ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો

February, 2004

ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો : ઉચિત પ્રતિનિધિત્વ દ્વારા ઔદ્યોગિક તંત્રની નિર્ણયપ્રક્રિયાના પ્રત્યેક સ્તરના વ્યવસ્થાપનમાં શ્રમિકોની ભાગીદારી. આ ભાગીદારીનું સ્વરૂપ અને તેનો વ્યાપ પ્રત્યેક દેશની સામાજિક-આર્થિક વિચારસરણી, નીતિ અને ધ્યેય ઉપર અવલંબે છે. વ્યવસ્થાપનની ર્દષ્ટિએ જોઈએ તો તેનો અર્થ નિર્ણય પહેલાંનો સંયુક્ત પરામર્શ એમ થઈ શકે. શ્રમિકોની ર્દષ્ટિએ તે સામુદાયિક નિર્ણય અથવા તો સંયુક્ત રીતે લેવાયેલો નિર્ણય ગણી શકાય. શ્રમિકોનાં મંડળો આવી ભાગીદારીને વ્યવસ્થાતંત્રમાં સત્તાના નવા સમીકરણના પ્રવેશ તરીકે જુએ છે. ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ વ્યવસ્થાતંત્રની નિર્ણયપ્રક્રિયા ઉપર અંકુશ મેળવવાનો છે.

વ્યવસ્થાપનમાં ભાગીદારી એટલે ઔદ્યોગિક ક્ષેત્રે સક્રિય બનેલી લોકશાહી. તેમાં શ્રમિકો અને વ્યવસ્થાપન બંનેને તાલીમ અને શિક્ષણની જરૂર છે, જેથી તે બંને ઉત્પાદનની પ્રક્રિયામાં પોતપોતાનો ભાગ ભજવી શકે અને ઔદ્યોગિક લોકશાહીને ચરિતાર્થ કરી શકે.

શ્રમિકોની વ્યવસ્થાપનમાં ભાગીદારીના ત્રણ મુખ્ય ઉદ્દેશ ગણાવી શકાય :

() વ્યવસ્થાતંત્ર અંગેના : (1) શ્રમિકો તરફથી વ્યવસ્થાપનને લાભકારક વિચારો ઉપલબ્ધ થઈ શકે. (2) ઉપલા સ્તરે યોગ્ય નિર્ણયો લેવા માટે નીચેથી ઉપરની કક્ષાએ વિચારો પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય. (3) શ્રમિકોની ભાગીદારીના કારણે લેવાયેલા નિર્ણયોને તેઓ વધારે સરળતાથી સ્વીકારી શકે.

() માનસશાસ્ત્રીય : (1) ભાગીદારી દ્વારા ઉદ્યોગમાં માનવીય ઘટકને અગત્ય મળે છે અને તેથી સ્વીકારાયેલી જવાબદારી વધુ રસપૂર્વક પૂરી થઈ શકે છે. (2) શ્રમિકોના મનમાં મમત્વની લાગણી ઊભી થાય છે, જે તેમની કાર્યક્ષમતાની પોષક બને છે.

() સામાજિક : (1) ભાગીદારી દ્વારા નિર્ણયપ્રક્રિયામાં સામેલ થવાથી શ્રમિકો અને વ્યવસ્થાપન વચ્ચે સમત્વની ભાવના જન્મે છે. પરિણામે શ્રમિકોની ઉત્પાદકતા, મૌલિકતા અને અસરકારકતા વધે છે. (2) માનવીનો માનવી તરીકેના ગૌરવમાં વધારો થાય છે અને તેની અસ્મિતાની ભાવના સંતોષાય છે.

વ્યવસ્થાપનના કાર્યમાં શ્રમિકોની ભાગીદારી નીચેની પદ્ધતિ દ્વારા સિદ્ધ કરી શકાય છે : (1) યોજના અંગેનાં સૂચનો દ્વારા, (2) સંયુક્ત પરામર્શ કરવાથી, (3) સંચાલક મંડળમાં શ્રમિકોને સ્થાન આપીને, (4) સહસામેલગીરી દ્વારા, (5) સહનિર્ણયની પ્રક્રિયા અપનાવીને, (6) સ્વ-વ્યવસ્થાપન સ્વીકારીને તથા (7) ‘ઇક્વિટી’માં ભાગીદારી રાખીને.

શ્રમિકોની ભાગીદારીની ત્રણ કક્ષાઓ ગણાવી શકાય – (1) દુકાન, (2) ફૅક્ટરી અને (3) બૉર્ડની કક્ષાએ ભાગીદારી સિદ્ધ કરવા માટે શ્રમિકોને પૂરતી માહિતી અપાવી જોઈએ. તેમની સાથે યોગ્ય પ્રમાણમાં પરામર્શન કરાવવું જોઈએ તથા નિર્ણયપ્રક્રિયામાં તેમની સામેલગીરી રાખવી જોઈએ.

ભારતમાં તેની શક્યતાઓનો વિચાર કરીએ તો 1970થી વ્યવસ્થાપનમાં શ્રમિકોની સામેલગીરીની વાતો સંભળાતી રહી છે અને હવે તે સંસદનાં ગૃહોમાં પણ ચર્ચાવા લાગી છે. આ ચર્ચાઓનો મુખ્ય ઉદ્દેશ શ્રમિકો અથવા તેમના પ્રતિનિધિઓ પ્રત્યેક ઉદ્યોગમાં સંચાલક મંડળમાં લેવાય તે છે. આવા પ્રતિનિધિઓને ખાનગી મતદાન દ્વારા ચૂંટવાના રહેશે અને તેમ કરવામાં વ્યવસ્થાપનની જવાબદારી સૌથી અગત્યની રહેશે. આમ થતાં વ્યવસ્થાપનમાં અને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં દુકાનથી માંડીને બૉર્ડ સુધીના વિવિધ સ્તરોએ નીતિનું ઘડતર સંયુક્ત રીતે થઈ શકશે.

પરંતુ ભાગીદારીને સફળતાપૂર્વક અપનાવવી તે સહેલું નથી. તેમાં અનેક અવરોધો અને પ્રતિકૂળતાઓ રહેલાં છે. વ્યવસ્થાપનની કક્ષાએ એમ મનાય છે કે તેમનું સર્વપ્રથમ કાર્ય નિર્ણયો લેવાનું છે. નિર્ણય લેવો અને ત્યારબાદ તેને કાર્યાન્વિત કરવો અથવા તો તે અંગેની પૂરી માહિતી શ્રમિકો સુધી પહોંચાડવી એ બંને પ્રક્રિયાઓ અત્યંત વિકટ અને સંકુલ છે. નિર્ણયો લેવાની પ્રક્રિયામાં એટલા બધા વિવિધ ખ્યાલોને ર્દષ્ટિમાં રાખવા પડે છે કે તેમાં બીજા કોઈને સામેલ કરી શકાતા નથી કે નથી તેની જવાબદારી કોઈ બીજાને સરળતાથી સોંપી શકાતી. નિર્ણય કરનાર અને તેની પૂરી જવાબદારી લેનાર માત્ર એક જ વ્યક્તિ હોય છે અને તે મુખ્ય વ્યવસ્થાપક કે મૅનેજર છે. તે તેનાં સ્થાન અને જવાબદારીનો પૂરો અધિકાર ધરાવે છે એમ વ્યવસ્થાપકોનું સામાન્ય મંતવ્ય છે.

વ્યવસ્થાપનનું કાર્ય વિશિષ્ટ જ્ઞાન, તાલીમ, જાણકારી અને અનુભવ માગી લે છે, પછી તે દુકાનની કક્ષાએ હોય કે ડિરેક્ટરોના બૉર્ડની કક્ષાએ હોય. વ્યવસ્થાપનની સર્વોચ્ચ કક્ષાએ વિશાળ ઔદ્યોગિક નીતિ, ઉદ્દેશ અને યોજનાકીય લક્ષ્યાંકો નક્કી કરે છે. તેની પાસે જરૂરી જ્ઞાન, તાલીમ તથા જાણકારી હોય છે અને જે તે ક્ષેત્રની વિશિષ્ટ માહિતી હોય છે. નિર્ણયો લેવાનું કામ વ્યવસ્થાપકનું છે. તેમાં શ્રમિકો સામેલ થાય તો તેમને વ્યવસ્થાપક થવું પડે અથવા તો તે માટેની જરૂરી લાયકાતો પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. માનસશાસ્ત્રીય ર્દષ્ટિએ વિચારીએ તો શું શ્રમિક અને ડિરેક્ટર એકમેકની સાથે અસરકારક રીતે કામ કરી શકે ખરા ? એવા પ્રશ્નો આ ક્ષેત્રના નિરીક્ષકો પૂછે છે.

ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોને સ્થાન મળે તે પહેલાં ભાગીદારીની પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધે; તે માટે ઉચ્ચ કક્ષાએ પરામર્શન સમિતિ સ્થપાય અને સૂચનો અને યોજનાઓ દ્વારા તે પુષ્ટ થાય, પ્રાદેશિક ભાષાઓમાં સામયિકો બહાર પાડી શ્રમિકોને યોગ્ય પ્રમાણમાં શિક્ષણ અપાય, વ્યવસ્થાપન અને શ્રમિકોની સંયુક્ત સભાઓ યોજીને તેમને સંબોધવામાં આવે અને એમ શ્રમિકો અને વ્યવસ્થાપન વચ્ચે સીધા સંબંધો વિકસે તે આ દિશામાં પ્રથમ પગલું છે એમ તે ક્ષેત્રના તદવિદોનું મંતવ્ય છે.

મદનજિત દુગલ

મીનુ ગોવિંદ