એર્ગ : રેતીના ઢૂંવા કે બારખાન. પવનથી થતી ભૂમિરચનાનું આ નવું સ્વરૂપ છે અને ખાસ કરીને સહરાના રેતાળ સાગરવિસ્તાર માટે આ અરબી શબ્દ વપરાય છે. રેતીઢૂંવા ઉપરથી પવન ઉત્પાતથી ઘસડાઈને રેતી, માટી અને ધૂળ સાગરનાં મોજાં જેવા આકારે સૂકા રણપ્રદેશમાં નિક્ષેપનથી રેતાળ સાગર સર્જે છે. વિલ્સનની રણપ્રદેશોની મોજણી (1970) પ્રમાણે 85 % જેટલા ‘એર્ગ’ એટલે રેતાળ સાગરના વિસ્તારો છે. અરબસ્તાનના પ્રદેશમાં સૌથી મોટો રેતાળ સાગર રૂબ-અલ ખાલી છે. તેનો વિસ્તાર આશરે 5,60,000 ચોકિમી. જેટલો છે.

જ્યોતેન પ્ર. વ્યાસ