એલિયટ, ટી. એસ. (જ. 26 સપ્ટેમ્બર 1888, સેંટ લૂઇ, મિઝૂરી, યુ.એસ.; અ. 4 જાન્યુઆરી 1965, લંડન) : અંગ્રેજી ભાષાના વીસમી સદીના પ્રતિભાવંત કવિવિવેચક. વેપારી અને કલાપ્રેમી પિતા હેન્રી વેર એલિયટ તથા શિક્ષિકા અને કવયિત્રી શાર્લોટ ચૅમ્પ સ્ટાર્ન્સના સાતમા સંતાન તરીકે ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનો જન્મ. પિતાની વિચક્ષણતા અને માતાની સંવેદનશીલતા તેમનામાં હતાં. આરંભનાં સત્તર વર્ષ સેન્ટ લૂઇમાં વિતાવ્યાં અને ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લીધું. પરિવાર પ્રત્યે અસંતોષ અને સેન્ટ લૂઇ નગર પ્રત્યે અણગમાને કારણે 1905માં બૉસ્ટન ગયા. એકાદ વર્ષ બાદ હાર્વર્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે જોડાઈ, 1909માં બી.એ. અને 1910માં એમ.એ. થયા. હાર્વર્ડ કાળ દરમિયાન બૅબિટ અને સૅન્તિયાના જેવા શિક્ષકોનો ઘેરો પ્રભાવ. બૅબિટના શિષ્ટતાપ્રેમે અને સૅન્તિયાનાના સૌંદર્યાનુરાગે એલિયટ આકર્ષાયા. કૉનરૅડ એઇકીન જેવા કવિની અહીં મૈત્રી થઈ. કાવ્યસર્જન માટેનો સભાન પ્રયત્ન અહીંથી શરૂ કર્યો, પરન્તુ 1914માં એઝરા પાઉન્ડ સાથે પરિચય થયા પછી જ પોતાની કાવ્યપ્રવૃત્તિમાં શ્રદ્ધા બેઠી. પાઉન્ડના અભિપ્રાય પ્રમાણે એલિયટ ‘સ્વશિક્ષિત આધુનિક’ હતા. આ ગાળા દરમિયાન જ ડાન્ટે, ડન, બૉદલેર, લાફૉર્ગ આદિની કવિતાનું આકર્ષણ. પછીથી પાઉન્ડ અને યેટ્સની કવિતાનું વાચન. લાફોર્ગની કવિતાનો એલિયટની કાવ્યવિભાવના અને એમના કાવ્યસર્જન પર પ્રબળ પ્રભાવ પડ્યો હતો, તે ‘ધ હાર્વર્ડ ઍડવોકેટ’માં ત્યારે પ્રકટ થયેલાં એમનાં આઠ કાવ્યો પરથી પ્રતીત થાય છે.

ટી. એસ. એલિયટ

1910થી 1911 એક વર્ષ માટે પૅરિસમાં સોરબૉન ખાતે શિક્ષણ લઈ હાર્વર્ડ પાછા ફર્યા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેઓ બ્રિટન પહોંચ્યા અને 22 સપ્ટેમ્બરે લંડનમાં એઝરા પાઉન્ડ સાથે મુલાકાત થઈ, જે સઘન મૈત્રીમાં પરિણમી. 1915માં એમનું પ્રસિદ્ધ દીર્ઘકાવ્ય ‘ધ લવ સાગ ઑવ્ જે. આ્લ્ફ્રેડ પ્રૂફૉર્ક’ એઝરા પાઉન્ડના આગ્રહથી હૅરિયટ મનરોએ ‘પોએટ્રી(શિકાગો)’ના જૂન માસના અંકમાં પ્રકટ કર્યું. એ જ માસની 26મીએ વિવિયન હેવુડ સાથે લગ્ન કર્યું, જે સુખી ન નીવડ્યું. 1916 સુધી શાળાઓમાં શિક્ષણકાર્ય કર્યું અને ‘ન્યૂ સ્ટેટ્મૅન’ માટે અવલોકનો લખ્યાં. 1917માં લૉઇડ્ઝ બૅન્કમાં કારકુન તરીકે નોકરી સ્વીકારી. એ જ વર્ષે તેમનો કાવ્યસંગ્રહ ‘પ્રૂફોર્ક ઍન્ડ અધર ઑબ્ઝર્વેશન્સ’ પ્રકટ થયો. જૂન 1917થી ‘ધી ઈગોઇસ્ટ’ના સહસંપાદક પણ બન્યા. 1918માં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કરમાં જોડાવાનો પ્રયત્ન કર્યો, પણ શારીરિક અક્ષમતાને કારણે જોડાઈ શક્યા નહિ. 1910 અને 1914ની વચ્ચેનો ગાળો એમના ધર્મના રહસ્યાનુભવનો ગાળો પણ છે. એમના ભાવિ ધર્મપરિવર્તનનાં અહીં બીજ રોપાયેલાં છે. તો આ જ ગાળા દરમિયાન તે હાર્વર્ડના અતિથિ અધ્યાપક બર્ટ્રેન્ડ રસેલના એકાધિક વાર પરિચયમાં આવ્યા હતા અને એમનાથી પ્રભાવિત થયા હતા. 1913માં બ્રેડલીના પ્રસિદ્ધ ગ્રંથ ‘એપિયરન્સ ઍન્ડ રિઍલિટી’નું વાચન કર્યું. પરિણામે તે જ વર્ષે પીએચ.ડી.ના મહાનિબંધ માટે એમણે બ્રેડલીની ફિલસૂફીનો વિષય પસંદ કર્યો હતો. આ જ વર્ષે અકલ્પ્ય અને અકથ્ય એવી મૈત્રી એમિલી હેઇલ સાથે રચાઈ. આ વર્ષો દરમિયાન બાહ્ય જગત અને આંતર જગતના અનુભવો સાથે એલિયટે જબરો સંઘર્ષ અનુભવ્યો. 1925માં ફૅબર ઍન્ડ ગ્વાયર’ અને 1929થી ‘ફૅબર ઍન્ડ ફૅબર’ નામક પ્રકાશન સંસ્થામાં સંપાદક તરીકે જોડાયા. 1926માં એ જ પ્રકાશન સંસ્થાએ શરૂ કરેલા સામયિક ‘ધ ક્રાઇટિરિયન’ના સંપાદક બની પોતાની સાહિત્યિક, રાજકીય, આર્થિક, ધાર્મિક માન્યતાઓ પ્રકટ કરતા રહ્યા. એ જ વર્ષે કેમ્બ્રિજમાં ક્લાર્ક  વ્યાખ્યાનો આપ્યાં તથા ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’માં પ્રવેશ  મેળવવા તાલીમ લીધી, અને 1927ના જૂનની 21મીએ ખાનગી રીતે ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’માં સ્વીકારાયા. એ જ વર્ષે નવેમ્બરમાં બ્રિટિશ નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. 1928માં પોતાની જીવનસૃષ્ટિનું પરિચાયક પ્રસિદ્ધ વિધાન કર્યું કે પોતે સાહિત્યમાં પ્રશિષ્ટવાદી, રાજકારણમાં રાજાશાહીવાદી અને ધર્મમાં ઍંગ્લો કૅથલિક છે. આથી ત્યારે એમના વિશે એક એવી છાપ ઊપસી કે તેઓ પ્રત્યાઘાતી અને પલાયનવાદી છે. 1932માં 17 વર્ષ બાદ અમેરિકાનો પ્રવાસ કર્યો અને હાર્વર્ડમાં શાર્લ એલિયટ નૉર્ટન વ્યાખ્યાનો આપ્યાં. 1933માં વર્જિનિયા યુનિવર્સિટીમાં પેજબાર્બર વ્યાખ્યાનો આપ્યાં, અને જૂનમાં અમેરિકાથી પાછા ફર્યા બાદ પત્ની વિવિયન સાથે લગ્નવિચ્છેદ થયો. 1934માં સેન્ટ સ્ટીફવન્ઝ ચર્ચમાં વૉર્ડન તરીકે જોડાયા અને જીવનના અંત લગી એ સ્થાન પર રહ્યા. આ ગાળા દરમિયાન કેટલાંક ધાર્મિક સામયિકોનું સંપાદન કર્યું તથા અનેક ધાર્મિક લેખો લખ્યા. એમનો આ ગાળો ધર્મના સંદર્ભમાં સાહિત્ય અને સંસ્કૃતિને મૂલવવાનો હતો. આ પૂર્વેનો કાળ એમના જીવનમાં ધર્મસંશયનો હતો, પછીનો બધો જીવનકાળ ધર્મશ્રદ્ધાનો બન્યો. અત્યારસુધી લગભગ એકલવાયા, ઓછાબોલા અને અંતર્મુખ એલિયટ હવે બહુજનાભિમુખ, બહુબોલા અને બહિર્મુખ બન્યા. અનેક ધાર્મિક અને બૌદ્ધિક મંડળોમાં હાજરી આપી વ્યાખ્યાનો કર્યાં અને જાહેર સંસ્થાઓ-સમારંભોમાં સભ્યપદ-સભાપતિપદનો સ્વીકાર કર્યો. 1939માં કેમ્બ્રિજની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં બાઉટવુડ ફાઉન્ડેશન વ્યાખ્યાનો આપ્યાં. એ જ વર્ષે બીજા વિશ્વયુદ્ધના આરંભે કેન્સિંગટનમાં ઍર રેડ વૉર્ડન બન્યા. 1945માં પૅરિસમાં અને વૉશિંગ્ટનમાં વ્યાખ્યાનો આપ્યાં અને હાર્વર્ડમાંથી માનાર્હ ઉપાધિ મળી. 1947માં જન્મજાત હર્નિયાની શસ્ત્રક્રિયા. 1948માં ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ અને નોબેલ પારિતોષિક એનાયત થયાં. ‘ધ ન્યૂ ઇંગ્લિશ વીકલી’ અને ‘ધ ક્રાઇટિરિયન’(જે 1939માં બંધ પડ્યું)માં એમણે અંગત ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક વિચારોનું નિયમિત લેખન કર્યું હતું. એલિયટ આ ગાળામાં એક વ્યક્તિ મટી, સંસ્થારૂપ બન્યા.

1949માં એમનાથી વયમાં 39 વર્ષ નાનાં વાલેરી ફ્લેચર એમનાં મંત્રી નિયુક્ત થયાં, જેમની સાથે 1959ના જાન્યુઆરીની 10મીએ એલિયટ લગ્નગ્રંથિથી જોડાયા. એમના જીવનનો આ અતિ સંતોષ અને સુખનો ગાળો રહ્યો. 1955માં હૅમ્બર્ગમાં ગટે પર વ્યાખ્યાનો આપ્યાં. સોળેક જેટલી વિવિધ યુનિવર્સિટીઓએ એમને માનાર્હ પદવીઓ એનાયત કરી. યુ.એસ. મેડલ ઑવ્ ફ્રીડમ પ્રાપ્ત થયો. ડલાસ કાઉન્ટીના ડેપ્યુટી શેરિફ નિમાયા. હાર્વર્ડે એમર્સન થૉરો પારિતોષિક તથા જર્મનીએ ગટે પારિતોષિક એનાયત કર્યાં. કેમ્બ્રિજની મૅગ્ડલીન કૉલેજમાં માનાર્હ ફેલો નિમાયા.

ફ્લૉરેન્સનો ડાન્ટે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. આ બધાં માનબહુમાન વચ્ચે એલિયટ સંતૃપ્ત અને બાહ્યાભ્યંતર સમૃદ્ધ હતા. પણ અતિશ્રમ અને જન્મજાત નાજુક તબિયતને કારણે શરીર કથળવા માંડ્યું. 1951માં હૃદયરોગનો હુમલો થયો. 1956માં તબિયત વધુ કથળતા નર્સિંગહોમમાં રહ્યા અને ધૂમ્રપાનની જૂની આદતનો ત્યાગ કર્યો. 1962-63માં ધુમ્મસને કારણે ગંભીર માંદગીમાં પટકાયા અને 1965ના જાન્યુઆરીની 4થીએ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. એમના વતન ઈસ્ટ કોકરમાં દફનવિધિ થઈ અને સ્મારક રચવામાં આવ્યું. ઈસ્ટ કોકરમાં સેન્ટ માઇકેલ્સ ચર્ચમાં તથા લંડનમાં એમનાં સ્મારકો રચાયાં. વેસ્ટમિન્સ્ટર ઍબીમાં પોએટ્સ કૉર્નરમાંના એમના સ્મારક પર એમની કાવ્યપંક્તિ કોતરવામાં આવી.

વીસમી સદીના અંગ્રેજી સાહિત્યમાં કવિતા અને વિવેચનના ક્ષેત્રે એલિયટનું પ્રદાન બહુમૂલ્ય છે. કવિ તરીકેની એમની કારકિર્દીના સ્પષ્ટતયા બે તબક્કા નજરે પડે છે. કારકિર્દીના આરંભે બૉદલેર અને લાફોર્ગ જેવા ફ્રેંચ કવિઓની કવિતા અને પૅરિસબૉસ્ટન જેવાં નગરોની આધુનિક સભ્યતાથી પ્રભાવિત હોવાથી એમનાં આરંભનાં કાવ્યોમાં પ્રતીક, વ્યંગવિડંબના, સંદર્ભસંકુલતા અને એ માટે ઉચિત ભાષાશૈલી ધ્યાન ખેંચે છે. એમાં અનાસ્થા, એકાકીપણું અને અસ્તિત્વની કટોકટીનો સૂર પ્રધાન છે. આ રચનાઓમાંનો આધુનિક કલાપુરુષાર્થ એમને આ સદીના પ્રથમ આધુનિક કવિ તરીકે પ્રસ્થાપિત કરે છે. અહીં એમણે કલાકીય સંપ્રજ્ઞતાના સંદર્ભમાં માનવજીવનનું અર્થઘટન કરેલું છે. આવી રચનાઓમાં મુખ્યત્વે ‘પ્રૂફોર્ક’ (1917) તથા ‘ધ વેસ્ટ લૅન્ડ’ (1922) અને ‘ધ હૉલો મૅન’(1925)નો સમાવેશ થાય છે. એમનું પ્રકટ પુસ્તક ‘ધ વેસ્ટ લૅન્ડ’ જેને અર્પણ કરવામાં આવ્યું છે એ એઝરા પાઉન્ડની સલાહસૂચના અનુસાર મૂળ હસ્તપ્રતમાંથી લગભગ અર્ધી કાપકૂપ પછીનું સ્વરૂપ છે. કલ્પનપ્રતીક-સંદર્ભોથી આ રચના પાંચ ખંડમાં વહેંચાયેલી છે. પરંપરામાંથી પ્રયોજાયેલા સંદર્ભો અહીં સમકાલીન સામાજિક સ્થિતિ સાથે સાંકળીને કવિએ તેમનું નવીન અર્થઘટન કર્યું છે. તેમાંનાં નગરસભ્યતાનાં કલ્પન-પ્રતીકો આજના મનુષ્યની આંતરિક એકલતા સાથે અન્ય બાહ્ય ભૌતિક સંદર્ભોમાં એની વિચ્છિન્નતાને નિર્દેશે છે. સમગ્રપણે વેરાન એવા માનવઅસ્તિત્વનાં આદર્શો, મૂલ્યો, પ્રેમ, અતીત, સાંપ્રત આદિને અહીં જટિલ શૈલીએ નિરૂપ્યાં છે. ભાષાકીય અનેક સ્તરો અને શૈલીગત વિવિધ તરાહો તેમજ આજના મનુષ્યની આંતરિક કટોકટીની વિષયવસ્તુગત પ્રયુક્તિ દ્વારા વીસમી સદીની એ પ્રથમ અને પરમ, સિદ્ધ અને પ્રસિદ્ધ આધુનિક કાવ્યકૃતિ બની રહે છે.

1930થી એમની કવિતાનો બીજો તબક્કો શરૂ થાય છે, જેમાં એમણે ધર્મની પરિધિમાં મનુષ્યજીવનનું અર્થઘટન કર્યું છે. અહીં એમને ડાન્ટેનું વાચનમનન ઘણું ઉપકારક નીવડ્યું છે. આજના અનાસ્થા અને અનીશ્ર્વરવાદના સમયમાં ધર્મની અનિવાર્યતા પ્રમાણતી એમની હવેની કવિતા જુદું જ પરિમાણ સિદ્ધ કરે છે. ‘ઍશ વેડ્નસડે’ (1930) અને ‘ફોર ક્વૉર્ટ્રેટ્સ’ (1943-44) આ પ્રકારની મુખ્ય કાવ્યકૃતિઓ છે. ‘ફોર ક્વૉર્ટ્રેટ્સ’ જુદા જુદા સમયે પ્રકટ થયેલી ‘બર્ન્ટ નૉર્ટન’ (1935), ‘ઈસ્ટ કોકર’ (1940), ‘ધ ડ્રાઈ સૅલ્વેજિઝ’ (1941) અને ‘લિટલ ગિડિંગ’ (1942) એ ચાર રચનાઓનું અખિલ સ્વરૂપ છે. એલિયટે બોલચાલની ભાષાનો અહીં ‘કવિતાનું સંગીત’ સિદ્ધ કરવામાં શૈલીગત સફળ ઉપયોગ કર્યો છે, તો સમયસંદર્ભે માનવજીવન અને જગતનું ચિંતનાત્મક વસ્તુ પ્રશિષ્ટતાથી અભિવ્યક્ત પામ્યું છે. આ બંને કાવ્યો પર ડાન્ટેનો સ્પષ્ટ પ્રભાવ છે. આથી ડાન્ટેની યુરોપીય પરંપરામાં પશ્ર્ચિમ અને પૂર્વનાં અનેક ચિંતનબિન્દુઓને સંહરતું આ કાવ્ય એલિયટના વ્યક્તિગત અવાજને સુપેરે પ્રકટ કરે છે.

આ ઉપરાંત એમનાં ‘પોએમ્સ’ (1925), ‘ઍરિયેલ પોએમ્સ’ (1927), ‘કોરિયોલેન’ (1931), ‘લૅન્ડ્સ્કેપ્સ’ (1932), ‘ફાઇવ ફિંગર એક્સર્સાઇસિઝ’ (1932), ‘કલેક્ટેડ પોએમ્સ : 1909-1935’ (1936), ‘ધ કલ્ટિવેશન ઑવ્ ક્રિસ્ટમસ ટ્રીઝ’ (1954), ‘ક્લેક્ટેડ પોએમ્સ : 1909-1962’ (1963) વગેરે તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘ઓલ્ડ પોએમ્સ બુક ઑવ્ પ્રૅક્ટિકલ કૅટ્સ’ (1939) તેમનાં બાળકાવ્યોનો સંગ્રહ છે.

જેમ કવિતામાં તેમ વીસમી સદીની વિવેચનામાં એલિયટનું કાર્ય ખૂબ જ પ્રભાવક રહ્યું છે. એમને યોગ્ય રીતે જ ‘સ્કૉલર કિટિક’ કહેવામાં આવ્યા છે. એમનો પહેલો વિવેચનસંગ્રહ ‘ધ સેક્રેડ વુડ’ 1920માં પ્રકટ થયો ત્યાંથી તે છેક 1961માં લીડ્ઝમાં ‘ટુ ક્રિટિસાઇઝ ધ ક્રિટિક’ પર વ્યાખ્યાનો આપ્યાં ત્યાં સુધીની તેમની 40-45 વર્ષની દીર્ઘકાલીન વિવેચનપ્રવૃત્તિ યુરોપીય વિવેચનની આબોહવાને બદલતી અને બહેલાવતી રહી છે. એમણે સૈદ્ધાન્તિક અને પ્રત્યક્ષ એમ ઉભય પ્રકારની વિવેચના કરી છે. પરંપરાને આત્મસાત્ કરી નવ્ય વિવેચનની ભોંય મજબૂત કરવામાં એલિયટની વિવેચનાનો ફાળો ઘણો મહત્વનો છે. પ્રશિષ્ટ મનોબંધારણ અને પરિષ્કૃત રુચિતંત્રે એમની વિવેચનાને સુઘડ અને સુબદ્ધ રાખી છે. પોતાના સમકાલીન સર્જકો – ભાવકો અને વિવેચકો-વાચકોનાં રસરુચિ ઘડવામાં, એને નૂતન માર્ગે દોરવામાં એલિયટનો ફાળો કીમતી છે. આમ, એલિયટ વીસમી સદીના કાવ્યાચાર્ય અને વિવેચનાચાર્ય છે. 1956માં મિનેસોટા યુનિવર્સિટીના બેઝબૉલ સ્ટેડિયમમાં ‘ધ ફ્રન્ટિયર્સ ઑવ્ ક્રિટિસિઝમ’ પરનાં એમનાં વ્યાખ્યાનોમાં 14,000 શ્રોતાઓની ઉપસ્થિતિ એમની વિવેચનાની મહત્તા અને એમની પ્રતિભાની ઉત્કૃષ્ટતાની પારાશીશી છે. સર્જનમાં સર્જકની નિર્વૈયક્તિકતા અને કલાકૃતિની સ્વાયત્તતા પર એમણે અપૂર્વ ભાર મૂક્યો હતો. ભાવાભિવ્યક્તિની એકમાત્ર રીતિ તરીકે એમણે ‘વસ્તુલક્ષી સહસંબંધક’(objective corelative)ના સિદ્ધાંતને આગળ કર્યો હતો. ‘સિલેક્ટેડ એસેઝ’, ‘ધ યુઝ ઓવ્ પોએટ્રી ઍન્ડ ધ યુઝ ઓવ્ ક્રિટિસિઝમ ટુ ક્રિટિસાઇઝ ધ ક્રિટિક’ ‘ઑન પોએટ્રી ઍન્ડ પોએટ્સ’, ‘ઇન્ટ્રોડ્યૂસિંગ જેમ્સ જોઇસ’, ‘એલિઝાબેથન ડ્રામેટિસ્ટ્સ’, ‘ડાન્ટે’ આદિ એમના વિવેચનગ્રંથો છે. ‘ટ્રેડિશન ઍડ ધી ઇન્ડિવિડ્યુઅલ ટેલન્ટ’ (1919), ‘રિલિજયન ઍન્ડ લિટરેચર’ (1935), ‘ધ મ્યૂઝિક ઑવ્ પોએટ્રી’ (1942), ‘વૉટ ઇઝ અ ક્લાસિક ?’ (1944), ‘ધ થ્રી વૉઇસિઝ ઓવ્ પોએટ્રી’ (1953) આદિ એમના જાણીતા વિવેચનનિબંધો છે. ‘ધ આઇડિયા ઑવ્ અ ક્રિશ્ચિયન સોસાયટી’ (1939) તથા ‘નોટ્સ ટૉઅર્ડ્ઝ ધ ડેફિનિશન ઑવ્ કલ્ચર’ (1948) એમના સામાજિક વિવેચનાના ગ્રંથો છે.

એલિયટનું ત્રીજું પ્રદાન પદ્યનાટકના ક્ષેત્રે છે. કવિતાના ત્રીજા સૂરના એ સારા નમૂના છે. ‘મર્ડર ઇન ધ કથિડ્રલ’ (1935, અસલ નામ ‘ફિયર ઇન ધ વે’), ‘ધ ફેમિલી રીયૂનિયન’ (1939), ‘ધ કૉક્ટેલ પાર્ટી’ (1950, અસલ નામ ‘વન-આઇડ રાઈલી’), ‘ધ કૉન્ફિડેન્શલ ક્લાર્ક’ (1953) અને ‘ધી એલ્ડર સ્ટેટ્સમૅન (1958, અસલ નામ ‘રેસ્ટ ક્યોર’) – આ પાંચ એમનાં પ્રમુખ પદ્યનાટકો, જેમાંનાં કેટલાંકની ભજવણીએ એલિયટને ખૂબ પ્રસિદ્ધિ અને પૈસો રળાવી આપ્યાં. એલિયટ પૂર્વેના ગદ્યનાટકોની સામે રૉબર્ટ બ્રાઉનિંગની નાટ્યાત્મક એકોક્તિઓની અસર તળે જાણે એલિયટે એમનાં પદ્યનાટકોમાં પરંપરાગત કાવ્યનાટકનું પુનરુત્થાન કર્યું છે, જેમાં કલ્પનો-રૂપકોના સહારે કલ્પના અને ઊર્મિને તીવ્ર બનાવી અનુભૂતિની સીમાનો વિસ્તાર કર્યો છે. એલિયટના નાટ્યખયાલો અને નાટ્યસિદ્ધાન્તોને કલાત્મક રૂપ આપવાના સર્જનાત્મક પ્રયોગો લેખે આ પદ્યનાટકો અંગ્રેજી સાહિત્યમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.

કવિ-વિવેચક એલિયેટનો વીસમી સદીના અંગ્રેજી તેમજ સમગ્ર યુરોપીય સાહિત્ય અને વિશ્વસાહિત્યના પ્રવાહ પર પ્રભાવ પડેલો છે.

ધીરુ પરીખ