ઓડિસ્સી : ઓરિસાની અતિપ્રાચીન અને પ્રચલિત નૃત્યશૈલી. બૌદ્ધ યુગના ઈ. પૂ.ની બીજી શતાબ્દીના ભરહુત અને સાંચીના સ્તૂપોનાં તોરણો પર તંતુવાદ્ય તથા મૃદંગ વગાડતી અને ગીત ગાતી ગાયિકાઓના તાલે નર્તન (નૃત્ય તથા નૃત્ત) કરતી નર્તિકાઓનાં ભાસ્કર્ય (bas-relief) જોવા મળે છે. આ દર્શાવે છે કે ભારતના ઉત્તર અને પૂર્વ વિભાગોમાં કોઈક નર્તનશૈલી પ્રચલિત હતી. ભારતના પૂર્વ ભાગમાં આવેલા ઓરિસામાં પણ એક નર્તનશૈલી જાણીતી હતી. ભુવનેશ્વરથી 810 કિમી. દૂર આવેલી ઉદયગિરિ-ખંડગિરિ નામની પર્વતદ્વયીમાં કોતરી કાઢેલી કેટલીક ગુફાઓમાં આવાં નૃત્ય-શિલ્પો જોવા મળે છે. આ ‘ગુફા’ઓમાંની ‘રાની ગુફા’ નામે જાણીતી ગુફામાં ભાસ્કર્યની કેટલીક સુંદર કલાકૃતિઓ સચવાઈ રહી છે. આ ગુફાઓ જૈન શ્રમણો માટે કોરી કાઢવામાં આવી હતી. શ્રમણોની ઓરડીઓને સાંકળતાં પ્રવેશદ્વાર ઉપરનાં ભાસ્કર્યોમાં કોઈ રાજાના દરબારમાં નર્તન કરતી નર્તિકાઓ જોવા મળે છે. આ ગુફાઓ કલિંગ દેશના ચેદિ વંશના મહામેઘવાહન નામે જાણીતા કુટુંબના મહાન સમ્રાટ ખારવેલના સમયમાં કોરાઈ હતી. આમ ઈ.પૂ.ની બીજી શતાબ્દીમાં નર્તનની એક બીજી શૈલી પણ પૂર્વના કલિંગ પ્રદેશમાં પ્રચલિત હતી. સમ્રાટ ખારવેલના સમયના હાથીગુફામાં સચવાઈ રહેલા બ્રાહ્મી લિપિના શિલાલેખમાં જણાવાયું છે કે રાજાએ તેના ત્રીજા વર્ષમાં તાંડવ અને અભિનયનો એક ઉત્સવ કર્યો હતો. રાજા પોતે નર્તક અને ગાયક હતા.

ઓડિસ્સી નૃત્ય

ઈ.પૂ. બીજી શતાબ્દીથી ઈ.ની સાતમી શતાબ્દીનો ઓરિસાનો ઇતિહાસ અંધકારમય છે. ઈ.ની નવમી સદીમાં ઓરિસામાં કેસરી વંશના ઉદ્યોત નામક રાજાની માતા (કોલવતી ?) શિવમંદિર બંધાવે છે અને તેમાં દેવદાસીઓને નર્તન કરવા ભગવાનને ચરણે સમર્પણ કરે છે. આ દેવદાસીઓને ‘માહારી’ કહેતા. આ માહારી નર્તિકાઓ ભગવાન જગન્નાથના મંદિરમાં દિવસમાં બે વાર નર્તન કરતી. જગન્નાથનું મંદિર ગંગ વંશના મહાન રાજા ચોડગંગદેવના સમયમાં શરૂ થયું. ચોડગંગદેવ ઘણા વિદ્વાન અને કલાવિશારદ હતા. તેમણે પણ માહારીઓને ભગવાનની સેવાર્થે અર્પણ કરેલી. ચોડગંગદેવ પછી 47 વર્ષે અનંગભીમદેવ રાજા બન્યા. તેમણે જગન્નાથના મંદિરમાં ‘નાટ-મંડપ’ માહારીઓના નૃત્ય માટે બંધાવ્યો (1194). મહાકવિ જયદેવ પણ તેમના સમયમાં જ થઈ ગયા. ‘ગીતગોવિંદ’ને મંદિરમાં ગાવાની પ્રથા લગભગ આ સમયે શરૂ થઈ.

સૂર્યવંશના કપિલેન્દ્રદેવે જગન્નાથ મંદિરમાં દિવસમાં બે વાર માહારીઓને નૃત્ય કરવાનો નિયમ કર્યો – પ્રથમ જ્યારે ભગવાનને ‘ભોગ’ ધરાવે ત્યારે, સવારના; અને બીજી વાર ભગવાનનો શૃંગાર રચાય ત્યારે ‘બડા સિંગાર’ વખતે.

કપિલેન્દ્રના પુત્ર પુરુષોત્તમદેવે દક્ષિણના કાંચિપુરમના રાજાને હરાવી તેની દીકરી રુપામ્બિકા સાથે લગ્ન કર્યાં. આ રુપામ્બિકા પદ્માવતી નામ રાખીને સ્વેચ્છાથી પોતાની જાતને ભગવાન જગન્નાથને અર્પણ કરી માહારી બન્યાં. આ ઉપરથી લાગે છે કે તે સમયમાં દેવદાસીઓને હલકી ગણવામાં આવતી ન હતી.

પુરુષોત્તમદેવના મરણ (1497) પછી તેના પુત્ર પ્રતાપરુદ્રદેવે ફરમાન કાઢ્યું કે જગન્નાથના મંદિરમાં ‘ગીતગોવિંદ’ સિવાય બીજાં કોઈ ગીતો ગવાય નહિ અને આજે પણ આ પ્રથા ચાલુ રહી છે.

પ્રતાપરુદ્રદેવના સમયમાં તેમણે નીમેલા એક રામાનન્દ પટ્ટનાયક નામના સુબાએ ચૈતન્યદેવની ભક્તિના પ્રભાવથી સત્તાનો ત્યાગ કરી ભક્તિમાર્ગ ગ્રહણ કર્યો અને પોતાનું નામ રામાનંદરાય રાખ્યું. તે કવિ અને સંગીતકાર હતા. એમણે રચેલા ‘જગન્નાથવલ્લભ’ નામે સંગીતમાં એમણે માહારીઓને સ્થાન આપ્યું. સ્ત્રીઓ આમ પ્રથમવાર નાટકમાં ભાગ લેતી થઈ. તે પહેલાં છોકરા કે પુરુષો જ સ્ત્રીપાત્ર ભજવતા. આ રામાનન્દના સમયમાં એક નવી પ્રથા શરૂ થઈ. છોકરા માહારીઓનો વેશ ધારણ કરી મંદિરમાં તેમજ બહાર નૃત્ય કરવા લાગ્યા. આ છોકરા ‘ગોટિપુઆ’ તરીકે ઓળખાવા લાગ્યા. આમ માહારીઓના નૃત્યની પરંપરામાંથી આજની રંગભૂમિ પર થતા નૃત્યનો જન્મ થયો.

માહારી નર્તિકાઓ બે પ્રકારની હોય છે : ગાઉની (ગાયિકા) અને નાચુની (નર્તિકા). માહારી પ્રથા આ સદીના ત્રીજા દાયકામાં નાબૂદ થઈ ને તે મંદિરમાં નર્તન કરતી બંધ થઈ છતાં મંદિરમાં ગીતો તો હજીય ગવાય છે. અગિયારમી સદીના મહાન કવિ જયદેવ(1077થી 1147)ના ‘ગીતગોવિંદ’માંથી ગીતો ગાવાની પ્રથા હજી અક્ષુણ્ણ રહી છે. ભગવાન જગન્નાથના મંદિરમાં થતા છત્રીસ પ્રકારના ‘નિયોગ’ દૈનિક પૂજાવિધિ પ્રસંગે માહારીઓનું રોજનું નૃત્ય પણ એક અગત્યનું અંગ હતું. આ માહારીઓના નર્તનમાંથી ઓરિસ્સી નૃત્યનો જન્મ થયો છે. દેવદાસીઓનું મંદિરમાંનું નૃત્ય બંધ થયું અને તે નૃત્યે રંગભૂમિનો આશરો લીધો પછી તે ‘ઓરિસ્સી’ કે ઓડિસ્સી નૃત્ય તરીકે જાણીતું થયું. પંદરમી સદીથી અઢારમી સદી સુધીની કેટલીક તાડપત્રિકાઓમાં આ નૃત્ય વિશે માહિતી મળે છે. તેમાંય મહેશ્વર મહાપાત્રકૃત ‘અભિનયચંદ્રિકા’માં ઘણી સૂક્ષ્મ અને વિગતવાર માહિતી સચવાઈ રહી છે. ઓરિસ્સી નર્તનમાં ‘ત્રિભંગ’  એ એની વિશિષ્ટતા છે. શિર, ધડ (torso) તથા કટિનો ભાગ. આમ આ ત્રણેય અંગોના ભિન્ન દિશાના વળાંકમાંથી ત્રિભંગ બને છે. ખાસ કરીને બીજી નર્તનશૈલીઓમાં વર્જ્ય ગણાતી કટિના વળાંકનો વિશેષ ઉપયોગ જોવામાં આવે છે. આ ત્રિભંગમાં કટિના વળાંકથી વિપરીત દિશામાં ધડ હોય છે અને શિર પાછું કટિની દિશામાં રહે છે. નર્તનમાં ચારી (આકાશિકી અને ભૌમિકી), હસ્તમુદ્રાઓ, મુખાભિનય, ભ્રમરી, ઉત્પ્લવન વગેરેનો ઉપયોગ થતો હોય છે. એમાં ભરતના નાટ્યશાસ્ત્રની છાયા દેખાય છે. નર્તિકા નૃત્ત, અભિનય અને તાંડવ તથા લાસ્યને પ્રયોગમાં વણી લે છે.

ઓડિસ્સી નૃત્યની શરૂઆત ભૂમિપ્રણામથી કરવામાં આવે છે. પ્રથમ રજૂઆતને મંગલાચરણ કહેવામાં આવે છે. આમાં નૃત્યાંગના પ્રથમ ભગવાન જગન્નાથજીને, પછી ભૂમિને, પછી ગુરુને અને અંતમાં સમગ્ર પ્રેક્ષકગણને પ્રણામ કરીને પોતાના નૃત્યનો આરંભ કરે છે. નૃત્યમાં પ્રથમ ગણપતિ ભગવાનને લગતો શ્લોક, ‘બિગ્નરાજ ત્વમ્, કલ્પવૃક્ષમ્ તલસ્સ્તીતમ્….’થી શરૂ કરીને પખવાજના બોલ ઉપર ખતમ કરે છે.

બીજી રચનાને ‘બટ્ટુ નૃત્ય’ કહેવામાં આવે છે. આ રચના અત્યંત ઝડપી અને ખાલી બોલ ઉપર આધારિત હોય છે. આમાં પખવાજનું વધારે મહત્ત્વ છે. આ નૃત્ય ધીમી ગતિથી શરૂ થઈને અત્યંત તીવ્ર ગતિ ઉપર અટકે છે. આ નૃત્યમાં વીણા, પખવાજ, મુરલી અને મંજીરાને લગતી અલગ અલગ મુદ્રાઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

‘તા જમ, તા જમ, તારી જમ…’ જેવા મધુર બોલ અને ઓરિસાના પહાડી અવાજનો જ્યારે સમન્વય થાય છે ત્યારે અત્યંત આકર્ષક અને નાજુક ‘પલ્લવીઓ’નો જન્મ થાય છે.

‘સ્વરપલ્લવી નૃત્ય’ ઓડિસ્સી નૃત્યની ત્રીજી રચનાનું નામ છે. સ્વરપલ્લવીઓ ઘણી બધી જાતની હોય છે. આમાં મુખ્યત્વે શૃંગારને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

‘અભિનય’ નામની ચોથી રજૂઆત જયદેવની કોઈ પણ અષ્ટપદી અથવા રાધાકૃષ્ણને લગતા કોઈ પણ ઊડિયા ગીત ઉપર આધારિત હોય છે. વિષ્ણુના દસ અવતાર અથવા રાધાકૃષ્ણના કોઈ પણ પ્રસંગ અભિનય માટેનું મુખ્ય નિમિત્ત હોય છે.

પાંચમી અને અંતિમ કૃતિને ‘મોક્ષ’ નામથી ઓળખવામાં આવે છે. જિંદગીમાં તેમ આ નૃત્યમાં પણ ‘મોક્ષ’ની રચના દ્વારા અંત આવે છે. ભરતનાટ્યમમાં જેમ તિલ્લાના તેમ ઓડિસ્સીમાં મોક્ષ હોય છે. ખાલી બોલ ઉપર આધારિત આ નૃત્ય અત્યંત ત્વરિત હોય છે, મોક્ષનો અંત પણ એક શ્લોક દ્વારા જ કરવાનો હોય છે. એમાં નૃત્યાંગના ‘સર્વે ભવન્તુ સુખિન:….’ જેવા શ્લોકથી સૌના સુખની યાચના કરે છે.

આ નૃત્યપ્રકારમાં જયદેવની અદભુત કાવ્યરચનાઓ ઉપરાંત ગજાપતિ રાજા કપિલેન્દ્ર, ઉપેન્દ્રભાજનાં ગીતો, કવિ સૂર્ય બલદેવ રથનાં ભક્તિગીતો અને ગોપાલકૃષ્ણ પટનાયક તથા બનમણિ દાસની રચનાઓનો પણ સમાવેશ થાય છે.

ગોવર્ધન પંચાલ

શ્વેતા સંજીવ ભટ્ટ