ઔષધોની ગુણાત્મક કસોટીઓ (qualitative testing of drugs) : નવા ઔષધના ગુણધર્મો અને તેની તબીબી ઉપયોગિતા નિશ્ચિત કરવાની કસોટીઓ નવી દવાની શોધ તથા તેના વિકાસ અને વ્યાપારિક ઉપયોગની પ્રક્રિયા ખર્ચાળ અને ઘણી લાંબી છે. કોઈ પણ રસાયણ નવી દવા તરીકે સ્વીકારાય તે પહેલાં ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે – (1) સૌપ્રથમ તે પદાર્થને તથા તેના અંતર્ગત સક્રિય દ્રવ્યને શોધી કાઢી, અલગ તારવીને શુદ્ધ સ્વરૂપે મેળવાય છે અને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જાણી લેવામાં આવે છે. (2) ત્યારબાદ પ્રાણીઓ પર તેની અસરકારકતા (efficacy) અને સુરક્ષિતતા (safety) દર્શાવતી પૂર્વઉપચારલક્ષી (preclinical) કસોટીઓ કરવામાં આવે છે. (3) અંતે સામાન્ય સ્વયંસેવી વ્યક્તિઓ તથા દર્દીઓ પર તેને પ્રયોગ(trial)રૂપે વાપરીને તેનો ચિકિત્સીય ઉપયોગ નક્કી કરવામાં આવે છે. પછી પરવાનો આપતા અધિકારી તેનો વ્યાપારિક ઉપયોગ કરવાની છૂટ આપે છે.

નવા રસાયણને અલગ પાડીને તેનું પૂરતાં પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે ત્યારે તેની ગુણવત્તાની કસોટીઓ શરૂ કરાય છે. અધોરક્ત, પારજાંબલી અને ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ(nuclear magnetic resonance)ની મદદથી કરાતું વર્ણપટદર્શન (spectroscopy), એક્સ-રે વિવર્તન (deffraction), પ્રકાશીય પરિભ્રમણીય પ્રકીર્ણન (optical rotatory dispersion), દ્રવ્યમાન વર્ણપટમાપન (mass spectrometry), ધ્રુવીય ચિત્રણ (polarography), ટાઇટ્રીમેટ્રી વગેરે વિવિધ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો દર્શાવતી અતિવિકસિત પદ્ધતિઓ વડે તેનું પરીક્ષણ કરાય છે. ત્યારબાદ તેનો જૈવશાસ્ત્રીય અભ્યાસ આરંભાય છે.

કાયદાકીય રીતે દરેક ઔષધ અસરકારક અને સુરક્ષિત છે એવું દર્શાવવા અનેક ઔષધગુણશાસ્ત્રીય અને વિષયશાસ્ત્રીય પરીક્ષણો ઉપલબ્ધ છે. ઔષધગુણશાસ્ત્રી પ્રાણીઓ પરના તેના પ્રયોગો પરથી માનવ પરની તેની અસરો વિશે ધારણાઓ બાંધી શકે છે. ઉંદર, કૂતરાં, બિલાડી, ગીનીપિગ, સસલાં અને વાંદરા પર આવા પ્રયોગો કરાય છે. ઔષધની અસર જાણવા માટે તેનો જુદી જુદી માત્રામાં જીવતા પ્રાણીમાં કે પ્રાણીના શરીર બહાર તેના કોષો કે પેશી પર પ્રયોગ થાય છે. શરૂઆતમાં બધાં પ્રાથમિક પરીક્ષણો કરીને મળતી માહિતીને આધારે ચોક્કસ ગુણધર્મો તારવવામાં આવે છે. પ્રાણીની સામાન્ય ક્રિયા, તાપમાન, હૃદયના ધબકારા અને શ્વસનના દર વગેરે માહિતીને આધારે દવાને નિદ્રાપ્રેરક, ઘેન લાવનાર, સ્નાયુ શિથિલ કરનાર, દુખાવો દૂર કરનાર, તાવ ઉતારનાર, નસોને પહોળી કરનાર કે અન્ય જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રાથમિક પરીક્ષણોને આધારે ત્યારપછીની વધુ વિકસિત કસોટીઓ દ્વારા તેમની જુદા જુદા રોગ પરની અસર જાણવા વિશેષ પ્રયોગો કરાય છે; દા.ત., લોહીનું ઊંચું દબાણ, પેપ્ટિક વ્રણ (ulcer), સંધિશોથ, અપસ્માર (epilepsy), ગાંઠ, ચેપી રોગ વગેરે. આવા સમયે જૂની અને વપરાશમાં હોય તેવી દવા સાથે નવી દવાને સરખાવીને પ્રમાણિત (standardised) કરાય છે. જોકે માણસની શરીરક્રિયા જેવી શરીરક્રિયા ધરાવતાં ઘણાં ઓછા પ્રકારનાં પ્રાણીઓ હોય છે તેથી ઘણી વખત ખોટાં પરિણામો પણ મળે છે.

દવાની અસરકારકતા ઉપરાંત પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા તેમની ઉગ્ર (acute), અલ્પોગ્ર (subacute) કે દીર્ઘકાલી (chronic) ઝેરી અસરોનો પણ અભ્યાસ કરાય છે. 50 % પ્રાણીઓમાં મૃત્યુ નિપજાવતી માત્રા (lethal dose50, LD50) શોધી કઢાય છે. દવા તરીકે વાપરી શકાય તેવા રસાયણના માનવશરીરમાં પ્રવેશ, વિતરણ, ઉત્સર્ગ (excretion), અસરનાબૂદીકરણ, પેશીમાં તેની ઉપલબ્ધતા (bioavailibility) વગેરે ઔષધગતિકીય (pharmacokinetic) ગુણધર્મોનો પણ અભ્યાસ કરાય છે. તેના આધારે તેની માત્રા અને તેના શરીરપ્રવેશનો માર્ગ (દા.ત., મુખવાટે, નસવાટે વગેરે) નક્કી કરાય છે. આ બધાં જ પરીક્ષણો પછી જ કોઈ પણ રસાયણને માનવઉપયોગ માટેની દવા તરીકે પરવાનો આપવામાં આવે છે, છતાં ઔષધપરીક્ષણની કોઈ એક આદર્શ પદ્ધતિ વિકસાવવી આવશ્યક છે એવું ઘણા નિષ્ણાતો માને છે.

શિલીન નં. શુક્લ

આર. કે. દીક્ષિત