ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ)

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ) : ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઉપક્રમે અખિલ ભારતીય ઔષધીય અને સુગંધિત પાક યોજના હેઠળ દેશમાં સ્થાપવામાં આવેલાં 11 સંશોધન-કેન્દ્રોમાંનું આણંદમાં 1975માં શરૂ કરવામાં આવેલું કેન્દ્ર.

કયા છોડ કે વૃક્ષની જાત ઉપર સંશોધન શરૂ કરવું અને માહિતી એકઠી કરવી તે નક્કી કરવા માટે નીચેના ચાર મુદ્દાઓ લક્ષમાં લેવામાં આવે છે : (1) જે ગામડાંના માણસોની ઔષધીય જરૂરિયાતો પૂરી પાડતી હોય, (2) જેના વિકાસથી લાંબા ગાળે પરંપરાગત ચિકિત્સાપદ્ધતિઓને પ્રમાણિત, શુદ્ધ અને સારી ગુણવત્તાવાળો કાચો માલ મળી રહે તેમ હોય, (3) અપરિષ્કૃત રૂપમાં ઔષધિ તરીકેની જેની ઉપયોગિતા પુરવાર થયેલી હોય અને (4) જેની ખેતીપદ્ધતિ વિકસાવવાથી લાંબા ગાળે તે સામાજિક-આર્થિક ઉત્થાનમાં ઉપયોગી થાય તેવી જ વનસ્પતિને કૃષિસંશોધન માટે પસંદ કરાય છે.

ઔષધીય પાકોના સંશોધન ઉપરાંત આ પાકો અંગે આમ વર્ગની ઓળખ તથા ઉપયોગની જાણકારી વધે તે ર્દષ્ટિએ ઔષધીય ઉદ્યાનની સ્થાપના કરેલ છે. અત્યાર સુધીમાં આશરે 275 છોડને ઔષધીય ઉદ્યાનમાં ઉછેરવામાં આવે છે તથા 100 જેટલી વનસ્પતિનાં બીજ/રોપનું વેચાણ કરવામાં આવે છે. ઔષધીય પાકોની શક્ય તેટલી ખેડૂતોપયોગી તથા ચિકિત્સીય માહિતી એકઠી કરવામાં આવી છે.

હાલ આ કેન્દ્રમાં અસાળિયો, સોનામુખી, મીંઢીઆવળ, કાલમેઘ, ગૂગળ, ઇસબગુલ તથા સફેદ મૂસળીના સંશોધન ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પાકો ઉપરાંત શંખપુષ્પી, અશ્વગંધા, ભોંયઆંબલી, કુંવારપાઠું, ગળો, શતાવરી વગેરેની પેદાશ ઉપર પણ સંશોધન-આધારિત ખેડૂતોપયોગી પત્રિકાઓ તૈયાર કરવામાં આવી છે.

આ સંકલિત યોજનામાં કૃષિક્ષેત્રની પાદપ-ઉછેર (plant breeding), શસ્યવિજ્ઞાન (agronomy), વનસ્પતિદેહધર્મવિદ્યા (plant physiology), જીવરસાયણ (biochemistry) વનસ્પતિ રોગશાસ્ત્ર (plant pathology) વગેરે વિવિધ શાખાઓના તજ્જ્ઞોનો સહકાર લેવામાં આવે છે.

કનૈયાલાલ ચંદુલાલ દલાલ