ઔષધનિયંત્રણતંત્ર

January, 2006

ઔષધનિયંત્રણતંત્ર : ખોરાક અને ઔષધની ગુણવત્તા તથા ભેળસેળ ઉપર દેખરેખ રાખવા રાજ્ય સરકારે સ્થાપેલ તંત્ર.

રાજ્યમાં બનતાં તથા વેચાતાં ઔષધોની ગુણવત્તા ઉપર નિયંત્રણ રાખવાનું તેમજ જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળે તે માટે ખોરાકના નમૂના લઈ તેની તપાસ કરવાનું કાર્ય ખોરાક અને ઔષધનિયમન તંત્ર સંભાળે છે. આરોગ્યજાળવણીનું આ કાર્ય રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગના એક ભાગરૂપે આ તંત્ર સંભાળે છે.

1940ના ઔષધ અને સૌંદર્યપ્રસાધન અધિનિયમ અને તત્સંબંધી નિયમો તેમજ 1954ના ઔષધ અને જાદુઈ ઇલાજો, વાંધાજનક જાહેરાત અધિનિયમ 1970નો ભાવનિયમન આદેશ અને 1954ના અમલની જવાબદારી આ તંત્ર સંભાળે છે.

ઉપરાંત આ તંત્ર નીચે દર્શાવેલ વધારાની જવાબદારી પણ સંભાળે છે :

(1) રાજ્યમાં ફાર્મસી શિક્ષણનું કાર્ય.

(2) રાજ્યમાં ઔષધ-ઉત્પાદન કરતાં એકમોને તેમની જરૂરિયાત પ્રમાણે કાચાં ઔષધોની ફાળવણી.

(3) નિયામક, આરોગ્યસેવાઓ (તબીબી) તેમજ નિયામક, તબીબી સેવાઓ, રાજ્ય કામદાર વીમા યોજના અને સરકારી દવાખાનાં તથા ચિકિત્સાલયો માટે ઔષધોની ખરીદી અંગે જરૂરી સલાહ આપવાની કામગીરી,

(4) નિયામક, તબીબી સેવાઓ, રાજ્ય કામદાર વીમા યોજના, હૉસ્પિટલો તથા દવાખાનાં અને નિયામક, મધ્યસ્થ ઔષધ ભંડાર, અમદાવાદના ઔષધ નમૂનાનું પૃથક્કરણ કરવાની કામગીરી.

આયુર્વેદિક સિદ્ધિ અને યુનાની ઔષધો 1940ના ઔષધ અને સૌંદર્યપ્રસાધન અધિનિયમ હેઠળ 1964થી આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં તેનો અમલ જૂન, 1972થી શરૂ કરવામાં આવેલ છે.

છેલ્લા એકાદ દાયકાથી દવા-ઉદ્યોગમાં ઉત્તરોત્તર ઘણી પ્રગતિ થતી રહી છે. દર વર્ષે ગુજરાત રાજ્યમાં સરેરાશ દવાઓનાં 150 ઉત્પાદન-એકમો અને 500 વેચાણ-એકમોનો વધારો નોંધાતો રહ્યો છે. ઔષધ-ઉત્પાદન-ક્ષેત્રે, રાષ્ટ્રના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યે રૂ. 1314 કરોડનાં ઔષધોનું ઉત્પાદન કરીને આશરે 43 ટકા જેટલો ફાળો નોંધાવેલ છે. હાલમાં રાજ્યના ઔષધ-ઉત્પાદનમાં 684 ઍલૉપથિક, 512 આયુર્વેદિક, 245 કૉસ્મેટિક્સ, 6 રિપેકર્સ, 453 ઍલૉપેથિક લોન લાયસન્સદાર, 24 આયુર્વેદિક લોન લાયસન્સદાર, 6 કૉસ્મેટિક્સ અને 6 હોમિયોપથિક ઉત્પાદકો દવાના લોન લાયસન્સદારો ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલ છે. 1987ના વર્ષમાં ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા દેશોમાં રૂ. 174 કરોડનાં ઔષધોની નિકાસ કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકોને નિર્ભેળ અને ગુણવત્તાયુક્ત દવા ઉપલબ્ધ બને તે દિશામાં આ તંત્રે 1990માં લીધેલાં વિવિધ પગલાંમાં 46 ઔષધોના ઉત્પાદન-પરવાના પાછા ખેંચવામાં આવ્યા, 97 એકમોના ઉત્પાદન-પરવાના રદ કરાયા, 7 ઉત્પાદન-એકમ સામે ફોજદારી કાર્યવહી કરવામાં આવી અને 1004 વેચાણ-પરવાના રદ કરાયા તે ગણી શકાય.

ખાદ્ય-ખોરાકમાં ભેળસેળ અટકાવવાના હેતુસર 1987ના વર્ષમાં 12,479 નમૂના લેવામાં આવેલા. 11,023 તપાસેલ નમૂના પૈકી 781 નમૂના અપ્રમાણસર જાહેર થયા હતા. અગાઉના પડતર સહિતના 808 અપ્રમાણસર નમૂના પર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. વર્ષ દરમિયાન 340 કેસોનો કોર્ટમાં ચુકાદો આવ્યો હતો, જે પૈકી 178 કેસોમાં કસૂરદારને સજા અને દંડ ફરમાવવામાં આવ્યાં હતાં. દંડ પેટે રૂપિયા 1,95,126 વસૂલ કરવામાં આવ્યા હતા.

વડોદરામાં ઔષધોની ગુણવત્તા ચકાસવા માટે અત્યંત અદ્યતન ઔષધ પ્રયોગશાળા સ્થાપવામાં આવેલી છે.

મનુભાઈ પટેલ