ઓજારો (tools)

સામાન્ય રીતે વસ્તુનાં ઉત્પાદન, મરામત કે ફેરફાર માટે વપરાતાં સાધનો. વસ્તુને કાપીને, ખેંચીને, ટીપીને, ઘસીને અથવા સરાણ પર સજીને તેમાં ફેરફાર થઈ શકે છે. વસ્તુનાં ઉત્પાદન અને મરામતની ક્રિયાઓમાં સામાન્ય રીતે ઓજારોની અનિવાર્યપણે જરૂર પડે છે. જમીન ખેડતો ખેડૂત, ચણતરકામ કરતો કડિયો, સુથારી કામ કરતો સુથાર કે ઑપરેશન કરતો ડૉક્ટર, કોઈ ને કોઈ હથિયાર કે ઓજાર વાપરે જ છે. યાંત્રિક ઇજનેરીના સંદર્ભમાં ઓજાર વિશે વિચારીએ તો વસ્તુના ઉત્પાદનમાં યંત્ર સાથે વપરાતાં ઓજાર અને વસ્તુઓ, યંત્રો તથા સાધનોની મરામત માટે હાથથી વપરાતાં ઓજારો(hand tools)નો જ વિચાર કરવાનો થાય.

પ્રાચીન ઓજારો : (i) પાષાણ યુગમાં ઓજારો અને હથિયારો અને અન્ય વસ્તુઓ પથ્થર, લાકડું, હાડકાં અને હાથીદાંતમાંથી (ii) ધાતુયુગમાં તાંબું, પિત્તળ, કાંસુ વગેરે ધાતુઓમાંથી અને (iii) લોખંડ અથવા પોલાદ યુગમાં લોખંડમાંથી બનાવવાની શરૂઆત હતી.

પાષાણ યુગને ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે. ઘણો પ્રાચીન સમય (eolithic age), જૂનો પાષાણયુગ (paleolithic age), સંક્રામી યુગ (mesolithic age) અને નૂતન પાષાણયુગ (neolithic age). એમ મનાય છે કે પૅલિયોલિથિક યુગમાં પથ્થરનાં ઓજારો (chipping) જ તૈયાર કરાતાં. મેસોલિથિક યુગમાં પૉલિશ કરીને ઓજારો તૈયાર કરવાનું શરૂ થયું હતું. પાષાણ યુગમાં પથ્થરમાંથી ઓજારો અને હથિયારો બનાવવામાં આવતાં તેમને ફ્લિન્ટ કહે છે. ફ્લિન્ટ પાણી અને સિલિકા તત્વોનું મિશ્રિત સ્વરૂપ છે. તેના શુદ્ધ સ્વરૂપમાં તે અર્ધપારદર્શક હોય છે અને અશુદ્ધિ રહેલી હોય તો તે કાળા અથવા ભૂખરા રંગમાં અપારદર્શક હોય છે. આકૃતિ 1માં જૂના પાષાણ યુગનાં પતરી  (flint) આકારનાં ઓજારો દર્શાવ્યાં છે. છરી, તીકમ, છોલવા માટે સ્ક્રૅપર, તીરની અણીઓ વગેરે પ્રકારનાં પતરી આકારનાં હથિયારો પાષાણ યુગમાં વપરાતાં હતાં.

આકૃતિ 1 : પતરી આકારનાં પાષાણ-ઓજારો

ઓજારોનું વર્ગીકરણ : ઓજારો અનેક પ્રકારનાં હોય છે. જેમ જેમ ઉત્પાદનની ક્રિયાઓ તેમજ યંત્રોના વૈવિધ્યમાં વધારો થતો ગયો તેમ તેમ ઓજારોમાં પણ વધારો થતો ગયો છે.

આકૃતિ 2.1 : બે છેડાવાળાં ચાલુ પાનાં

આકૃતિ 2.2 : A  બાઇસિકલ-પાનું, B – ખૂણિયું રિંગ-પાનું,
C – બારખૂણિયું રિંગ-પાનું.

કામ કરતી વખતે હાથથી વપરાતાં ઓજારો હાથ-ઓજાર (hand tools) છે, અને ઓજારોને મશીન પર લગાવી કામ લેવામાં આવે તે યાંત્રિક ઓજારો (machine tools) કહેવાય છે; દા. ત., સ્ક્રૂ-ડ્રાઇવર, પાનાં, પકડ વગેરે હાથ-ઓજાર છે, જ્યારે ડ્રિલિંગ મશીનમાં લગાવાતું ડ્રિલ-પાનું અને મિલિંગ મશીન પર વપરાતું કટર એ મશીન-ઓજાર છે. ઓજાર વડે કરવામાં આવતા કામના પ્રકારો મુજબ તેનું વર્ગીકરણ કરીએ તો સુથારી કામ, લુહારી કામ, કડિયાકામ, દરજીકામ, મોચીકામ, ખેતીકામ તથા યંત્રકામ(machining)નાં ઓજારો, સર્જરી-ઓજારો, માળીકામનાં ઓજારો, ખોદકામ કે માટીકામનાં ઓજારો એમ અનેક પ્રકારનાં ઓજારો ગણાવી શકાય. કયા પદાર્થમાંથી ઓજારો બનાવ્યાં છે તે ધ્યાનમાં લઈને પણ વર્ગીકરણ કરી શકાય. ઓજારોનો વિકાસ ઓજારોમાં વપરાતા પદાર્થમાં થયેલા વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. અર્વાચીન યુગમાં ખાસ કરીને હાઇસ્પીડ સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલમાંથી ઓજારો બને છે. પથ્થર, લાકડું, લોઢું, પોલાદ (સ્ટીલ), મિશ્ર પોલાદ, હાઇસ્પીડ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ વગેરે ઓજારોના પદાર્થમાં થયેલો ઉત્તરોત્તર વિકાસ દર્શાવે છે.

હાથઓજારો : દાતરડું, કોદાળી, તીકમ, હથોડી, પાનાં, સ્ક્રૂ-ડ્રાઇવર, કાનસ, પકડ – એમ અનેક હાથ-ઓજારો છે. આ બધાં ઓજાર વડે કારીગર પોતે કામ કરે છે માટે તેને હાથ-ઓજાર કહે છે. ઇજનેરી ક્ષેત્રની મર્યાદામાં રહીને વિચારીએ તો નીચે પ્રમાણેનાં હાથ-ઓજારો મુખ્ય છે :

આકૃતિ 2.3 : બે છેડાવાળું રિંગ-પાનું

આકૃતિ 2.4 : સ્ક્રૂ પાનું

પાનાં, પકડ અને સ્ક્રૂડ્રાઇવર : રિપેરિંગ કામમાં આ ઓજારોની વપરાશ પ્રચલિત છે. આમાં જુદી જુદી જાતો તેમજ માપ (size) હોય છે. આ ઓજારો સામાન્ય રીતે કાર્બન-સ્ટીલમાંથી બનાવાય છે. સ્ક્રૂના મથાળાના ભાગે ખાંચ હોય છે. આ ખાંચમાં સ્ક્રૂ-ડ્રાઇવરના છેડાની ધાર ભરાવીને ફેરવવાથી સ્ક્રૂમાં આંટા હોવાથી સ્ક્રૂ અંદર અથવા બહાર આવે છે. સ્ક્રૂ સામાન્ય રીતે 1 મિમી.થી 3 મિમી. વ્યાસના વ્યાપમાં હોય છે. તેનું માથું (head) ઊંધા શંકુ આકારનું હોય છે. સુથારી કામમાં સ્ક્રૂનો ઉપયોગ વિશેષ હોય છે. બોલ્ટ અથવા સ્ટડ પર ચાકી લગાવવા પાનાનો અથવા પકડનો ઉપયોગ થાય છે. સ્ક્રૂની સરખામણીમાં બોલ્ટ પ્રમાણમાં મોટી સાઇઝનો હોય છે. ચાકી ષટ્કોણ આકારની હોય છે. ચાકીની સામસામી આવેલી સમાંતર બાજુ પર પાનું લગાવી ફેરવવાથી ચાકી બોલ્ટ પર ફિટ થાય છે. પકડમાં બે જડબાં વચ્ચેનું અંતર અમુક મર્યાદા સુધીમાં ગમે તેટલું રાખી શકાતું હોઈ પકડ જુદી જુદી સાઇઝના નટ કે બોલ્ટ બેસાડવામાં વાપરી શકાય છે.

આકૃતિ 3 : સ્ક્રૂ-ડ્રાઇવરો : A – કૅબિનેટ સ્ક્રૂ-ડ્રાઇવર, B – ઇલેક્ટ્રિશિયન
સ્ક્રૂ-ડ્રાઇવર, C, D, E, F, G, H સ્ક્રૂ-ડ્રાઇવરોના જુદા જુદા પ્રકારનાં છેડાં
અને સ્ક્રૂનાં માથાં.

આકૃતિ 4.1 : એન્જિનિયરનું ચાલુ પકડ

આકૃતિ 4.2 : ઇલેક્ટ્રિશિયનનું પકડ

આકૃતિ 4.3 : ડાયૅગનલ કટિંગ પકડ

કાનસ : કોઈ પદાર્થને ઘસીને સાફ કરવો હોય, સપાટી ચોખ્ખી કરવી હોય અથવા તો બંધબેસતું (fitting) માપ મેળવવું હોય તો કાનસ વપરાય છે. કાનસ પર આવેલા દાંતા વડે વસ્તુની સપાટી પર ઘર્ષણ કરવામાં આવે છે. કાનસ અનેક પ્રકારની હોય છે. તેના આડછેદ, લંબચોરસ, ચોરસ, ગોળ, અર્ધગોળ, ત્રિકોણ, ઢાળવાળા, ચપટા, ચોકટ વગેરે આકારના હોય છે. કાનસ પર દાંતા આપવામાં આવેલા હોય છે. તે ત્રણ પ્રકારના હોય છે : એકકાપ, દ્વિકાપ અને અથવા ઊપસેલા દાંતા (rasp). (જુઓ આકૃતિ 5, 6, 7.) કાપા છીછરા અને નજદીક હોય તો દાંતા ઝીણા બને અને કાપા ઊંડા અને એકબીજાથી દૂર હોય તો દાંતા જાડા બને અથવા મોટા બને. દાંતાના કદને ધ્યાનમાં લઈને કાનસને રફ, મીડલ કટ, બાસ્ટર્ડ કટ, સેકન્ડ કટ, સ્મૂધ, ડબલ ડેડ સ્મૂધ એમ જુદા જુદા પ્રકારવાર નામ આપવામાં આવે છે. કાનસ સામાન્ય રીતે કાર્બન-સ્ટીલમાંથી બનાવવામાં આવે છે.

આકૃતિ 5 : કાનસોના આડછેદ : A – વાડિંગ, B – જીલ, C – ચોરસ,
D – રીપર, E – છરી, F – ત્રિકોણ, G – ચોકટ, H – ગોળ, I-J
અર્ધગોળ, K – કૅબિનેટ.

આકૃતિ 6 : કાનસોના આકાર : A – સમાંતર, B – ટેપર, C – નાઇફ રીપર, D – ટેપર ચોરસ, E – સમાંતર ત્રિકોણાકાર, F – ટેપર ત્રિકોણાકાર, G – સમાંતર ગોળાકાર, H – ટેપર ગોળાકાર, J – સમાંતર અર્ધગોળાકાર, K – ટેપર ગોળાકાર,

આકૃતિ 7 : કાનસના દાંતા : A – ફ્લોટ કટ, B – ડબલ કટ,
C – રાસ્પ કટ.

આકૃતિ 8 : છીણીઓ : A – પેરિંગ, B – સોકેર હેવી ડ્યૂટી, C – ચાલુ રીપિંગ, D – પાતળી ક્રૉસ કટ, E – કાઉમાઉથ, F-G – આડા હાથાવાળી.

છીણી : વસ્તુ પર હથિયાર મૂકી, હથિયાર પર ફટકો મારી વસ્તુને કાપવામાં આવે ત્યારે તે હથિયારને છીણી/ફરસી કહે છે. ફરસી કે છીણીનો ઉપયોગ અનુક્રમે લાકડાને અને લોખંડને કાપવામાં થાય છે. આકૃતિ 8માં જુદી જુદી છીણીઓ દર્શાવી છે. લાકડાકામ માટેની છીણી પ્રમાણમાં લાંબી અને પાતળી હોય છે અને તેને લાકડાનો હાથો હોય છે; તેને ફરસી કહે છે. જ્યારે લોખંડ કાપે તે ટૂંકી અને જાડી હોય છે તેને છીણી કહે છે.

કરવત : લાકડું, પથ્થર કે ધાતુને વહેરવા કરવત વપરાય છે. તેના અનેક પ્રકારો હોય છે. લાકડું વહેરવાની હાથકરવત, લોખંડ વહેરવાની હેક્સો (hacksaw), ઘપજ મશીન પર વપરાતી ગોળ ચકતીરૂપ કરવત (circular saw) તેમજ હેક્સો મશીન પર વપરાતી પટ્ટી કરવત (band-saw) ઝડપી કામ માટે વપરાય છે. લોખંડ વહેરવા માટેની કરવતમાં દાંતાનાં કદ અને ખાંચા (pitch) લાકડું વહેરવા માટેની કરવત કરતાં નાનાં હોય છે. વહેરતી વખતે કરવત કાપામાં ફસાઈ જાય નહીં તે માટે દાંતાની ધાર (grinding) એક દિશામાં અને ક્રમશ: પછી આવતા દાંતાની ધાર વિરુદ્ધ દિશામાં હોય છે. આને ત્રાંસા (cross-cutting) દાંતા કહે છે. આકૃતિ 9માં જુદા જુદા પ્રકારના દાંતા દર્શાવ્યા છે :

આકૃતિ 9 : કરવતોના દાંતા : A – બેન્ડ ઍન્ડ રીપિંગ, B – કઠણ લાકડા વહેરવા માટેની ગોળ ચકતીના દાંતા, C – નરમ લાકડા માટેની ચકતીના દાંતા, D – ક્રોસ કટ, E – ક્રોસ કટ માટે,

હથોડા : ફટકો મારી વસ્તુને ટીપવા, તોડવા કે જોડવા જેવાં કામ હથોડાથી થાય છે. સુથારી, લુહારી, સોની એમ વિવિધ પ્રકારનાં કામો માટે આ ઓજાર વપરાય છે. નાના કદના હથોડાને હથોડી કહે છે. નાના અને ઝીણા કામ માટે હથોડી વપરાય છે. સુથારી અને લુહારી કામ માટે હથોડા વપરાય છે. સુથારી કામ માટે વપરાતા લાકડાના હથોડાને મોગરી કહે છે અને લુહારી કામ માટે વપરાતા મોટા હથોડાને ઘણ કહે છે. મોટા દાગીના માટે યાંત્રિક હથોડા (power hammers) વપરાય છે.

માપણીસાધનો : માપણી માટેનાં સાધનો વસ્તુની બનાવટ કે તેની મરામતમાં સીધા ઉપયોગમાં આવતાં નથી; પરંતુ કારીગરે પોતે તૈયાર કરેલો કે તૈયાર થઈ રહેલો દાગીનો જોઈતા માપનો છે કે નહિ તે અંગે ચોકસાઈ કરવા માટે માપણી સાધનો વાપરવાં જરૂરી બને છે. વસ્તુનો આકાર, કદ તેમજ તેની સપાટી-સંપૂર્તિ (surface finish) રેખીય કે કોણીય માપણી વડે જાણી શકાય છે. રેખીય માપણી માટે ત્રણ પ્રમાણ વપરાય છે : (1) ઇમ્પિરિયલ અથવા બ્રિટિશ માપ (યાર્ડ, ફૂટ, ઇંચ અને ઇંચના ભાગ), (2) મેટ્રિક અથવા આંતરરાષ્ટ્રીય પ્રમાણ (મીટર, સેન્ટીમિટર, મિલીમિટર), (3) પ્રકાશ-માપ (પ્રકાશના તરંગની લંબાઈના પ્રમાણ તરીકે લેવાય છે).

આકૃતિ 10 : હથોડા : A – એક્ઝિટર, B – જૉઇનર, C – કેન્ટરબરીક્લૉ;
D-E-F – એન્જિનિયર્સ પેઇન હેમર્સ, G-H – સ્લેજર્સ,
I-J-K-L -બૉઇલર મેકર્સ, M – સીલિંગ

માપણી-સાધનો ઘણા પ્રકારનાં હોય છે. તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે થઈ શકે : (1) ચોકસાઈ (precision) પર આધારિત 0.01 મિમી. કે તેથી વધારે ચોકસાઈથી માપી શકે તેવાં સાધનોને ચોકસાઈ-સાધનો કહે છે. -0.01 મિમી.થી ઓછી ચોકસાઈથી માપી શકે તેને બિનચોકસાઈ-(ઓછી ચોકસાઈવાળાં)સાધનો કહે છે; જેમ કે, માઇક્રોમિટર તથા વર્નિયર કૅલિપર એ ચોકસાઈ-સાધનોનાં ઉદાહરણ છે. જ્યારે સ્કેલપટ્ટી એ બિનચોકસાઈ-માપણીના સાધનનું ઉદાહરણ છે.

(2) પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ માપણી : સ્કેલપટ્ટી જેવાં માપણી-ઓજારો વસ્તુના પરિમાણનું સીધું માપ પ્રત્યક્ષ કરે છે. અપ્રત્યક્ષ માપણીમાં માપ મળતું નથી, પરંતુ બીજા માપ સાથે સરખાવીને કઢાય છે; દા.ત., નળાકારનો વ્યાસ માપવો હોય તો કૅલિપર્સ વડે વ્યાસ જેટલી લંબાઈ લઈને તે લંબાઈ સ્કેલપટ્ટીથી મેળવીએ છીએ. આ માપણી અપ્રત્યક્ષ થઈ.

(3) રેખીય, કોણીય અને સપાટીસમાપન માપવાનાં સાધનો : અમુક સાધનો લંબાઈ અને કોણ બંને માપે છે જ્યારે અમુકમાં લંબાઈ મપાતી હોય છે અને તેમાંથી કોણની ગણતરી કરાય છે. સપાટી-સંપૂર્તિપણું માપવા માટેનાં સાધનો ખરેખર રેખીય માપણી-સાધનો છે. આ ત્રણેય પ્રકારનાં સાધનો નીચે પ્રમાણે છે :

આકૃતિ 11 : કૅલિપર્સ : A – બહિર કૅલિપર (સાદું), B – બહિર કૅલિપર
(સ્પ્રિંગવાળું), C – આંતરિક કૅલિપર (સાદું), D – આંતરિક કૅલિપર (સ્પ્રિંગવાળું).

(i) રેખીય માપણી સાધનો : સ્કેલપટ્ટી, કૅલિપર્સ, માઇક્રોમિટર, વર્નિયર-કૅલિપર, ઊંડાઈગેજ, સ્લિપગેજ વગેરે.

(ii) કોણીય માપણી સાધનો : પ્રૉટેક્ટર, સાઇનબાર, કૉમ્બિનેશન-સેટ, કોણીય સ્લિપગેજ વગેરે.

(iii) સપાટી માપવાનાં સાધનો : લેવલ, કૉમ્બિનેશન-સેટ, સપાટી-ગેજ, ઑપ્ટિકલ ફ્લેટ, પ્રોફાઇલોમિટર વગેરે.

આકૃતિ 12 : વર્નિયર કૅલિપર : A – બીમ, B – વર્નિયર, C – સ્થિર
જડબું, D – ચલિત જડબું, E – કલૅમ્પિંગ હેડ, F – એડ્જસ્ટિંગ સ્ક્રૂ
સાથેનો એબટમેંટ હેડ.

ગેજ : આ માપણીનાં સાધનોમાં કોઈ માપક્રમ આપેલો હોતો નથી. ગેજ એ ચોક્કસ અને એક જ માપણીનું સાધન છે. વર્નિયર કૅલિપર કે માઇક્રોમિટર એ અમુક વ્યાપમાં પરિમાણ માપવા વાપરી શકાય. દા.ત., 25 મિમી. કદનો માઇક્રોમિટર વધારેમાં વધારે 25 મિમી. મર્યાદામાં આવતી કોઈ પણ લંબાઈ માપી શકશે. દાગીનાનો વ્યાસ 20.35 કે 23.05 મિમી. એમ કોઈ પણ માપનો હોય તો માપી શકશે. પરંતુ જો 25.05નો ગેજ હોય તો તે 25.05 મિમી.નું માપ જ આપી શકશે. ઉત્પાદનમાં જ્યાં ચોકસાઈની જરૂર હોય તેવા દાગીનામાં માપ નિશ્ચિત કરાયેલ હોય છે.

આકૃતિ 13 : ઊંડાઈ માઇક્રોમિટર

આકૃતિ 14 : સમાયોજ્ય બેવલ પ્રૉટેક્ટર

મોટી સંખ્યામાં બનાવાતા દાગીનાના મહત્વના માપની નિશ્ચિત મર્યાદામાં ફેરફાર ચલાવી લેવો પડે છે, નહિતર ઉત્પાદન-ખર્ચ વધી જાય. 25.00 મિમી. વ્યાસવાળી ખીલી(pin)નું ઉત્પાદન કરવું હોય તો તેના વ્યાસની સીમા 24.95થી 25.00 મિમી. રાખવી યોગ્ય ગણાય. આ ખીલીની માપણીમાં ધ્યાનમાં રાખવું પડે કે તે 25.00 મિમી.થી મોટી નથી અને 24.95 મિમી.થી નાની નથી. તેનો ખરેખર વ્યાસ કેટલો છે તે માપવાને બદલે તે નિશ્ર્ચિત મર્યાદામાં છે કે નહિ તે જોવાય છે. આ માટે સીમા-ગેજ (limit gauge) વપરાય છે. go-gauge અને no go-gauge એ સીમા-ગેજો છે. ગો-ગેજ પિન પર જવો જોઈએ અને નો ગો-ગેજ પિન પર જવો જોઈએ નહિ. આમ થાય તો ખીલીના વ્યાસનું માપ તેની મર્યાદામાં છે તેમ કહી શકાય. દાગીનાનાં છિદ્રોના વ્યાસ માટે પણ ગો-ગેજ અને નો ગો-ગેજ વપરાય છે. પિન શાફ્ટ માટેના ગેજ-રિંગ આકારના હોય છે, જ્યારે છિદ્ર માપવા માટેના ગેજપ્લગ કે પિન આકારના હોય છે.

આકૃતિ 15 : સપાટી-સમાપન દર્શાવતાં પદો

આકૃતિ 16 : વિવિધ ગેજ : A – એક મર્યાદા માપતો ગેજ, B – બંને
મર્યાદા માપતો Go અને No Go ગેજ, C – બંને મર્યાદાઓનું સમાયોજન
કરી શકાય તેવો ગેજ.

આકૃતિ 17 : મશીનિંગ ક્રિયામાં ઉત્પન્ન થતો છોલ

યાંત્રિક મશીનો પર વપરાતાં કર્તન ઓજારો (cutting tools on machine tools) : વસ્તુના ઉત્પાદનની રીતમાં યંત્રકામની ક્રિયાનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. યંત્રકામની ક્રિયામાં દાગીના પરથી વધારાનો ભાગ ઓજાર વડે છોલી નાખવામાં આવે છે અને એ રીતે દાગીનાને જરૂરી આકાર અને પરિમાણ આપી તૈયાર કરાય છે. ધારદાર ઓજારને દાગીના પર અમુક ઊંડાઈએ રાખી આગળ ચલાવવામાં આવે ત્યારે દાગીના પરથી અમુક ભાગ છૂટો પડે છે. આ છૂટા પડતા ભાગને છોલ (chip) કહેવાય છે. પાસેની આકૃતિમાં મશીનિંગની મુખ્ય ચાર ક્રિયાઓ જેવી કે ટર્નિગ, પ્લેનિંગ, મિલિંગ અને ડ્રિલિંગમાં છોલ કેવી રીતે બહાર પડે છે તે દર્શાવાયું છે. મશીનિંગ ક્રિયા માટે અનેક પ્રકારનાં યંત્રઓજારો વપરાય છે અને જે તે યંત્રઓજાર પર તે માટેનાં ઓજાર લગાડાય છે.

આકૃતિ 18 : લેથ-ઓજારો : A – ચાલુ V ટૂલ, B – આંકડા આકારનું હેવી
કટ ટૂલ, C – જમણી-ડાબી બાજુના ટૂલો, D – વધુ સારા ટર્નિગ માટેનું જમણી
બાજુનું ટૂલ, E – ડાયમંડ અથવા કોણીય ટૂલ, F – સફાઈટૂલ, G – સ્પ્રિંગ
સફાઈ-ટૂલ, H – નાઇફ-ટૂલ, J – પાર્ટિગ ટૂલ, K અને L – ગોળાઈ આકાર
માટેનાં ટૂલ, M – ત્રિજ્યા-ટૂલ.

આકૃતિ 19 : પ્લેનર ઓજારો : A – ક્રેન્ક ટૂલ, B – રફિંગ ટૂલ, C – ફિનિશિંગ
ટૂલ, D – જમણી ડાબી બાજુના ટૂલ, E – પાર્ટિગ ગ્રુવિંગ ટૂલ, F – V ટૂલ,
G – જમણી-ડાબી બાજુના V ટૂલ, H, T – સ્લૉટ-ટૂલ, J – ત્રિજ્યા-ટૂલ.

મશીનિંગ ક્રિયાને માટે વપરાતાં ઓજારોની વિગત નીચે કોઠામાં દર્શાવી છે :

  મશીનિંગ ક્રિયા મશીનટૂલ વપરાતાં ઓજારો
1 ટર્નિંગ લેથ લેથ ઓજારો
2 ડ્રિલિંગ ડ્રિલિંગ મશીન ડ્રિલિંગ પાનાં
3 પ્લેનિંગ શેપર મશીન શેપર અને પ્લેનર ઓજાર
4 મિલિંગ મિલિંગ મશીન મિલિંગ કટરો
5 બોરિંગ બોરિંગ મશીન બોરિંગ ઓજારો
6 સોઇંગ (વહેરવું) સોઇંગ મશીન સોઇંગ બ્લેડરો
7 ગ્રાઇન્ડિંગ ગ્રાઇન્ડિંગ મશીન ગ્રાઇન્ડિંગ વ્હીલો

આ કર્તન ઓજારો આકૃતિ દ્વારા દર્શાવ્યાં છે :

આકૃતિ 20 : ડ્રિલ-પાનાં : A – ફ્લૅટ ડ્રિલ, B – ટ્વિસ્ટ ડ્રિલ,
C – સીધા ખાંચાવાળું પાનું, D – કાઉન્ટર બોરિંગ પાનું.

આકૃતિ 21 : બોરિંગ ટૂલ : A – એક છેડે કટરવાળો બોરિંગ બાર, B – બે છેડે કટરવાળો બાર, C – એક છેડે ફ્લૅટ કટર બોરિંગ બાર, D – બે છેડે ફ્લૅટ કટર બોરિંગ બાર, E – ત્રણ કટર અને ત્રણ ટેકાવાળો બોરિંગ બાર.

આકૃતિ 22 : મિલિંગ કટરો : A – સીધા દાંતાનું પાતળું કટર, B –
હેલિકલ કટર, C-D – સાઇડ ઍન્ડ ફેસ કટર, F – લગાવેલ દાંતાવાળું
કટર, E દાંતા લગાવવાની વિગત.

(1) મશીનિંગ ક્રિયા કે મશીનટૂલને ધ્યાનમાં લઈને કર્તન-ઓજારોને લેથ ટૂલ અથવા ટર્નિગ ટૂલ, બોરિંગ ટૂલ, ડ્રિલિંગ ટૂલ, મિલિંગ ટૂલ એમ વર્ગીકૃત કરી શકાય.

(2) ઓજારોમાં આવેલ કર્તનધાર દાગીનાના સતત સંપર્કમાં રહી છોલાણ કરે છે. આવાં ઓજારોને અનુક્રમે એકધારી ઓજારો અને બહુધારી ઓજારો કહે છે; દા. ત., લેથ-ઓજારો, બોરિંગ ઓજારો, શેપર અને પ્લેનર ઓજારો – એ એકધારી ઓજારો (single point tools) છે. આ ઓજારોને પશ્ચાદ્ગતિ (reciprocating) અથવા ચાલ આપવામાં આવે છે. ડ્રિલ પાનાં, મિલિંગ કટર, ગ્રાઇન્ડિંગ વ્હિલો વગેરેમાં એક પછી એક ધાર દાગીનાના સંપર્કમાં આવી કર્તન કરે છે. આ ઓજારોને પરિભ્રમણ-ગતિ આપવામાં આવે છે.

આકૃતિ 23 : છેડા મિલિંગ કટરી : A – સીધા દાંતાવાળું કટર, B –
હેલિકલ દાંતાવાળું કટર, C – આર્બર પર લગાવેલ શેલ કટર, D – ટીટ-સ્લૉટ કટર.

આકૃતિ 24 : A – આખું સળંગ ટૂલ, B – ટૂલ-હોલ્ડર પર લગાવવાનું
ટૂલબિટ, C – ટિપ્ડ ટૂલ, D – જુદી જુદી ટિપ

(3) ઓજારોમાં વપરાયેલા પદાર્થ અનુસાર ઓજારોનું કાર્બન-સ્ટીલ ઓજાર, હાઇસ્પીડ સ્ટીલ ઓજાર, કાર્બાઇડ ટિપ ઓજાર, ડાયમંડ ટિપ ઓજાર – એમ વર્ગીકરણ થાય છે.

(4) ઓજારોમાં પકડ માટેનો ભાગ (shank, body) અને કર્તન કરતો ભાગ (ધાર ધરાવતો) – એમ મુખ્યત્વે બે ભાગ પાડી શકાય. અમુક ઓજારોમાં આ બંને ભાગ એક જ હોય એટલે કે આખું સળંગ ઓજાર હોય છે. બંને ભાગો એક જ પદાર્થના બનેલા હોય એવાં ઓજારોને સળંગ ઓજાર (solid tools) કહેવાય છે. બીજા પ્રકારમાં ટૂલ નાનું હોય તેને ટૂલ બિટ (કટકી) કહે છે; તે હાઇસ્પીડ સ્ટીલનું હોય છે. ત્રીજા પ્રકારમાં કટિંગ ટૂલ નાની કટકી(tip)ના સ્વરૂપમાં હોય છે અને તેને ટૂલ શકમાં ઉપરના ભાગે ચોંટાડવામાં આવે છે. કાર્બાઇડ-ઓજારો, સિરામિક ઓજારો અને ડાયમંડ-ઓજારો આવી કટકીઓના સ્વરૂપમાં હોય છે. કાર્બાઇડ, સિરામિક અને ડાયમંડ પદાર્થોનું તાણ-સામર્થ્ય (tensile) અને નમન-સામર્થ્ય (bending) ઓછું હોવાથી સળંગ ટૂલ તરીકે વાપરીએ તો કટિંગ કરવા જતાં ઓજાર બટકી જાય આથી આ ઓજારને ટિપ (tip) તરીકે જ વપરાય.

આકૃતિ 24માં સળંગ ટૂલ, બિટ અને ટિપ્ડ ટૂલ દર્શાવ્યાં છે :

ઓજારો પર ધાર કાઢવાનાં સાધનો : ભૌતિક ક્રિયા સરળતાથી કરવા ઓજાર વપરાય છે. અમુક સમય વપરાયા બાદ ઓજારની ધાર તેની તીવ્રતા ગુમાવે છે. બીજી રીતે કહીએ તો હથિયાર કે ઓજાર બૂઠું થાય છે. આવા ઓજારની ધારને ઘસવામાં આવે છે. ઘસવાથી તેની ધાર ફરીથી તૈયાર થાય છે. સૂડી, ચપ્પુ, કાતર, કરવતને ઘસીને સરાણિયો ધાર કાઢી આપે તે વર્ષોજૂની જાણીતી ક્રિયા છે.

ઓજારોની ધાર કાઢવા માટે સામાન્ય રીતે નીચેનાં સાધનો વપરાય છે : (1) એમરી સ્ટોન, (2) કાનસ (file) (3) મશીન પર લગાવેલ ગ્રાઇન્ડિંગ વ્હિલ વગેરે.

આ મશીનો ઓજારોની ધાર કાઢવા માટે પ્રચલિત છે : (1) બચ ગ્રાઇન્ડર, (2) પેડેસ્ટલ ગ્રાઇન્ડર, (3) ટૂલ ઍન્ડ કટર ગ્રાઇન્ડર. ઓજારનો કયો પ્રકાર છે એટલે કે તે હાથ-ઓજાર છે કે મશીન-ઓજાર, કઈ ધાતુ(પદાર્થ)નું ઓજાર છે, કેટલી સંખ્યામાં ઓજારોની ધાર કાઢવાની છે, ઓજારની ધારમાં ખૂબ ચોકસાઈની જરૂર છે કે નહિ વગેરે બાબતોને લક્ષમાં લઈને કઈ રીતે અને કયા મશીન પર ધાર કાઢવી તે નક્કી થાય છે.

પૉલિશિંગ માટેનાં ઓજારો અને સાધનો : પોલિશિંગ એટલે કોઈ પણ વસ્તુને ઘસીને ચકચકિત કરવી અથવા તો લીસી કરવી તે. લાદી, બૂટ, વાસણો વગેરેનું પૉલિશિંગ કરવું તે ઘણી જાણીતી ક્રિયાઓ છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ગ્રાઇન્ડિંગ, હોનિંગ (ઘસવું), લેપિંગ (પડ ચડાવવું), સુપરફિનિશિંગ અને પૉલિશિંગ – એ સમપ્રકારની ક્રિયાઓ છે. આ બધી ક્રિયાઓમાં એક વસ્તુને બીજી વસ્તુ સાથે ઘસવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ, હોનિંગ, લેપિંગ અને સુપરફિનિશિંગમાં મુખ્ય ઉદ્દેશ દાગીનાનાં પરિમાણોમાં ઉચ્ચ કક્ષાની ચોકસાઈ તેમજ લીસી સપાટી મળે તે છે, જ્યારે પૉલિશિંગમાં પરિમાણોની ચોકસાઈ મળતી નથી; પરંતુ લીસી અને ચકચકાટવાળી સપાટી મળે છે. આ બધી ક્રિયાઓમાં દાગીનાને એમરી પથ્થર અથવા તો એમરી પાઉડર દ્વારા ઘસવામાં આવે છે.

ગ્રાઇન્ડિંગ વ્હિલો અથવા એમરી વ્હિલો, એમરી પથ્થરો અને એમરી પાઉડરમાં ઘણી જાત આવે છે. દાગીનાનો પદાર્થ, કેટલા પ્રમાણમાં પદાર્થને ઘસીને ઉતારવાનો છે વગેરે બાબતો ધ્યાનમાં લઈ એમરી પથ્થર અને એમરી પાઉડરનું કદ (નંબર) નક્કી કરાય છે. એમરી પાઉડર છૂટો રાખવાને બદલે તેને પેસ્ટના સ્વરૂપમાં રાખવામાં આવે છે.

આ બધી ક્રિયાઓ હાથથી ઘસીને અથવા તો ખાસ પ્રકારનાં મશીનો દ્વારા કરવામાં આવે છે.

વિજયરાય જાની

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ