એલ્ફ્રીદ, જેલિનેક

January, 2004

એલ્ફ્રીદ, જેલિનેક (Elfriede, Jelinek) (જ. 20 ઑક્ટોબર, 1946, મંર્ઝુશ્ચલાગ, સ્ટિરિયા, ઑસ્ટ્રિયા) : 2004ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારનાં વિજેતા ઑસ્ટ્રિયન મહિલા નાટ્યકાર અને નવલકથાકાર. જર્મન વાચકોમાં તેઓ વિશેષ જાણીતાં છે. નોબેલ પુરસ્કાર મેળવનાર દસ સન્નારીઓમાં તેમનું નામ ગણાય છે. ‘ધ પિયાનો ટીચર’ (1988) નામના ચિત્રપટે તેમને જગમશહૂર બનાવ્યાં. નવલકથા અને નાટકમાં શબ્દોને અને અવાજને સંગીતના અવાજથી ભર્યોભર્યો કરી દેનાર, ભાષા માટે અસાધારણ ઉત્સાહ ધરાવનાર લેખિકા. રોમાનિયનજર્મન કુળનાં માતા અને ચેકોસ્લોવૅકિયાના યહૂદી પિતાનું એકમાત્ર ફરજંદ. પિતા રસાયણશાસ્ત્રી. મૂળ ચેકોસ્લાવૅકિયાના, યહૂદી કુળના. ચેક ભાષામાં ‘જેલિનેક’નો અર્થ ‘નાજુકનાની હરણી’ થાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે હિટલરના જુલમમાંથી માંડ માંડ બચી ગયેલાં. જોકે તેમના પરિવારનાં સંખ્યાબંધ માણસોને યહૂદી-અગ્નિકાંડમાં હોમી દેવામાં આવ્યાં હતાં. વિયેનાના સમૃદ્ધ કુટુંબમાંથી આવતાં તેમનાં માતા સાથે તેઓ પરાણે રહેલાં. વિયેનાની રૉમન કૅથલિક શાળામાં શિક્ષણ લીધેલું. માતાની ઇચ્છા તો પોતાની પુત્રી સંગીતની સાધના કરે તેવી હતી. એટલે તો નાની વયથી જ જેલિનેકને પિયાનો, ઑર્ગન, ગિટાર, વાયોલિન, વાયોલા અને રેકર્ડરની સગવડ આપવામાં આવી હતી. વિયેનાની કૉન્ઝર્વેટરીમાં અભ્યાસ કરેલો. ત્યાંથી તેમણે ડિપ્લોમાનું પ્રમાણપત્ર મેળવેલું. યુનિવર્સિટી ઑવ્ વિયેનામાં ઇતિહાસ અને નાટક વિષયમાં અભ્યાસ કરેલો. જોકે 17 વર્ષની વયે માનસિક રોગને કારણે તેમને અભ્યાસ અધવચ્ચેથી છોડી દેવો પડેલો. જેલિનેકે ગોટ્ટફ્રીડ હંગ્ઝબર્ગ સાથે લગ્ન કરેલું.

ઑસ્ટ્રિયાથી કંઈક અંશે અળગાપણું અનુભવતા સાહિત્યકારોની પરંપરામાં રહીને તેમણે સાહિત્યસર્જન કર્યું છે. ઑસ્ટ્રિયાના ઇન્ગબૉર્ગ બેકમાન અને રૉબર્ટ મુસિલ જેવા લેખકોની તેમના લેખન પર સ્પષ્ટ અસર વરતાય છે. ‘લિસાસ શૅટન’ (1967) તેમનો કાવ્યસંગ્રહ છે.

જેલિનેક ઑસ્ટ્રિયાની કમ્યુનિસ્ટ પાર્ટીના 1974થી 1991 દરમિયાન સક્રિય સભ્ય હતાં. 1990 પછી તેમનું નામ ઘેર ઘેર જાણીતું થયું હતું. હૈદરની ફ્રીડમ પાર્ટી સાથે સંઘર્ષ થયેલો. 1999 પછી ફ્રીડમ પાર્ટી અને ઑસ્ટ્રિયન પીપલ્સ પાર્ટીની જોડાણવાળી સરકારનાં તેઓ પ્રખર ટીકાકાર રહેલાં.

જેલિનેક એલ્ફ્રીદ

જેલિનેકનું સાહિત્ય પ્રશંસા અને આકરી ટીકા પામ્યું છે. જ્યૉર્જ બચનર પ્રાઇઝ 1998માં, મેલહેમ ડ્રામેટિસ્ટ્સ પ્રાઇઝ 2002 અને 2004માં – એમ બે વખત, ફ્રાન્ઝ કાફકા પ્રાઇઝ 2004માં અને 2004ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર તેમને એનાયત થયેલ છે. તેમનાં નાટક અને અન્ય ગદ્યલખાણોમાં યૌન સંબંધી તેમજ નારી પરના અત્યાચારની વાત વારંવાર દેખા દે છે. ‘વી આર ડેકોય્ઝ, બેબી !’, ‘વિમેન ઍઝ લવર્સ’  અને ‘ધ પિયાનો ટીચર’ નાટકોમાં માનવક્રૂરતા અને સત્તાનું વરવું દર્શન માનવસંબંધોમાં રજૂ થયું છે. જેલિનેકના મત મુજબ સત્તા અને આક્રમકતા મનુષ્ય સંબંધોમાં આગવો ભાગ ભજવે છે. ‘લસ્ટ’ જેવી તેમની ઉત્તેજક નવલકથામાં સ્ત્રીપુરુષનાં અતિવાસ્તવિક યૌનસંબંધો દર્શાવાયા છે. ‘ધ ચિલ્ડ્રન ઑવ્ ધ ડેડ’માં જેલિનેક પોતાનું ધ્યાન ઑસ્ટ્રિયાની તત્કાલીન મુસીબતો અને નાઝીવાદની અસરવાળા રાષ્ટ્ર તરફ કેન્દ્રિત કરે છે. ‘સ્પૉટર્સનેક’ નાટકમાં રમતગમતમાં હિંસા અને ફાસીવાદ ક્યાં અને કેવાં પ્રસર્યાં છે, તેની વાત દર્શાવાઈ છે. ‘ધ પિયાનો પ્લેયર’ નવલકથામાંથી ‘ધ પિયાનો ટીચર’ નામનું ચલચિત્ર થયેલું. 2006ના એપ્રિલમાં જેલિનેકે પીટર હેન્ડકેના નાટક ‘ધી આર્ટ ઑવ્ આસ્કિંગ’ની તરફેણમાં ઉગ્ર અવાજ ઉઠાવેલો.

જેલિનેકે નોબેલ પુરસ્કાર મળ્યાનો આનંદ વ્યક્ત કરતી વખતે પોતાની નિરાશા પણ જાહેર કરેલી. નિરાશા એટલા માટે કે હવેથી તેમને લોકો ઓળખશે અને તેમને ‘લોકોના માણસ’ થવું પડશે. તેઓ ખૂબ જાણીતાં નારીવાદી લેખિકા છે. પોતે નારી છે માટે તો નોબેલ નહિ અપાયું હોય ?  આવું સાનંદાશ્ર્ચર્ય પ્રગટ કરી, નોબેલ મેળવવા માટે ખરા અધિકારી તો ‘પીટર હેન્ડકે’ છે  એવો મત તેમણે વ્યક્ત કર્યો છે. જોકે નોબેલ પુરસ્કાર લેવા માટે તેઓ જાતે હાજર રહ્યાં નહોતાં. સમારંભમાં તેમનો વીડિયો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો. આના કારણમાં ખરેખર તો તેમને થયેલા માનસિક રોગો એગોરાફોબિયા, સોશિયલ ફોબિયા અને ચિંતા હતાં. પોતે સિનેમા જોવા જઈ શકે, ઍરપૉર્ટ પર જઈ હવાઈપ્રવાસ કરી શકે કે મરતાં પહેલાં એક વાર ન્યૂયૉર્કના ગગનચુંબી મકાનને જોઈ શકે તેવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી છે. સ્ટૉકહોમમાં જવું તેમને ખૂબ ગમ્યું હોત, પણ પોતાની ભાષા જેટલી ત્વરિત ગતિ અને દૂર જવાની શક્તિ એમના શરીરમાં ક્યાં છે ?  એવી લાગણી તેમણે પ્રદર્શિત કરેલી. જોકે જેલિનેકને નોબેલ પુરસ્કાર મળ્યો તેના પ્રબળ વિરોધમાં નુટ આહનલુંકે 2005માં સ્વીડિશ એકૅડેમીમાંથી રાજીનામું આપેલું.

જેલિનેક માટે સાહિત્યનું મુખ્ય ધ્યેય તો પોતાની માન્યતાઓનું જાહેર નિવેદન કરવાનું અને સત્ય માટે લડવાનું છે, તેના દ્વારા સમાજને ચોખ્ખો કરવાનું છે.

વિ. પ્ર. ત્રિવેદી