એલકુંચવાર, મહેશ (જ. 9 ઑક્ટોબર 1939, પર્વા, જિ. યવતમાલ, મહારાષ્ટ્ર) : મરાઠી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘યુગાન્ત’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વશાસ્ત્રમાં નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. મરાઠી ઉપરાંત તેઓ અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ નાગપુરની ધર્મપેઠ કૉલેજમાંથી અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાનિવૃત્ત થયા.

મહેશ એલકુંચવાર

1967થી તેમણે લેખનપ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમણે નાટકો લખ્યાં છે. તેમાં ‘સુલતાન’ (1970), ‘ગરબો’ (1973), ‘પાર્ટી’ (1981), ‘વાડા ચિરેબંદી’ (1987), ‘આત્મકથા આણિ પ્રતિબિંબ’ (1989), ‘યુગાન્ત’ (1996), ‘વાસનાકાંડ’, ‘રુદ્રવર્ષા’ અને ‘વાસાંસિ જીર્ણાનિ’નો સમાવેશ થાય છે. તેમનાં 3 નાટકોના હિંદી અનુવાદ અને 6 નાટકોના અંગ્રેજી અનુવાદ પ્રગટ થયા છે. ‘ધર્મપુત્ર’, ‘સોનાટા’, ‘એક નતાચા મૃત્યુ’, ‘રક્તંપુષ્પ’, ‘મૌનરાગ’, ‘પશ્ચિમપ્રભા’, ‘ત્રિબંધ’ તેમના નિબંધસંગ્રહો છે. ‘સપ્તક’ તેમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. મુંબઈની રંગાયન, રૂપવેધ, અનિકેત, ઉન્મેષ, થિયેટર યુનિટ અને કલાવૈભવ જેવી માતબર નાટ્યસંસ્થાઓએ તેમનાં નાટકો પ્રસ્તુત કર્યાં છે અને પ્રભાકર પુરાણિક, વિજયા મહેતા, શ્રીરામ લાગુ, અમોલ પાલેકર અને સત્યદેવ દૂબે જેવા દિગ્દર્શકોએ તેમનાં કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યું છે. ગોવિંદ નિહલાનીની હિંદી ફિલ્મ ‘આક્રોશ’માં તેમણે અભિનય કર્યો છે અને તેમની ફિલ્મ ‘પાર્ટી’ની અને કેતન મહેતાની ફિલ્મ ‘હોળી’ની પટકથા તેમણે લખી છે.

તેમને હોમી ભાભા ફેલોશિપ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, નાંદીકર પુરસ્કાર, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, અખિલ ભારતીય નાટ્ય પરિષદ પુરસ્કાર, મહારાષ્ટ્ર ફાઉન્ડેશન પુરસ્કાર અને જીવનવ્રતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાલિદાસ સન્માન, આરતી પ્રભુ પુરસ્કાર, મૃણ્મયી પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘યુગાન્ત’ નાટકમાં વિદર્ભના એક જમીનદાર બ્રાહ્મણ પરિવારની કથા રજૂ કરાઈ છે. તેમાં કૃષિપ્રધાન ભારત અને ‘પરિવાર’ સંસ્થાની પારંપરિક સંસ્કૃતિના સંબંધો, ગામની રચના, જીવનનિર્વાહનાં સાધનોના ધીમે ધીમે થતા જતા નાશની પ્રક્રિયાનું આબેહૂબ ચિત્રાંકન કરવામાં આવ્યું છે. ત્રણ પેઢીઓની તેમની કથા સૌંદર્યપરક અને સામાજિક એમ બંને ર્દષ્ટિએ વિવિધ સંરચનાત્મક નાટકીય અસર પાડતી હોવાથી આ કૃતિ મરાઠીમાં લખાયેલ ભારતીય નાટ્યસાહિત્યનું અપ્રતિમ યોગદાન મનાય છે.

બળદેવભાઈ કનીજિયા