોનો ઉપદ્રવ, હિંસક પ્રાણીઓની રંજાડ વગેરેની સામે રાજાએ પ્રજાની રક્ષા કરવાનો પ્રબંધ કરવો જોઈએ. વિવિધ પ્રકારની ચોરી કરનાર – ખીસું કાપનાર, ખાતર પાડનાર, પશુપક્ષીઓની ચોરી કરનાર, વનમાં ઊગતાં દ્રવ્યોની ઉઠાંતરી કરનાર વગેરે અપરાધીઓને નસિયત કરવી તે રાજ્યના હિતમાં છે.

સ્ત્રીઓ તરફ અનાદર બતાવનાર, તેમની તરફ અયોગ્ય વર્તાવ કરનાર, તેમનું અપહરણ કરનાર અને તેમની ઉપર બળાત્કાર કરનારને ગુનેગાર ગણીને રાજ્યે યોગ્ય સજા ફરમાવવી જોઈએ.

ખૂનના ભોગ બનેલા લોકોના મૃતદેહો ઉપરની નિશાનીઓ દ્વારા તેમની હત્યાનાં કારણો શોધીને હત્યા કરનારને મૃત્યુદંડની સજા કરવાની જોગવાઈ કરવી ઘટે છે.

ત્રાજવાં, તોલાં, સોનું, ચાંદી, વણાટકામ વગેરે કારીગીરીનાં ક્ષેત્રોમાં જ્યાં જ્યાં ગ્રાહકને છેતરવાના પ્રસંગો બને ત્યાં રાજ્યે તકેદારી રાખીને ગુનેગારને યોગ્ય સજા કરવી જોઈએ. નકલી, બનાવટી ચીજો વેચનાર તેમજ વેચાણ અટકાવી સંઘરાખોરી કરીને પાછળથી અઘટિત કિંમતે વેચનાર વેપારીઓને તેમ કરતાં રોકવા માટે રાજ્યે પૂરતી સજા કરવી જોઈએ.

આમ, કંટકશોધન પાછળની ભાવના અને નીતિ વિશાળ ક્ષેત્રને આવરી લે છે અને તે દ્વારા રાજ્યની જવાબદારીનું વર્તુળ દોરાય છે. લોકોનાં કલ્યાણ, સુખાકારી અને યોગક્ષેમ માટે રાજ્યે કટિબદ્ધ રહેવાનું છે. આ વિવિધ ધ્યેય સિદ્ધ કરવા માટે દંડનીતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રકારના દંડ કે સજાનો વ્યાપ અને તેની સીમા કે મર્યાદાનો પણ કૌટિલ્યે ઉલ્લેખ કર્યો છે. દંડ ન્યાયસંગત તથા ધર્મયુક્ત હોવો જોઈએ. અપરાધી વ્યક્તિ, તેના અપરાધનું સ્વરૂપ, કારણ, ભવિષ્યમાં થનારું અને વર્તમાનકાળનું પરિણામ અને દેશકાળનો વિચાર કરીને દંડ ફરમાવવાનો છે. કઠોર દંડથી પ્રજા ઉદ્વેગ પામે છે. ઓછો દંડ અજમાવવાથી પ્રજા તિરસ્કાર કરે છે. યોગ્ય રીતે ઉચિત દંડ કરવામાં આવે તો ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. દંડનીતિનો ઉચિત પ્રયોગ ન થાય તો નાની માછલીને મોટી માછલી ખાઈ જાય એવા મત્સ્યન્યાય પ્રમાણે બળવાન માણસ નિર્બળને ખાઈ જાય છે. દંડના ભયને લીધે બળવાન મનુષ્ય રાજાના વશમાં રહે છે અને નિર્બળ મનુષ્યની રક્ષા થવાથી તે શક્તિશાળી બને છે.

દેવવ્રત પાઠક