ઔષધસેવનવિધિ (આયુર્વેદ)

January, 2006

ઔષધસેવનવિધિ (આયુર્વેદ) : ઔષધને લેવાની ઋતુ, સમય, ઔષધનું પ્રરૂપ, ઔષધ લેવાની રીત વગેરેને આવરી લેતું આયુર્વેદનું વિશિષ્ટ અંગ. કાળ, વ્યાધિ અને ઔષધદ્રવ્યની પ્રકૃતિ ઉપર તે આધાર રાખે છે.

(क) કાલઆધારિત વિધિ : આના દસ પ્રકાર છે – (i) અનન્ન : આમાં નરણે કોઠે ઔષધ લઈને તે પચી જાય પછી જ ભોજન કરવાનું હોય છે. સામાન્ય રીતે કફપ્રધાન બળવાન રોગી માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ ગણાય છે. (ii) અન્નાદૌ : આમાં ભોજન પહેલાં ઔષધ લેવાનું હોય છે. અપાન વાયુની તકલીફવાળાને આ પદ્ધતિ વધુ અનુકૂળ ગણાય છે; દા. ત., હિંગ્વષ્ટક ચૂર્ણ કે લવણભાસ્કર ચૂર્ણ લીધા પછી જ ભોજન અપાય છે. (iii) અન્નમધ્યે : સમાન વાયુની વિકૃતિવાળા દરદીને ભોજન મધ્યે ઔષધ લેવાનું હિતાવહ છે; દા. ત., ચિત્રકાદિવટી, શંખવટી, અગ્નિતુંડી વટી. પાચનવટી વગેરે ઔષધો આ રીતે લેવાય છે. (iv) ભોજનાન્તે : વ્યાન વાયુના રોગોમાં સવારે ભોજન પછી અને ઉદાન વાયુના રોગમાં સાંજે ભોજન પછી ઔષધ અપાય છે. (v) કવલાંતરે : પ્રાણવાયુના રોગમાં ખોરાકના બે કોળિયા વચ્ચે ઔષધ આપવું હિતાવહ છે. (vi) ગ્રાસેગ્રાસે : આ પદ્ધતિમાં ઔષધ દરેક કોળિયા સાથે અપાય છે. (vii) મુહુ: મુહુ: : આ પદ્ધતિમાં ઔષધ ફરી ફરીને આપવાનું હોય છે; દા. ત., વિષબાધા અને સર્પદંશ વગેરેમાં ઔષધ વારંવાર અપાય છે. (viii) સાન્નમ્ : આહારના પદાર્થો સાથે જ ઔષધ મિશ્ર કરીને ખોરાકમાં જ લેવાનું હોય છે. અરુચિ અને અગ્નિમાંદ્યમાં આ પદ્ધતિ વપરાય છે. (ix) સામુદગમ : ભોજન પૂર્વે અને પછી એમ ઔષધની બે માત્રાઓ અપાય છે. આમ, ઔષધની બે માત્રા વચ્ચે ભોજન સંપુટ રૂપે રહેલ છે. કંપવાત, વાઈ, હેડકી, વગેરેમાં આ પદ્ધતિ વધુ અનુકૂળ છે. (x) નિશિ : રાતે સૂતી વખતે ઔષધ આપવાની પદ્ધતિ; દા. ત., પેટ સાફ લાવવા માટેની રેચક ઔષધિ આ રીતે અપાય છે.

(ख) રોગઆધારિત વિધિ : દરેક રોગમાં દોષ, દૂષ્ય, દેશ, બલ, કાલ, પ્રકૃતિ, અગ્નિ, વય, સાત્મ્ય, સત્વ વગેરેનો વિચાર કરીને સેવનવિધિ નક્કી કરાય છે. આમાશયના રોગમાં મુખમાર્ગી ઔષધ તુરત કામ કરે છે. જ્યારે પક્વાશયના રોગમાં ગુદામાર્ગની બસ્તિ વધુ ઉપયોગી છે. શિર, ગળું, કાન, આંખ વગેરેના રોગો માટે નસ્ય (નાક, આંખ વાટે) વધુ ઉપયોગી છે. વાતરોગો માટે બસ્તિ, પિત્તરોગો માટે વિરેચન અને કફરોગો માટે વમન શ્રેષ્ઠ ઉપચાર ગણાય છે. એ જ રીતે વાત માટે તેલ, પિત્ત માટે ઘી અને કફ માટે મધ શ્રેષ્ઠ ઔષધ છે. બહુદોષયુક્ત વ્યાધિમાં શોધનચિકિત્સા, મધ્યદોષયુક્ત વ્યાધિમાં દીપનપાચનચિકિત્સા તથા અલ્પદોષયુક્ત વ્યાધિમાં લંઘનચિકિત્સા હિતાવહ ગણાય છે. દોષ બળવાન હોય, રોગી બળવાન હોય તો તીક્ષ્ણ ઔષધિ વધુ માત્રામાં આપી શકાય છે જ્યારે દોષ અલ્પ હોય અને રોગી નિર્બલ હોય તો અલ્પ માત્રામાં મૃદુ ઔષધો આપવાનાં હોય છે. આમ રોગની અવસ્થા, દોષોના પ્રકાર અને રોગીની અવસ્થા ઇત્યાદિને ધ્યાનમાં રાખીને ઔષધસેવનવિધિ નક્કી કરવાની હોય છે.

(ग) દ્રવ્યઆધારિત વિધિ : ઔષધદ્રવ્ય વિવિધ પ્રકારનું હોઈ શકે છે; વનસ્પતિજ, પ્રાણીજ અને ખનિજ. પ્રાણીજ ઔષધોમાં ક્ષીર, માંસ, રસ, રક્ત, વસા, મજ્જા, અસ્થિ, શુક્ર વગેરેનો ઉપયોગ થાય છે. ખનિજ ઔષધોમાં ધાતુ, રત્નો વગેરેની ભસ્મો ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિજ દ્રવ્યો નીચે આપેલ રૂપે ઉપયોગમાં લેવાય છે :

(i) સ્વરસ : ચોખ્ખી વનસ્પતિને વાટીને તેનો કપડાથી નિચોવીને કાઢેલો રસ વપરાય છે. આ શક્ય ન હોય તો સૂકી વનસ્પતિને આઠગણા પાણીમાં ઉકાળીને ચોથો ભાગ પાણી રહે ત્યારે ગાળીને તે પાણીનો ઉપયોગ કરી શકાય છે. આમળાં, તુલસી, ગળો, અરડૂસી વગેરેનો સ્વરસ વપરાય છે.

(ii) ક્વાથ : ક્વાથ એટલે ઉકાળો. ચાર તોલા ઔષધને ભૂકો કરી 64 તોલા પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરાય છે. 8 તોલા પાણી બાકી રહે ત્યારે ગાળીને પાણીનો ઉપયોગ કરાય છે. દશમૂલક્વાથ, ગડૂચ્ચાદિક્વાથ, મંજીષ્ઠાદિક્વાથ, રાસ્નાદિક્વાથ વગેરે ક્વાથો જાણીતા છે.

(iii) ફાંટ : ચાર તોલા ઔષધના ભૂકામાં 16 તોલા ગરમ પાણી નાખીને પાણી ઠંડું થતાં ગાળીને તેનો ઉપયોગ કરાય છે. ઔષધના ભૂકાને પાણી સાથે વલોવવાથી મંથ મળે છે જે ફાંટના બદલે વાપરી શકાય છે. ખજૂરનો મંથ, મસૂરનો મંથ, જવનો મંથ જાણીતા છે.

(iv) હિમ : 4 તોલા ઔષધના ભૂકાને ચોવીસ તોલા ઠંડા પાણીમાં આખી રાત પલાળીને ગાળીને સવારમાં ઉપયોગમાં લેવાય છે. આ હિમ અથવા શીતક્વાથ કહેવાય છે. આમ્રાદિહિમ, વાસાહિમ, ધાન્યાદિહિમ જાણીતા છે.

(v) કલ્ક : તાજી વનસ્પતિને વાટીને ચટણી જેવી તૈયાર કરાય તે કલ્ક કહેવાય છે. વર્ધમાનપિપ્પલીકલ્ક, લશુનકલ્ક, શુંઠ્યાદિકલ્ક, તેંદુલીયકલ્ક જાણીતાં છે.

(i) અને (v)ને કષાય કલ્પ તરીકે ઓળખવામાં આવે છે.

(vi) ચૂર્ણ : સૂકા ઔષધને ખાંડીને કપડાથી ચાળીને ચૂર્ણ તૈયાર કરાય છે. લીંડીપીપર ચૂર્ણ, ત્રિફળા ચૂર્ણ, સિતોપલાદિ ચૂર્ણ, હિંગ્વષ્ટક ચૂર્ણ વગેરે જાણીતાં ચૂર્ણો છે.

(vii) ગુટીવટી : ગોળ, ખાંડ અથવા ગૂગળનો પાક કરી તેમાં ચૂર્ણ નાખી ઘટ્ટ બનાવી માત્રા પ્રમાણે ગોળી અથવા મોદક બનાવાય છે. ચિત્રકાદિવટી, સર્પગંધાવટી, શંખવટી વગેરે તેનાં ઉદાહરણો છે.

(viii) અવલેહ : ક્વાથ, સ્વરસ, ફાંટ, કલ્ક વગેરેને ધીમા તાપે ગરમ કરીને ચાટણ જેવું ઘટ્ટ બનાવાય છે. કંટકારિ અવલેહ, ચ્યવનપ્રાશ અવલેહ, કુષ્માંડાવલેહ, અગસ્ત્ય-હરીતકી વગેરે અવલેહનાં ઉદાહરણો છે.

(ix) ઘૃતતૈલ : ઔષધિ કલ્કથી ચારગણાં ઘી/તેલ અને ચારગણું પાણી લઈને આ મિશ્રણને પાણી ઊડી જાય ત્યાં સુધી ગરમ કરાય છે. કલ્યાણઘૃત, શતાવરીઘૃત, બ્રાહ્મીઘૃત, ત્રિફલાઘૃત, મહાનારાયણ તેલ, વિષગર્ભ તેલ આનાં ઉદાહરણો છે.

(x) આસવઅરિષ્ટ : ઔષધોને પાણીમાં નાખી માટીના વાસણમાં બંધ કરી, આથો આવે ત્યાં સુધી જમીનમાં રાખીને ગાળીને આસવ તૈયાર કરાય છે. ઔષધોને પાણીમાં ઉકાળીને આથવણ કરવાથી અરિષ્ઠ તૈયાર થાય છે. કુમારીઆસવ, વાસાસવ, દશમૂલારિષ્ટ, ખદિરારિષ્ટ આનાં ઉદાહરણો છે.

દરેક કલ્પનો કયો પ્રકાર દર્દીને અનુકૂળ હોય, કયા સમયે લેવાનો હોય, કયા પ્રકારના રોગમાં લેવાનો હોય ઇત્યાદિ બાબત વિચારણા કરીને ચિકિત્સા કરાય છે. આ વિષયને વિધિવિધાનમાં સમાવાય છે.

ઔષધસેવન કાળ અંગે માર્ગદર્શન : આયુર્વેદિક દવાઓમાં ઉકાળા (ક્વાથ કે કષાય), વનસ્પતિનાં તાજા અંગરસ તથા ચૂર્ણ વગેરે પ્રાત:કાળે અને સાંજે એમ બે વાર અપાય છે. અરુચિ અને મંદાગ્નિ કે મંદપાચનમાં ચૂર્ણ કે વટી-ગુટી પ્રાય: જમ્યા પૂર્વે અપાય છે. હિંગ્વષ્ટક કે લવણભાસ્કર જેવાં ચૂર્ણ વધુ મંદાગ્નિમાં ભોજન સાથે અપાય છે. સ્વરભંગ(અવાજ બેસી જવો)ના દર્દમાં ચૂર્ણ કે દવા રાત્રે ભોજન સાથે અપાય છે. ધાતુ(વીર્ય)પુષ્ટિ અને અંગપુષ્ટિ માટેની શક્તિવર્ધક દવાઓ અવલેહ (ચાટણ), વટી-ગુટી, ચૂર્ણ વગેરે પ્રાત:કાળે અને સાંજના ભોજન પછી આપવાં સારાં ગણાયાં છે. કાનના દર્દમાં કોઈ કર્ણતેલ-દવા નાંખવી હોય તો રાત્રે સૂતી વખતે નાંખવી. કાનમાં રસી હોય તો સવારે કાન સાફ કરી, કાનની દવા કે તેલ સવારે અને રાતે બે વાર નાંખવાં. આયુર્વેદમાં ઉકાળા (કાઢા), ચૂર્ણો, રસાયનો જેવાં ઔષધો દર્દીને આપવાનાં હોય તો પ્રાય: (દર્દની સ્થિતિ મુજબ) તે 3, 7, 14, 21 કે 42 દિવસ સુધી અથવા ર્જીણ દર્દમાં તેથી વધુ સમય માટે આપવાનાં હોય છે.

પેશાબ સાફ લાવનારી (મૂત્રલ) ઔષધિ દિવસમાં સવારે અને સાંજે કે દર્દ મુજબ વધુ વખત આપવી. મૃદુ (હળવો) જુલાબ; જેમ કે, ત્રિફળા, હરડે, સ્વાદિષ્ટ વિરેચન, ઇસબગુલ, ગરમાળાનો ગોળ ઇત્યાદિ રાતે સૂતી વખતે આપવાં. જુલાબની કોઈ પણ દવા ખાલી પેટે અથવા ભોજન પછી ઓછામાં ઓછા 3 કલાક પછી જ દેવી જોઈએ. ભોજન પછી દોઢ-બે કલાકની અંદર કોઈ જુલાબની દવા ન લેવાય. ભારે જુલાબની તીવ્ર વિરેચન દવા દર્દીને વહેલી સવારે સુખોષ્ણ પાણી સાથે આપવી ઉત્તમ છે. દર્દીને ઊલટી કરાવવા માટે સવાર(6થી 8ની વચ્ચે)નો સમય ઉત્તમ છે. હેડકી જેવા દર્દમાં દર્દીને વારંવાર દવા આપી શકાય અને આવા દર્દીને નાકમાં નાખવાની દવા(નસ્ય)થી ખૂબ સારો લાભ થાય છે. ઝેરી પ્રાણીના દંશ કે વિષભક્ષણની સ્થિતિમાં દર્દીને ઊલટી અને ઝાડા થાય તેવી દવાઓ જરૂર મુજબ વારંવાર આપી, તેનું ઝેર શરીર બહાર કાઢી નાંખવાથી દર્દીના પ્રાણ બચશે. આયુર્વેદમાં ફળ-સેવન ભોજન કર્યા પછી કરવું સારું ગણ્યું છે. ઊંઘ લાવનારી અને પરસેવો લાવનારી કે માદક ઔષધિ દર્દીને રાત્રે સૂવાના સમયથી એક કલાક અગાઉ આપવી વધુ ઉત્તમ છે. ત્વચા રોગોમાં ભોજન પૂર્વે ઔષધ આપવું વધુ ગુણકારી છે. પાચન માટેનાં ઔષધો ભોજન પછી આપવાં હિતાવહ છે. લેપ માટેનાં ઔષધો (ફ્રેક્ચર તથા મચકોડ સિવાય) રાતના સમયે ન કરવાં (સવાર-સાંજ કરવાં) ઇચ્છનીય છે. ઝેર-ભક્ષણ કે ઝેરી પ્રાણીના દંશની કે માદક દવાના ઉતાર માટે દર્દીને વારંવાર દવા આપવી જોઈએ. એ જ રીતે કૉલેરા(વિષૂચિકા)ના દર્દમાં પણ દર્દીને વારંવાર ઔષધ આપવું સારું ગણાય છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે

બળદેવપ્રસાદ પનારા