એપૉલો : ઝિયસ પછીનો મોટામાં મોટો ગ્રીક દેવ. તે સૂર્ય, પ્રકાશ, કૃષિ, પશુપાલન, કાવ્ય, ઔષધ અને ગીતોના દેવ તરીકે જાણીતો હતો.

એપૉલો

તે શાશ્વત યૌવન અને સૌંદર્યનું પ્રતીક હતો. તે ઝિયસ અને લીટોનો પુત્ર તથા ઍટ્રેમિસનો જોડિયો ભાઈ હતો. પાયથોન નામના સાપનો નાશ કરીને તે ડેલ્ફીના પ્રદેશમાં વસ્યો હતો. તેના માનમાં ઑલિમ્પિક રમતોત્સવ (ઈ. પૂ. 776) ઊજવાયો તેમ મનાય છે. આ દેવનું અપમાન કરવા બદલ મિડાસ રાજાને તેણે ગધેડા જેવા કાન આપ્યા હતા. ટ્રોજન યુદ્ધમાં ટ્રૉયનો પક્ષ લઈ ગ્રીકોમાં તેણે પ્લેગ ફેલાવ્યો હતો તેમ મનાય છે.

જ. જ. જોશી