ઔદ્યોગિક મનોવિજ્ઞાન : ઉદ્યોગધંધાના ક્ષેત્રમાં માનવસ્વભાવ અને વર્તન વિશેના મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વિનિયોગ કરવાનું શાસ્ત્ર. ઔદ્યોગિક મનોવિજ્ઞાન સામાન્ય મનોવિજ્ઞાનનાં તથ્યો, સિદ્ધાંતો અને પદ્ધતિઓ અપનાવે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઔદ્યોગિક જગતમાં ઉદભવતી સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક તંત્રો અને સાધનો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે છે.

ઉદ્યોગ એટલે કારખાનું, મિલ કે નોકરી-ધંધો જ નહિ; પરંતુ મનુષ્યની પ્રત્યેક ધંધાકીય પ્રવૃત્તિ, એનો વ્યવસાય, એણે ઉપજાવેલી સંસ્થાઓની કાર્યવાહી, ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિષય બને છે. ઉદ્યોગનાં તમામ ક્ષેત્રોમાં કામ કરતો માનવી અને તેના વિશિષ્ટ સંબંધો, સમસ્યાઓ તેમજ તેનાં આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પાસાંની તેમાં ચર્ચા થાય છે.

ઔદ્યોગિક મનોવિજ્ઞાનના ઉદભવ અને મૂળ અંગેના ચોક્કસ સમય વિશે વિદ્વાનોમાં હજી સુધી સર્વસંમતિ સધાઈ નથી. છતાં મનોવિજ્ઞાનની એક શાખા તરીકે તેનો પ્રારંભ ડિસેમ્બર 1901માં અમેરિકાની નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના વ્યાખ્યાતા વૉલ્ટર ડી લ સ્કૉટના વિજ્ઞાપનક્ષેત્રમાંના મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગની શક્યતા પર રજૂ થયેલા વ્યાખ્યાનથી થયેલો મનાય છે. વૉલ્ટર ડી લ સ્કૉટે ‘ધ થીઅરી ઑવ્ ઍડ્વર્ટાઇઝિંગ’ (1903) અને ‘ધ સાઇકૉલોજી ઑવ્ ઍડ્વર્ટાઇઝિંગ’ (1913) નામનાં પુસ્તકો લખેલાં છે. 1916માં સ્કૉટે વેચાણપ્રક્રિયા વિશે સંશોધન કર્યું હતું. 1922માં ‘પર્સોનેલ મૅનેજમેન્ટ’ વિશે તેમણે પુસ્તક પ્રાકશિત કર્યું હતું. આ રીતે સ્કૉટ અમેરિકાના સૌથી પહેલા ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક બન્યા હતા.

1913માં મુન્સ્ટબર્ગ હ્યુગો નામના વિદ્વાને ‘સાઇકૉલોજી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ એફિશિયન્સી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તક ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઉપરનું પ્રારંભબિંદુ ગણાય છે. પ્રસ્તુત પુસ્તકમાં ઔદ્યોગિક ક્ષેત્રે અનુકૂલનમાં અને કામદારોની કાર્યક્ષમતા વધારવામાં મનોવિજ્ઞાનની જાણકારી ઉપયોગી છે, તેવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તેથી જ મુન્સ્ટબર્ગને મનોવિજ્ઞાનના વ્યાવહારિક ઉપયોગના પ્રણેતા ગણવામાં આવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં સૈનિકોની પસંદગી અને ભરતી માટે લશ્કરી કામગીરીનું કાર્યવિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સૈનિકો તેમજ અધિકારીઓની પસંદગી કરવા માટેના માપદંડ તરીકે બુદ્ધિકસોટીઓ તેમજ શક્તિકસોટીઓ રચવામાં આવેલી; એમાં આર્મી આલ્ફા અને આર્મી બીટા નામની અશિક્ષિતો માટેની કસોટીઓ જાણીતી છે. વિશ્વયુદ્ધ દરમિયાન કામદારોની ઉત્પાદકતા, થાકને અસર કરતા ઘટકો તથા થાકને નિવારવાના ઉપાયો વિશે અનેક મનોવૈજ્ઞાનિકોએ ઉપયોગી સંશોધનો કર્યાં હતાં. તેમાં એચ. એમ. વર્નનનું નામ મોખરે છે. આ સંશોધનમાં થાક, કામના કલાકો, વિશ્રાંતિનો સમય, પ્રકાશ-આયોજન, સંગીત, ઘોંઘાટ, તાપમાન, હવાની અવરજવર (ventilation), ભેજ વગેરેની અસરોના અભ્યાસ ઉપરથી કાર્યસ્થળની આસપાસ યોગ્ય મનોવૈજ્ઞાનિક વાતાવરણ ઊભું કરવાની બાબત ઉપર ભાર મુકાવા લાગ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીએ ઉત્પાદન-ખર્ચ ઘટાડીને માનવશક્તિનો ઉપયોગ કરવાની અનુપમ પદ્ધતિઓ વિકસાવીને અગત્યનું સ્થાન પુન: પ્રાપ્ત કર્યું. ઇંગ્લૅન્ડમાં 1915માં ‘હેલ્થ ઑવ્ મ્યુનિશન વર્ક્સ કમિટી’ની સ્થાપના અને ત્યારપછી 1918માં ‘ઇન્ડસ્ટ્રિયલ ફટીગ બૉર્ડ’ની રચના થયેલી. ત્યારબાદ 1921માં ચાર્લ્સ માયર્સના પ્રમુખપદે ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ સાઇકૉલોજી’ની રચના થયેલી. આજે પણ આ સંસ્થા ઔદ્યોગિક પ્રશ્નોનું સંશોધન કરી રહી છે. અન્ય દેશોની તુલનામાં ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિકાસ યુરોપ અને અમેરિકામાં આ અરસામાં સારો એવો થયેલો. અમેરિકામાં શેલો અને પોંડે પ્રયોગશાળામાં ઔદ્યોગિક કાર્યક્ષમતા અંગે સંશોધનો થયેલાં. 1917માં ‘જર્નલ ઑવ્ એપ્લાઇડ સાઇકૉલોજી’ શરૂ થયેલું. આ અને આવાં બીજાં સામયિકો ટેકનિકલ અને નૉન-ટેકનિકલ વ્યક્તિઓ માટે પ્રકાશિત થવાની શરૂઆત થઈ ગયેલી. અમેરિકામાં જ 1922માં બિંગહામના નેતૃત્વ નીચે ‘પર્સોનેલ રિસર્ચ ફેડરેશન’ની સ્થાપના થયેલી. આ રીતે અમેરિકાની અંદર માનસશાસ્ત્રના વ્યાવહારિક ઉપયોગની શરૂઆત થઈ.

1939માં બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે લશ્કર અને યુદ્ધની વિવિધ પ્રકારની કામગીરીઓ માટે તથા ભરતીની લાયકાત નક્કી કરી પસંદગી કરવા માટે મનોવૈજ્ઞાનિકો વધારે કાર્યક્ષમ અને સુસજ્જ બન્યા હતા. તેમણે આ માટેની અનેક કસોટીઓની રચના કરી હતી. તાણ (tension) વિશેના અભ્યાસ આ અરસામાં એક નવા પાસા તરીકે ઉમેરાયા. આ ઉપરાંત તાલીમ આયોજનો, યુદ્ધોની ડિઝાઇનો વગેરે અંગે પણ નવેસરથી વિચારણા કરવાનો પ્રારંભ થયો. આમ આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધે ઔદ્યોગિક મનોવિજ્ઞાનને એક વ્યવસાય તરીકે સમાજમાં સ્થાન અપાવ્યું તો બીજા વિશ્વયુદ્ધે તેને વિશેષ પ્રચલિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

આધુનિક ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો સંશોધનાત્મક અભ્યાસ અમેરિકામાં એલ્ટન મેયોએ કર્યો હતો. તેમણે વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીમાં ભૌતિક ઘટકો(જેવા કે પ્રકાશ, તાપમાન, હવામાન)ની કામદારની કાર્યક્ષમતા ઉપર શી અસર થાય છે તે અંગેનો અભ્યાસ 1927માં કર્યો. તેમણે આ અભ્યાસ અપેક્ષિત પરિણામો પ્રાપ્ત ન થતાં બાર વર્ષ સુધી લંબાવ્યો અને અંતે તેમણે કામદારનાં મનોવલણો અને નેતૃત્વના પરિણામે ઉદભવતા ઔદ્યોગિક જોમ અને ઔદ્યોગિક સંઘર્ષનો અભ્યાસ કર્યો. પરિણામે આધુનિક ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું ર્દષ્ટિબિંદુ સ્પષ્ટ થયું. આ પ્રકારના સંશોધનાત્મક અભ્યાસને હોથોર્ન અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે.

ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય ‘કામ કરનાર વ્યક્તિને કામના વળતર સાથે વ્યવસાયમાંથી કાર્યસંતોષ મળે તે છે.’ આમ કામદારને વ્યવસાયમાં વળતર સાથે કાર્યસંતોષ મળે તેનું માર્ગદર્શન આપવાનું કાર્ય ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકનું છે. બીજું મુખ્ય ધ્યેય ઉત્પાદકતામાં વધારો, આર્થિક લાભો, સુખ-સગવડો તેમજ મન:શારીરિક રીતે કામ કરવાની સરળતા અને આરામ કઈ રીતે પ્રાપ્ત કરવો તે અંગેના ઉપાયો યોજવાનું છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું ધ્યેય માનવશ્રમ ઓછો થાય અને ઉત્પાદકતા વધારી શકાય તે માટેના પ્રયત્નો વધારવાનું છે. આ સિવાય ઉદ્યોગમાં કામદાર અને માલિક વચ્ચે ઔદ્યોગિક સંબંધો ઉપરાંત માનવીય સંબંધો વધે તે જોવાનું મુખ્ય ધ્યેય ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું છે.

ઔદ્યોગિક મનોવિજ્ઞાન સામાન્ય મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને માનવસ્વભાવના જ્ઞાનને ઉદ્યોગ અને ધંધાકીય ક્ષેત્રમાં પ્રયોજવાનો પ્રયાસ કરે છે. સામાન્ય મનોવિજ્ઞાનનાં તથ્યો, તારણો અને નિષ્કર્ષોને પણ તે અપનાવે છે. તેની પદ્ધતિઓને પણ તે આવકારે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન સમસ્યાઓને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સાધનો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે છે. જૂના ઉદ્યોગો કરતાં આધુનિક ઉદ્યોગોએ વિશિષ્ટ પ્રકારના કાર્યનું વાતાવરણ સર્જ્યું છે. મોટા ઔદ્યોગિક દેશોમાં ખાસ પ્રકારની યંત્રસામગ્રી અને વિશિષ્ટ કાર્ય-એકમો વડે ઉત્પાદકતાની પ્રક્રિયાને આગળ વધારવામાં આવે છે. કાર્ય-પ્રક્રિયા પણ દિવસે દિવસે ઉચ્ચ પ્રકારે વિકસતી જાય છે અને ઉપપ્રક્રિયાઓમાં વહેંચાતી જાય છે. કામદારોએ આ સમગ્ર પ્રક્રિયાના એક ભાગરૂપે એક જ વિશિષ્ટ કાર્ય-એકમ પરત્વે ધ્યાન આપવાનું હોય છે. કામનું આવું વૈયક્તિક વિશિષ્ટીકરણ વ્યક્તિના પક્ષે તદ્દન નવા જ પ્રકારનું અનુકૂલન માગી લે છે. ઉદ્યોગીકરણની આ વિશિષ્ટ ભાત આજના કામદારને ભૌતિક, રાસાયણિક, જૈવિક અને મનોવૈજ્ઞાનિક એવાં ચાર પ્રકારનાં જોખમો સામે લાલ બત્તી ધરે છે. આ જોખમોનો ઉદભવ કાર્યપરિસ્થિતિમાંનાં વિવિધ પરિબળોથી થાય છે; જેમકે ભૌતિક જોખમોનો ઉદભવ અરક્ષિત યંત્રો, ધૂળ (રજકણો), હવાની અવરજવર, પ્રકાશ અને યંત્રોની ખોટી ગોઠવણ વગેરેમાંથી થાય છે. ઝેરી રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ રસાયણજન્ય જોખમો પ્રતિ દોરી જાય છે. ચેપી જીવાણુથી અસર પામેલી કાચી સામગ્રી પશુઓને થતા ચેપી રોગની જેમ કામદારો માટે પણ રોગનું કારણ બને છે. એવી જ રીતે સલામતીની ભાવના, પરાધીનતાની વૃત્તિ, સત્તાનો ભાવ, પરિચિતતા અને આત્મગૌરવ જેવી મૂળભૂત માનવીય પ્રેરણાઓ તરફ સેવાતાં દુર્લક્ષને કારણે મનોવૈજ્ઞાનિક જોખમોનો ઉદભવ થાય છે. આ જોખમો ઉદ્યોગ તેમજ વ્યક્તિ માટે અંતરાયરૂપ છે. ઉદ્યોગના વિકાસમાં તેમજ સમૃદ્ધિમાં તે અનેકવિધ સમસ્યાઓ ઊભી કરે છે. વ્યક્તિના પક્ષે સામાજિક-તબીબી (medico-social) સમસ્યાઓ ઊભી કરે છે. આ સમસ્યાઓનો વિસ્તાર વ્યક્તિ પૂરતો મર્યાદિત ન રહેતાં કુટુંબ અને તેની જાતિને પણ અસર કરે છે.

આધુનિક ઉદ્યોગોમાં ઉપર જણાવેલાં જોખમો સાથે સાથે સામૂહિક કાર્ય-ઉત્પાદનને ઘેરી અસર પહોંચાડે તેવાં કેટલાંક નીચે જણાવેલાં લક્ષણો પણ અસ્તિત્વ ધરાવે છે :

(1) કાર્યની યાંત્રિક ગતિ, (2) કાર્યની પુનરાવર્તિતતા, (3) ઓછામાં ઓછી બુદ્ધિની જરૂરિયાત, (4) સાધનો અને તકનીકી પૂર્વનિર્ધારણ, (5) જેના ઉપર ઉત્પાદન થાય છે તેવા યંત્રના અત્યંત સૂક્ષ્મ વિભાજનની પ્રક્રિયા, અને (6) ઉપરછલ્લું ધ્યાન.

ઉપર્યુક્ત ઘટકોની વિપરીત અસર રૂપે કામદાર પોતાના કાર્યમાંથી રસ ગુમાવે છે. તેને માટે કાર્ય અર્થહીન બને છે તેમજ અસંતોષ અને અસલામતીની ભાવના તેમજ ભય જેવાં પરિબળો તેને ઘેરી વળે છે. તેથી કામદાર તેના હૃદયમાં સંતોષની ફળદાયી ભૂમિકાની શોધ કરવાનો સતત પ્રયાસ કરે છે અને આવી પડેલી દુ:સ્થિતિમાંથી છટકવાના માર્ગરૂપે આગળ જતાં તે સ્વયં વ્યગ્રતા, વ્યસનો અને મનોવિકૃતિનાં વલણોનો ભોગ બને છે. જો એટલેથી તેને સારવાર ન મળે તો આ વ્યગ્રતા, વ્યસનો અને વિકૃતિઓ શારીરિક પીડાઓ પણ ઊભી કરે છે. તેની સાથે કામદારને કામને સ્થળે અનૌપચારિક જૂથો રચવાની જાણ્યે-અજાણ્યે ફરજ પડે છે. કાર્યપરિસ્થિતિની બહારના વાતાવરણમાં ટ્રેડ યુનિયન જેવાં પરિચિત જૂથોની રચના કરવાની તેમાંથી પ્રેરણા મળે છે. આવાં જૂથો દ્વારા કામદાર પોતાની મુશ્કેલીઓનું, મનોવ્યથાઓનું, યાંત્રિક અસંતોષનું અન્ય વ્યક્તિઓ, જૂથો તેમજ વ્યવસ્થાપકો પર પ્રક્ષેપણ કરીને સંતોષ મેળવવાનો પ્રયાસ કરે છે, જોકે ઘણીવાર આ આંતરક્રિયા અનુકૂલનવિરોધી સાબિત થાય છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઉદ્યોગ અને ધંધામાં આવી દુ:સ્થિતિનો ભોગ બનેલા માનવીઓનો પણ અભ્યાસ કરે છે.

ઉદ્યોગ અને ધંધાના વિકાસમાં માત્ર યંત્રોની સમૃદ્ધિ, કાચો માલસામાન કે પુરવઠો એકલાં મહત્વનાં નથી, યંત્ર સાથે કામ કરનાર માનવી તેનું તેથી યે વિશેષ મહત્વનું અંગ છે.

ઔદ્યોગિક મનોવિજ્ઞાન આ મનોવૈજ્ઞાનિક અને માનવીય તત્વ(human factor)નો સ્વીકાર કરે છે. આ માનવીય તત્વમાં ઉદ્યોગમાં શ્રમ કરતા તથા સેવા આપતા કામદારો અને કર્મચારીઓનાં આંતરવ્યવહારો, પ્રેરણા, અનુકૂલન, ભૌતિક પરિબળો, શારીરિક અને માનસિક પરિબળો વગેરેનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન કાર્ય કરવાની આદર્શ પરિસ્થિતિ કઈ છે તેનું સંશોધન કરીને તેનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે.

ઉત્પાદનવધારો એ વર્તમાન ઉદ્યોગોનું ધ્યેય છે અને એ કામદારોની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. આથી ઔદ્યોગિક કાર્યક્ષમતા એ કોઈ પણ ઔદ્યોગિક સંગઠનની સફળતાની ચાવી છે એટલું જ નહીં, પરંતુ તેને લીધે કામદાર વધુ કમાણી કરી શકે છે અને પોતાના શરીર અને મનને વિકસાવી શકે છે. કાર્યક્ષમતા અને નિયમિતતા ગાઢ રીતે સંકળાયેલાં છે. પરંતુ અગાઉ જણાવેલાં ઉદ્યોગોમાંનાં જોખમો કામદારોને વારંવાર ગેરહાજર રહેવાની નિષેધક પ્રેરણા પૂરી પાડે છે. વારંવાર ગેરહાજર રહેતા કામદારો, ઔદ્યોગિક સંબંધો અને કાર્યક્ષમતા ઉપર માઠી અસરો નિપજાવે છે.

આધુનિક ઔદ્યોગિક મનોવિજ્ઞાન પોતાનાં સ્વતંત્ર અભ્યાસ, સંશોધન અને જ્ઞાનના વિસ્તરણને લીધે ઉત્તરોત્તર શાખા-પ્રશાખાઓનો વિકાસ કરીને એક મોટું વટવૃક્ષ બની ગયું છે. તેના પુરાવા રૂપે નીચેની શાખાઓનો વિકાસ ગણાવી શકાય : (1) કાર્યકર મનોવિજ્ઞાન, (2) સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, (3) ઉપભોક્તાઓનું મનોવિજ્ઞાન, (4) ઇજનેરી મનોવિજ્ઞાન, (5) સંચાલનલક્ષી મનોવિજ્ઞાન તથા (6) નામાપદ્ધતિ અને અર્થવ્યવસ્થા વગેરે.

આ ક્ષેત્રોના ઉદ્યોગોમાંના કાર્યરત મનોવૈજ્ઞાનિકોએ માનવસંપત્તિઓનો સમાવેશ કરતી નામાપદ્ધતિનું વિસ્તૃતીકરણ તેમજ માનવશાખાનું સર્જન કરતી બાબતો સાથે કામ લેવાનું તાજેતરમાં શરૂ કર્યું છે. મીનરે દર્શાવ્યું છે તે મુજબ આજનો મનોવૈજ્ઞાનિક ધંધાકીય સંગઠનનાં કાર્યો અને તમામ મુખ્ય પ્રક્રિયાઓ સંબંધી સંશોધન હાથ ધરવા માટે તત્પર બનેલો છે.

અધિકારી વર્ગને સ્પર્શતું મનોવિજ્ઞાન ઔદ્યોગિક મનોવિજ્ઞાનની એક શાખા તરીકે ઔદ્યોગિક અને વ્યાવસાયિક એકમોમાં લોકોની પસંદગી, તાલીમ અને પર્યવેક્ષણમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવા સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત પ્રત્યાયન-સુધારણા, કર્મચારીઓને સલાહ-માર્ગદર્શન અને ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટેના પ્રયત્નો સાથે પણ આ પેટાક્ષેત્ર સંકળાયેલું છે.

સંચાલનલક્ષી (managerial) મનોવિજ્ઞાન મુખ્યત્વે ઉદ્યોગ-સંચાલનની સમસ્યાઓ સાથે નિસ્બત ધરાવતું પેટાક્ષેત્ર છે.

ઇજનેરી મનોવિજ્ઞાન મુખ્યત્વે યંત્ર ચલાવનારા કામદારની કાર્યપદ્ધતિ તેમજ યંત્રોની ડિઝાઇન અને માનવકર્તૃત્વનું માપન કરવા સંકળાયેલું છે.

ઉપભોક્તાનું મનોવિજ્ઞાન વ્યક્તિ અને સંસ્થા વચ્ચેની કેટલીક સંબંધાત્મક હકીકતો પર પ્રકાશ પાડે છે.

ઔદ્યોગિક મનોવિજ્ઞાન તેનાં અન્ય પેટાક્ષેત્રો – ખાસ કરીને કર્મચારી વર્ગલક્ષી મનોવિજ્ઞાન (personnel psychology) તેમજ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, પણ તેના ભાગરૂપે નથી. આ પેટાક્ષેત્રો ખાસ કરીને નેતૃત્વ, કર્મચારીઓને પ્રેરણા, કાર્યજૂથ, ગતિશીલન, પ્રત્યાયનની ભાતો અને સંગઠનલક્ષી ડિઝાઇન અને તેની અસરકારકતા સાથે સંબંધ ધરાવે છે.

મેક કૉલોમે અમેરિકાની અંદર ઉદ્યોગક્ષેત્રે કામ કરતા ઘણા મનોવૈજ્ઞાનિકોની મુલાકાત પછી ઔદ્યોગિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રને નીચેના મુદ્દાઓમાં રજૂ કર્યું છે – (1) કર્મચારીવર્ગની પસંદગી : કર્મચારીઓ, કાર્યકારી અધિકારીઓ વગેરેની જે તે કામ માટે પસંદગી કરવાનું, સંબંધિત સંશોધન દ્વારા કર્મચારી વર્ગની પસંદગીની રીતોમાં સુધારાવધારા કરવા વગેરે બાબતો તેની ક્ષેત્રીય મર્યાદાઓમાં આવે છે. (2) કર્મચારીઓનો વિકાસ : કર્મચારીઓ અને અધિકારીઓ વગેરેની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટેની પદ્ધતિઓ વિકસાવવી, કર્મચારીઓનાં વલણોના માપન માટેની પ્રવિધિઓ વિકસાવવી, સંચાલનની તેમજ અધિકારીઓની અસરકારકતા વધે તેવી પદ્ધતિઓ વિકસાવવી. કર્મચારીઓને ખાસ કરીને વ્યક્તિ અને વાતાવરણ સાથે અનુકૂલનમાં મદદરૂપ થાય તેવી સલાહ અને માર્ગદર્શનનું કાર્ય આ ક્ષેત્રમાં આવે છે. (3) માનવયંત્રવિદ્યા : માનવશક્તિનો જેમ બને તેમ ઓછો વ્યય થાય અને યંત્રપરિચાલનમાં મહત્તમ સરળતા સિદ્ધ થાય તેવા ર્દષ્ટિબિંદુ સાથે યંત્રની ડિઝાઇનમાં, સાધનોમાં અને પરિચાલનોમાં નવી શોધો કરવી તેમજ ફેરફારો પરત્વે સૂચનો કરવાં ઇત્યાદિ બાબતોનો આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. (4) ઉત્પાદકતા-અભ્યાસ : કામદારોના થાકનો ઘટાડો કેવી રીતે કરવો, વાતાવરણમાં પ્રકાશ, હવાની અવરજવર, કામ કરવાની ગોઠવણો તથા સુવિધાઓ જેવાં પરિબળોની સુધારણા અને કામદારોની કાર્યદક્ષતાની વૃદ્ધિ અંગેના ખ્યાલોનો અભ્યાસ આ ક્ષેત્રમાં કરવામાં આવે છે. (5) સંચાલન (વહીવટ) : સંચાલનમાં કૌશલ્ય-વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિઓ તેમજ સંચાલન સાથે સંકળાયેલી વિશિષ્ટ પ્રવૃત્તિઓનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. (6) અકસ્માત-પ્રવણતા (proneness) અને સલામતીનાં પગલાં : ઉદ્યોગમાં થતા અકસ્માતોનાં પ્રકારો, કારણો તેમજ કર્મચારી ઉપર થતી તેની અસરો, અકસ્માત નિવારવા માટેનાં પગલાં તેમજ કર્મચારીઓની સલામતી માટેની વ્યવસ્થા વગેરે બાબતોનાં સંશોધનનો આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. (7) માનવીય સંબંધો : કર્મચારીને એક માનવી તરીકે સ્વીકારીને તેની સાથે યોગ્ય સંબંધો સ્થાપવા જોઈએ. આ સંબંધો ઉદ્યોગ અને કર્મચારી બંનેની ર્દષ્ટિએ મહત્ત્વના છે. હોથોર્ન પ્રયોગના પરિણામ ઉપરથી આને માટે ત્રણ કાર્યક્રમો અપનાવવામાં આવે છે : (i) કર્મચારીની મુલાકાત, (ii) વ્યક્તિગત માર્ગદર્શન અને (3) અસરકારક નેતૃત્વ.

ઔદ્યોગિક મનોવિજ્ઞાનના પાયાના ખ્યાલો : આધુનિક ઔદ્યોગિક મનોવિજ્ઞાનના કેટલાક ખ્યાલોના વિકાસમાં જુદા જુદા દેશોમાં જુદી જુદી પાર્શ્વભૂમિકાઓએ ભાગ ભજવ્યો છે. જેમકે યુદ્ધથી વિનાશને વરેલા જર્મનીમાં આર્થિક બાબતોએ વધારે ભાગ ભજવ્યો છે. યુરોપમાં કામદારોની ઔદ્યોગિક ક્રાંતિ પછીની જાગૃતિએ ઔદ્યોગિક મનોવિજ્ઞાનની પ્રવૃત્તિઓને ચોક્કસ દિશામાં વળાંક આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એ જ રીતે વ્યક્તિગત ભિન્નતાઓ અને વર્તનલક્ષી સંશોધનનો ફાળો અમેરિકન ઔદ્યોગિક મનોવિજ્ઞાનના વિકાસમાં મહત્વનો રહ્યો છે. ભારતમાં તાલીમ પામેલા વહીવટી અધિકારીઓએ તેમજ ગાંધીજીના નેતૃત્વ હેઠળ થયેલી ચળવળોએ અને કામદાર-કલ્યાણ વિશેની પ્રવૃત્તિઓએ ભારતીય ઔદ્યોગિક મનોવિજ્ઞાનને ચોક્કસ દિશા ચીંધી છે.

આમ, ઔદ્યોગિક મનોવિજ્ઞાનના પ્રત્યક્ષ ઘડતરમાં આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક એમ ત્રણે પ્રકારનાં પરિબળોએ જુદા જુદા દેશોમાં જુદા જુદા ર્દષ્ટિકોણો અને વિવિધતાઓ બક્ષ્યાં છે.

ઔદ્યોગિક મનોવિજ્ઞાનના ઉપયોગો : ઉદ્યોગ કે વ્યવસાય માનવીની પ્રવૃત્તિનાં ખૂબ જ મહત્વનાં ક્ષેત્રો છે, જેમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં પ્રથમ મનોવૈજ્ઞાનિક સાધનો તરીકે બુદ્ધિ અને અભિયોગ્યતાની કસોટીઓનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. તે પ્રથમ તો અસરકારક કાર્ય માટે અધિકારી વર્ગમાં વ્યક્તિઓની પસંદગી અને નિમણૂક માટેનાં માપનસાધનો બન્યાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિકાસ મોટા પાયા ઉપર કરવામાં આવ્યો અને સૈનિકોની પસંદગી અને નિમણૂકમાં તેનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો હતો. લગભગ એ જ અરસામાં વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિનું મૂલ્યાંકન કરવા માટે જાહેર શાળાઓમાં પણ તેનો ઉપયોગ શરૂ થયો. 1920 પછી જે તે ધંધા કે વ્યવસાય માટે લોકોને અલગ તારવવામાં તેનો ઉપયોગ થવા લાગ્યો.

આજે કાર્યજગતમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાનની ઉપયોગિતા બુદ્ધિ અને અભિયોગ્યતા કસોટીથી ઘણી આગળ નીકળી ગઈ છે. મનોવૈજ્ઞાનિકો આજે વ્યાવસાયિક તાલીમ, અધિકારી વર્ગનું પર્યવેક્ષણ, પ્રત્યાયન-સુધારણા, કર્મચારીઓને સલાહ-માર્ગદર્શન, ઔદ્યોગિક ઝઘડા તથા સંઘર્ષ ઘટાડવાનાં કાર્યો ઇત્યાદિ સાથે સંકળાયેલા છે.

સામાન્ય રીતે ઉદ્યોગોમાં મનોવૈજ્ઞાનિકની ભરતી સલાહકાર કે સંશોધક તરીકે કરવામાં આવે છે. ત્યારબાદ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો વહીવટકર્તાઓ તેમજ મજૂરનેતાઓને તાલીમ આપીને આ કામગીરી તેમને સોંપી દેતા હોય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉદ્યોગમાં મનોવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ થયેલો. તેને માનવીય પરિબળો સાથે સંબંધ છે. તેમાંથી વિકસેલી પેટાશાખા ઇજનેરી મનોવિજ્ઞાન છે. આમ આધુનિક સમયમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન માનવીનાં કાર્યક્ષેત્રો જેમ વિકસતાં જાય છે તેમ બધાં જ ક્ષેત્રોમાં ઉપયોગી નીવડતું જાય છે. નવાં નવાં કાર્યક્ષેત્રો જેમ વિકસતાં જશે તેમ તેમ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિસ્તાર પણ વધતો જશે અને તેની સાથે તેની ઉપયોગિતા પણ વધતી જશે.

આજે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં ‘વ્યક્તિકેન્દ્રી ર્દષ્ટિબિંદુ’ની સાથે સમાજલક્ષી મનોવૈજ્ઞાનિક ષ્ટિબિંદુનો આધાર પણ સ્વીકારાયો છે. આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક એ ત્રણ પાસાંને જોડીને આધુનિક ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઔદ્યોગિક એકમના ત્રિકોણને સધ્ધર બનાવવામાં મદદ કરે છે. આ અભિગમ પરિવર્તન પામતી સામાજિક નીતિ અને ઉચ્ચ કાર્યક્ષમતાની સાથે કર્મચારીઓના કલ્યાણ અને વૈયક્તિક અનુકૂલન વિશેની આકાંક્ષા, જે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં મૂળભૂત રીતે ગર્ભિત છે, તેનો પડઘો પાડે છે.

ભાનુભાઈ પરીખ

અરુણા ભોજક

વાસુદેવ નાયક