એ. કાનન (1921-) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. જન્મ ચેન્નઈ(મદ્રાસ)ના એક ધાર્મિક પરિવારમાં. બાળપણથી જ તેમણે શ્રી લાનૂ બાબુરામ પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. 1943માં કૉલકાતા ગયા. ત્યાં પ્રસિદ્ધ ગાયક ગિરજાશંકર ચક્રવર્તીએ તેમને સંગીતનો આગળ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ અમીરખાં પાસેથી શિક્ષણ મેળવ્યું. તેમણે ગાયેલી અનેક રાગ-રાગિણીઓની તથા ઠુમરીઓની રેકોર્ડ વિભિન્ન આકાશવાણી કેન્દ્રોમાં સંગૃહીત છે. તેમણે ગુલામઅલીખાં અને અમીરખાં સાહેબની શૈલી અપનાવી છે. તેઓ કર્ણાટક સંગીતક્ષેત્રમાં તાલીમ પામ્યા હોવા છતાં ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં પણ કુશળ કલાકાર નીવડ્યા છે.

ગીતા મહેતા