ઔષધોની વિષાક્તતા કસોટીઓ (toxicity testing of drugs) : દવાની ઝેરી અસરોનાં પ્રકાર ને પ્રમાણ જાણવાની કસોટીઓ. લગભગ દરેક દવા અમુક માત્રા(dose)થી વધારે અપાય તો ઝેરી અસરો ઉત્પન્ન કરે છે. તેથી ઉંદર (rats), ઘરઉંદર (mice), ગીનીપિગ, કૂતરાં અને વાંદરાંમાં વિવિધ પરિસ્થિતિઓમાં દવા આપીને તેમની વિષાક્તતાની નોંધ લેવાય છે. વિષાક્તતાની જાણકારી તેમની સુરક્ષિતતાની મર્યાદા દર્શાવે છે. ઔષધોના પ્રાણીઓ પરના પ્રયોગો પરથી મેળવેલી માહિતી દ્વારા માણસ પર થનારી શક્ય અસરો જાણી શકાય છે. મુખ્યત્વે 3 પ્રકારના પ્રયોગો થાય છે : (1) એક-માત્રા (single dose) કસોટી (ઉગ્ર વિષાક્તતા), (2) પુનરાવર્તી (repeate) માત્રા કસોટી (અલ્પોગ્ર વિષાક્તતા તથા દીર્ઘકાલી વિષાક્તતા) અને (3) દવાની ગર્ભપેશીઅર્બુદકારકતા (teratogenicity), જનીની વિકૃતિકારકતા (mutagenicity) અને કૅન્સરકારકતા (cacinogenicity) શોધવા માટેની વિશિષ્ટ કસોટીઓ.

એકમાત્રા કસોટી : જુદી જુદી જાતનાં પ્રાણીઓ પર દવાની ઉગ્ર વિષાક્તતા જોવા માટે કરાતી કસોટીઓમાંની એક કસોટી ઉંદર જેવા પ્રાણીઓ પર કરાય છે. પ્રાણીઓના જૂથમાં જુદા જુદા પ્રાણીને વધતા પ્રમાણમાં ઔષધની માત્રા આપીને 2 અઠવાડિયાં સુધી તેમની ઝેરી અસરો અને મૃત્યુ નિપજાવતાં કારણોનું નિરીક્ષણ કરાય છે. શ્વાસોચ્છવાસ જેવી અગત્યની ક્રિયાઓ તથા આંચકી કે ઊલટી જેવાં લક્ષણોનું ખાસ ધ્યાન રખાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓ માટેની દવાને લગતી કસોટીઓમાં જુદી જુદી ઉંમરનાં પ્રાણીઓનો ઉપયોગ કરાય છે. ગમે તે બે માર્ગે દવા અપાય છે, જેમાંનો એક માર્ગ માણસ પર તે દવાનો ઉપયોગ કરવા માટે વિચારાયો હોય છે.

પુનરાવર્તીમાત્રા કસોટી : તે બે પ્રકારની છે. 2-4 અઠવાડિયાંઓની ટૂંક સમયની કસોટીઓ દ્વારા અલ્પોગ્ર ઝેરીકરણની અસરો જાણી શકાય છે અને તેનો ઉપયોગ દીર્ઘકાલી (chronic) ઝેરીકરણની અસરો જાણવા માટેની કસોટીઓમાં થાય છે. માણસમાં દવાનો જેટલા સમયગાળા માટે ઉપયોગ કરવાનો હોય તેના આધારે પ્રાણી-કસોટીઓનો સમયગાળો નક્કી કરાય છે (સારણી 1). સામાન્ય રીતે ત્રણ જુદી જુદી માત્રા વડે પ્રયોગ કરાય છે :

સારણી 1 : પુનરાવર્તીમાત્રા કસોટીઓનો સમયગાળો

માણસમાં વપરાશનો

શક્ય સમયગાળો

કસોટીનો સમયગાળો
(1) એક-માત્રા અથવા

એક જ દિવસે વધુ માત્રાઓ

14 દિવસ
(2) 10 દિવસ સુધી 28 દિવસ
(3) 30 દિવસ સુધી 90 દિવસ
(4) 30 દિવસથી વધુ 180 દિવસ

માણસમાં ચિકિત્સીય ઉપયોગ માટે ઓછામાં ઓછી વાપરવાની માત્રા, વધુમાં વધુ ઝેરી અસર ઉત્પન્ન કરતી માત્રા અને બંને વચ્ચેની કોઈ એક માત્રા. જો પ્રયોગમાં વપરાતી દવા પૂર્વ-ઔષધ (prodrug) હોય અને તે શરીરમાં ઔષધના રૂપમાં રૂપાંતરિત થતી હોય તો દરેક પ્રાણીમાં તેનું રૂપાંતર થયું છે એવું દર્શાવાય છે. અઠવાડિયામાં 5 દિવસ દવા અપાય તો તેને દવાનો સતત સંસર્ગ (continuous exposure) કહેવાય છે. પ્રાણીમાં કબજિયાત, શરીરનું વજન, વર્તન, લોહીના વિકાર, જૈવરસાયણશાસ્ત્રીય માહિતી અને મૂત્રપરીક્ષણ તરફ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તે ઉપરાંત દવાના પ્રકાર પ્રમાણે અન્ય અવયવના કાર્યની નોંધ રખાય છે. પ્રયોગ દરમિયાન મૃત્યુ પામતા દરેક પ્રાણીનું શબ-પરીક્ષણ (autopsy) કરાય છે. પ્રયોગના અંતે દરેક પ્રાણીને મારી નાખીને તેનો વિસ્તૃત પેશીવિકૃતિશાસ્ત્રીય (histopathological) અભ્યાસ કરાય છે. જોકે માણસને થતાં ઍલર્જી, લોહીના વિકારો તથા અન્ય કેટલાંક ઝેરી લક્ષણો પ્રાણી-કસોટીઓમાં જોવાં ન પણ મળે.

વિશિષ્ટ કસોટીઓ : ક્યારેક દવાની ઝેરી અસર મોડેથી દેખાય છે અને તે કોષના જનીન (genes) સાથે આંતરક્રિયા કરીને ઝેરી અસર ઉત્પન્ન કરે છે; દા.ત., જનીનવિકૃતિકારકતા, કૅન્સરકારકતા અને ગર્ભપેશી-અર્બુદકારકતા.

જનીનવિકૃતિકારકતા કસોટીઓ : પ્રજનનકોષોના જનીનદ્રવ્યમાં કાયમી વિકૃતિ ઉત્પન્ન થાય તો પેઢી દર પેઢી તે વિકૃતિ વારસામાં ઊતરે છે. બિનપ્રજનનશીલ કોષોમાંની જનીનવિકૃતિ (mutation), કૅન્સર કરે છે. ઔષધને જીવાણુઓ(bacteria)ના સીધા સંસર્ગમાં લાવીને કે ઔષધ આપેલા પ્રાણીની પરિતનગુહા (peritoneal cavity)માં જીવાણુઓનો પ્રવેશ કરાવીને ઔષધ કે તેનાં ચયાપચયી સંયોજનોની જીવાણુના જનીનમાં વિકૃતિ લાવવાની ક્ષમતા તપાસી શકાય છે.

કૅન્સરકારકતાની કસોટીઓ : જે જનીનવિકૃતિકારકતા કસોટીઓનું પરિણામ અનિશ્ચિત હોય, ચયાપચયી દ્રવ્યો (metabolites) શંકાસ્પદ હોય અથવા પુનરાવર્તી માત્રાવાળી પ્રાણી-કસોટીઓમાં શંકા ઉદભવી હોય તો કૅન્સરકારકતા કસોટીઓ કરાય છે. જો માણસ માટે દવા એક વર્ષથી વધુ સમય માટે વાપરવાની હોય તો પ્રાણીના પૂર્ણજીવનકાળ દરમિયાન તેનું નિરીક્ષણ કરાય છે. આપમેળે થતી ગાંઠો (spontaneous tumours) ન થતી હોય એવા બે પ્રકારનાં પ્રાણીઓ પર પ્રયોગ કરાય છે. દવાની માત્રા વિષાક્તતા કરે તેટલી વધુ, ચિકિત્સાલક્ષી ઉપયોગ કરતાં બમણી તથા એ બંને વચ્ચેની કોઈ એક એમ ત્રણ જુદી જુદી રખાય છે. ઉંદરમાં 24 મહિના સુધી દવા આપીને 6 મહિના સુધી નિરીક્ષણ કરાય છે જ્યારે ઘરઉંદરમાં તે સમયગાળો 18 મહિનાનો છે (પ્રાણીનો લગભગ પૂર્ણ જીવનકાળ). પ્રયોગને અંતે 30 જુદી જુદી પેશીઓનો અભ્યાસ કરાય છે તથા જરૂર જણાયે વિશિષ્ટ કસોટી પણ કરાય છે. માણસમાં એપીડેમિયૉલૉજીની માહિતીના આધારે કૅન્સરકારકતાનું જોખમ (hazard) વધુ સારી રીતે જાણી શકાય છે. પ્રાણી-કસોટીઓ મોંઘી, લાંબી અને માણસમાં કૅન્સરકારકતાની પૂર્વધારણા કરવા માટે અપૂરતી ગણાય છે. તેથી સહેજ પણ શંકા પડે તો જોખમી દવા પર પ્રતિબંધ મૂકવાનું સૂચવાય છે.

ગર્ભપેશી વિકૃતિકારકતા કસોટીઓ : ગર્ભમાં વિકૃતિઓ સર્જવાની કે ગર્ભાશયમાં જ તેનું મૃત્યુ નિપજાવવાની ઔષધની અસરોને તપાસવા આ પ્રકારની કસોટીઓ કરાય છે. પ્રજનન પરીક્ષણો દ્વારા નર કે નારી પ્રજનનકોષો(gamates)ને નુકસાન, ગર્ભાશયમાંની અંત:સ્થિતિમાં થતો ફેરફાર, ભ્રૂણ(embryo)વિકાસ પરની અસરો, ગર્ભ પર પડતી ઝેરી અસરો, માતાના ચયાપચયમાં ઉદભવતા વિકારો, ગર્ભની વૃદ્ધિ પરની અસરો, નવજાત શિશુની વૃદ્ધિ અને માતાના સ્તન્યપાન પર થતી અસરો, સંતતિના વર્તન અને ફલિતતા (fertility) પરની અસરો, બીજી પેઢીમાં દેખાતી અસરો વગેરે ઘણી બધી જાતની ઝેરી અસરોનો અભ્યાસ જરૂરી બને છે. પ્રાગ્ગર્ભવિષાક્તતા અથવા ભ્રૂણવિષાક્તતા (embryotoxicity) માટે બે પ્રકારનાં પ્રાણીઓ પર તથા ફલિતતા અને પ્રસવની આસપાસના સમય(perinatal)ના વિકારોના અભ્યાસ માટે એક જ પ્રકારના પ્રાણી પર પ્રયોગો કરાય છે. ઔષધમાત્રાના 3 સ્તર વપરાય છે. માતા તથા ગર્ભમાં ઔષધનું વિચરણ અને પ્રમાણ નોંધાય છે, જરૂરી શબપરીક્ષણ કે પેશીવિકૃતિ પરીક્ષણો પણ કરાય છે.

શિલીન નં. શુક્લ

મીનાક્ષી શાહ