ઔષધચિકિત્સા-સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીઓમાં

January, 2006

ઔષધચિકિત્સા, સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીઓમાં : સગર્ભા અને સ્તન્યપાની (lactating) સ્ત્રીઓમાં ગર્ભ તથા નવજાત શિશુ(neonate)ને જોખમ ઊભું ન થાય તેવી દવા વડે સારવાર કરવાના સિદ્ધાંતો. ઑર(placenta)માં થઈને લોહી દ્વારા કે માતાના દૂધ દ્વારા ગર્ભ કે શિશુમાં પહોંચતી દવા તેનાં અંગ, રૂપ તથા અવયવોનાં વૃદ્ધિ અને વિકાસને અસર કરી શકે છે. વળી ગર્ભ તથા નવજાત શિશુમાં ચયાપચયી ક્રિયાઓ અને ઉત્સર્ગક્રિયાઓ અપૂરતી વિકસેલી હોય છે તેથી તેમનામાં ઔષધ-વિકારો વધુ પ્રમાણમાં થાય છે.

આકૃતિ 1 : (અ) ગર્ભના અવયવો અને અવયવી તંત્રોની વૃદ્ધિ અને વિકાસના ગાળા (periods) : (1) મગજ, (2) હૃદય, (3) આંખ, (4) હાથ-પગ, (5) જનનાંગો, (આ) : (6) પ્રજનનમાર્ગ – નર, (7) પ્રજનનમાર્ગ – માદા, (8) ચેતાતંત્ર

ગર્ભાશયકાળના પ્રથમ 3 મહિનામાં અને ખાસ કરીને 4થી 8 અઠવાડિયાંના સમયગાળામાં, પ્રાગર્ભ અથવા ભ્રૂણ(embryo)માં અને ગર્ભ(foetus)માં અવયવો બને છે. તેને અવયવપ્રસર્જન (organogenesis) કહે છે. (જુઓ આકૃતિ 1.) સગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ઝેરી ઔષધ પ્રાગર્ભનું મૃત્યુ નિપજાવે છે જ્યારે અવયવપ્રસર્જનકાળ દરમિયાન અપાયેલાં ઔષધ વિવિધ દેહવિકૃતિઓ (anomalies) અથવા વિકૃતસંરચનાઓ (malformations) સર્જે છે. તેથી ગર્ભની વૃદ્ધિમાં તથા/અથવા મગજના વિકાસમાં અટકાવ ઊભો થાય છે. દવાની માનવગર્ભ પર શી વિપરીત અસર પડશે તે પહેલેથી જાણવું અઘરું છે. દવાઓને કારણે ગર્ભ પર વિપરીત અસર પડે છે તેની સભાનતા થેલિડોમાઇડ નામના

આકૃતિ 2 : અપઅંગિતા

ઔષધના ઉપયોગ પછી ઘણી વધી છે. સગર્ભાવસ્થાની શરૂઆતના સમયમાં ઘેન માટે થેલિડોમાઇડ આપવાથી ગર્ભમાં અપઅંગિતા (phocomelia) નામની વિકૃતિ જોવા મળી હતી (આકૃતિ 2). આવા નવજાત શિશુમાં ધડની પાસેના હાથ-પગના ભાગો વિકસ્યા ન હતા અને હસ્ત તથા પાદ ધડ સાથે સીધેસીધા કે ટૂંકા, અનિયમિત હાડકાંથી જોડાયેલા જોવા મળ્યા હતા. આવી જ રીતે આંચકીરોધી (anti-convulsant) દવાઓના સેવનને કારણે ખંડોષ્ઠ (hare lip) કે ખંડતાલવ્ય(cleft plate)ની વિકૃત સંરચનાઓ જોવા મળેલી છે. આવી દેહવિકૃતિઓ જન્મજાત (congenital) હોય છે. સગર્ભાવસ્થાના સમયે ગર્ભમાં દેહવિકૃતિ કરતી દવાઓને કુરૂપકારી (dysmorphogen) કહે છે. આવું જે ઔષધ ખંડોષ્ઠ, ખંડતાલવ્ય, અપઅંગિતા કે નિ:મસ્તિષ્કતા (enencephaly) જેવી મોટી વિકૃતિ કરતું હોય તેને ગર્ભપેશીવિકૃતક (teratogen) અથવા રાક્ષસી બાળકારી (monster producing) ઔષધ કહે છે.

ક્યારેક ગર્ભાશયકાળમાં લેવાયેલી દવાઓની આડઅસર લાંબા સમય પછી જોવા મળે છે; દા.ત., સગર્ભા સ્ત્રીની ઍક્સ-રે ચિત્રણની તપાસ બાદ જન્મેલ બાળકમાં લોહીનું કૅન્સર થાય, સગર્ભા સ્ત્રીને ઇસ્ટ્રોજન-સ્ટીલ્બેસ્ટેરોલની દવા અપાવી હોય તો તેની પુત્રીમાં યોનિનું ગ્રંથિકૅન્સર (vaginal adenocarcinoma) થાય. ટેટ્રાસાઇક્લિન લેતી સગર્ભા સ્ત્રીના બાળકના દુધિયા દાંતમાં ડાઘા જોવા મળે છે.

સગર્ભાવસ્થાના પાંચમા અઠવાડિયા પછી માતા અને ગર્ભ વચ્ચે ઑર દ્વારા ઔષધો તથા રસાયણોની આપલે સહજ રૂપે થાય છે. તે પ્રસવકાળે ઘણી વધી જાય છે. જોકે મોટા અને મેદ-અદ્રાવ્ય અણુઓની આપલે ઓછી રહે છે. ગર્ભ અને નવજાત શિશુનું ચયાપચયી તથા ઉત્સર્ગકાર્ય અલ્પવિકસિત હોય છે તેથી ઑર મારફતે ગર્ભમાંથી માતાના લોહીમાં થતો ઔષધોનો નિકાલ ગર્ભને રક્ષણ આપે છે. પ્રસવકાળે અપાયેલાં કેટલાંક ઔષધોની આડઅસરો આ જ કારણસર નવજાત શિશુમાં જોવા મળે છે; દા.ત., વ્યસનશીલ પીડનાશકો (narcotic analgesics) અને બાર્બિટ્યુરેટ્સનો પ્રસવસમયે ઉપયોગ કરાયો હોય તો નવજાત શિશુમાં તેની આડઅસરો જોવા મળે છે. સગર્ભાવસ્થા દરમિયાન જોખમી ગણાતી કેટલીક દવાઓ સારણી 1માં દર્શાવી છે.

સારણી 1 : સગર્ભાવસ્થામાં ઉપયોગ માટે જોખમી ગણાતાં કેટલાંક ઔષધો

(ક) સગર્ભતાનો શરૂઆતનો તબક્કો (અવયવપ્રસર્જનમાં વિકૃતિ)
 

 

 

 

(ક–1) અતિજોખમી : કૅન્સરવિરોધી ઔષધો, લિંગીય અંત:સ્રાવો (sex hormones), થેલિડોમાઇડ, વૉરફેરિન (મુખમાર્ગી રુધિરગઠન-રોધક)
(ક–2) જોખમી : બાર્બિટ્યુરેટ, ફેનિટોઇન
(ક–3) અલ્પ જોખમી : પ્રત્યામ્લો (antacids), લોહ, નિકોટિનમાઇડ, સૂંઘાડવાના નિશ્ચેતકો (inhalational anaesthetics)
(ક–4) સંભવત: જોખમી : કૉન્ટ્રાઇમેક્સેઝોલ, કોર્ટિકોસ્ટિરૉઇડ, એસ્પિરિન, મધુપ્રમેહમાં વપરાતી મુખમાર્ગી દવાઓ, ડાયાઝેપામ અને અન્ય બેન્ઝોડાયાઝેપિન્સ
(ખ) સગર્ભતાનો પાછલો તબક્કો (ગર્ભ અને નવજાત શિશુને જોખમ)
 

 

(ખ–1) સંપૂર્ણ નિષેધ : મુખમાર્ગી રુધિરગઠનરોધકો, મોટી માત્રામાં એસ્પિરિન, ફ્લોરેમ્ફેનિકોલ, આયોડાઇડ, નાઇટ્રોફ્યુરેન્ટોઇન, સલ્ફા, મધુપ્રમેહમાં વપરાતી મુખમાર્ગી દવાઓ.
 (ખ–2) સંભાળપૂર્વક ઉપયોગ : નિશ્ચેતકો, મૉર્ફિન, પૅથેડિન, બાર્બિટ્યુરેટ, બેન્ઝોડાયાઝેપિન્સ, પ્રોપ્રેનોલોલ, રેસરપીન, થાયેઝાઇડ, મૂત્રવર્ધકો, લિથિયમ, ફિનોથાયેઝાઇન્સ, નિયૉમર્કેઝોલ, કોર્ટિકોસ્ટીરૉઇડ
(ગ) સમગ્ર સગર્ભાવસ્થા
(ગ–1) પૂર્ણનિષેધ : ટેટ્રાસાઇક્લિન, આલ્કોહૉલ, ધૂમ્રપાન

સગર્ભા સ્ત્રીને ઘણી વખત પાંડુતા (anaemia), મૂત્રમાર્ગનો ચેપ, સોજા, લોહીનું વધેલું દબાણ, આંચકી, સગર્ભાવસ્થાની વિષરુધિરતા (toxaemia of pregnancy), શિરાઓમાં રુધિરગઠન (venous thrombosis), ઊબકા, ઊલટી, ગર્ભપાત થવાનું જોખમ (threatened abortion), કાલપૂર્વ પ્રસવ (premature labour) જેવા વિકારો માટે તથા પ્રસવસહાય માટે ઔષધો આપતી વખતે ઉપર જણાવેલા સિદ્ધાંતોનું ધ્યાન રખાય છે.સગર્ભા તથા સ્તન્યપાની સ્ત્રીઓમાં દવાઓનો ઉપચારાર્થે ઉપયોગ કરતી વખતે લાભ-જોખમની તુલના કરીને નિર્ણય કરાય છે. વળી આવી સ્ત્રીઓ તબીબી સલાહ વગર જાતે અથવા સામાજિક રૂઢિઓ મુજબ પણ ઘણી દવાઓ લેતી હોય છે. સગર્ભા અથવા સ્તન્યપાની સ્ત્રી કોઈ પણ પ્રકારની દવા લે છે કે નહિ તે જાણવું ઘણું મહત્વનું ગણાય છે. પ્રજનનશીલ ઉંમર (child-bearing age) ધરાવતી દરેક સ્ત્રીને દવા આપતાં અગાઉ તેની સગર્ભતા હોવાની શક્યતા જાણી લેવાય છે. સગર્ભતાના પ્રથમ ત્રણ માસમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દવા ન આપવાનું સૂચવાય છે.

સ્તન્યપાની માતાના દૂધમાં ઝરતાં ઔષધો પણ શિશુમાં આડઅસરો ઉત્પન્ન કરે છે. મોટાભાગની દવાઓ સહજ રીતે જ માતાના દૂધમાં પ્રવેશે, પરંતુ તેમાં મંદ-આલ્કલીના ગુણધર્મ ધરાવતી દવાઓનું પ્રમાણ વધુ હોય છે. તેથી સામાન્ય રીતે સ્તન્યપાની માતાને શિશુઓને જોખમરૂપ હોય તેવી દવા, કૅન્સરવિરોધી કે કોર્ટિકોસ્ટીરૉઇડ જૂથની દવા તથા મૂત્રપિંડ કે યકૃતના રોગવાળી માતાને અનુક્રમે મૂત્રપિંડ દ્વારા દૂર કરાતી કે યકૃત દ્વારા નિર્વિષ (detoxified) કરાતી દવા અપાતી નથી. કાર્બામેઝેપિન, સાઇક્લોસિરીન, ડીગૉક્સિન, ઍરિથ્રોમાયસિન, આયસોનિયાઝિડ, લિન્કોમાયસિન, લિથિયમ, મેપ્રોબેમેટ, મેટ્રોનિડેઝોલ, પ્રોપ્રેનોલોલ, આયોડિનનો વિકિરણશીલ સમસ્થાનિક, સ્ટ્રૅપ્ટોમાયસિન, ટેટ્રાસાઇક્લિન, થાયૉયુરેસિલ અને ટ્રાયમિથોપ્રિમ જેવી દવાઓનું માતાના લોહી કરતાં દૂધમાં પ્રમાણ વધુ હોય છે. તેથી તેમનો વપરાશ સાવચેતીપૂર્વક કરાય છે. વળી આલ્કોહૉલ, હેરોઇન, નિકોટિન (તમાકુ), ક્લૉરોફૉર્મ, સેલિસિલેટ, ઇન્ડોમિથાસિન, રુધિરગઠનરોધકો, આંચકીરોધકો, ડાયાઝેપામ, ફિનોર્બાબિટોન, ફેનિટોઇન રેસરપીન, નેલિડિક્સીક ઍસિડ, સલ્ફા, ક્લૉરપ્રોમેઝિન, મુખમાર્ગી ગર્ભનિરોધકો અને થિયૉફાયલિન જેવી દવાઓ નવજાત શિશુ માટે જોખમી ગણાય છે અને તેથી તેમનો ઉપયોગ સ્તન્યપાની સ્ત્રીઓમાં કરતી વખતે વધારાની સાવચેતી રખાય છે.

શિલીન નં. શુક્લ

દક્ષા જાની