એમ્બોયા, ટૉમ

January, 2004

એમ્બોયા, ટૉમ (જ. 15 ઑગસ્ટ 1930, કીલીમા એમ્બોગા નૈરોબી પાસે; અ. 5 જુલાઈ 1969, નૈરોબી) : કેન્યાના સન્માન્ય રાજકીય નેતા તથા સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. તે લુઓ જાતિના હતા અને કેનિયન આફ્રિકન નૅશનલ યુનિયન(KANU)ના એક સ્થાપક હતા. તે સંસ્થા દ્વારા કેન્યાએ સ્વાતંત્ર્ય હાંસલ કર્યું હતું (1963).

શરૂઆતની કારકિર્દી દરમિયાન તેઓ મજૂર મંડળોમાં કામ કરતા હતા અને માઓ માઓ ચળવળ સમયે મુખ્ય નેતા હતા. 1953-67ના ગાળામાં તેઓ મજૂર મંડળોના સામાન્ય મંત્રી હતા અને 1957માં તેમના પ્રતિનિધિ તરીકે ધારાસભામાં ચૂંટાયા હતા. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીની અને ત્યારબાદ અમેરિકાની મુલાકાત લીધા પછી તેમણે પૂર્વ આફ્રિકાના વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવામાં સહાય કરવા 1959માં આફ્રિકન-અમેરિકન વિદ્યાર્થીમંડળની સ્થાપના કરી હતી.

જોમો કેન્યાટાના છુટકારા પછી સ્વાતંત્ર્ય પહેલાં રચાયેલી સરકારમાં તે ન્યાય અને બંધારણીય બાબતોના મંત્રી હતા (1961-1963). 1963માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીની સરકારમાં તે આર્થિક આયોજન અને વિકાસના મંત્રીપદે રહ્યા હતા (1964-1969).

1969માં તેમનું ખૂન થતાં કેન્યાની કિકિયુ તથા લુઓ જાતિઓ વચ્ચે રમખાણો થયાં હતાં.

દેવવ્રત પાઠક