એપિસ્ટલ : પત્રસ્વરૂપમાં કાવ્ય. ગ્રીક ભાષામાં ‘એપિસ્ટલ’નો શબ્દશ: અર્થ પત્ર થાય. પત્રસાહિત્યનો વિકાસ પ્રશિષ્ટ ગ્રીક-રોમન કાળથી લઈ આજ લગી ચાલુ રહ્યો છે. યુરોપમાં પુનરુત્થાન કાળ દરમિયાન સર્વત્ર રોમન પત્રસાહિત્યનો મોટો મહિમા થયો હતો. રોમન સંસદ-સભ્ય સીસેરોના અસંખ્ય પત્રોમાં સમાજ અને રાજકારણને લગતા અનેક પ્રશ્નો, વાગ્મિતાસભર શૈલીમાં આલેખાયેલા છે. પ્રજાજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પડેલી વિખ્યાત વ્યક્તિઓએ અંગત પત્રોમાં વસ્તુવિષય અને શૈલીનું એક એવું ઊંચું સ્તર જાળવેલું છે કે આ પત્રો તેના સાહિત્યિક મૂલ્યને કારણે અત્યંત લોકાદર પામ્યા છે. ખ્રિસ્તી ધર્મગુરુઓના પત્રો ધર્મપ્રસારનું માધ્યમ બનેલા છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના અંતર્ગત ભાગ રૂપે પત્રસાહિત્ય ગૂંથાયું છે. સેન્ટ પોલનો પત્ર એક મુખ્ય ઉદાહરણ છે.

છંદોબદ્ધ પત્રકાવ્યોની એક સળંગ પરંપરા છે. ઈ. પૂ. 146માં મ્યુમ્યૂસ અને લૂકલસે પત્રકાવ્યની પરિપાટી બાંધી આપી. રોમન કવિજનો ઓવિડ અને હૉરેસે લાલિત્યમય કાવ્યબાનીમાં લખેલાં અસંખ્ય પત્રકાવ્યોનો પુનરુત્થાનકાળના અનેક ફ્રેંચ અને અંગ્રેજ કવિઓએ રસપૂર્વક અભ્યાસ કર્યો છે. ઓવિડ-હૉરેસ આદિ કવિજનોનાં પત્રકાવ્યો મુખ્યત્વે નીતિવિષયક ફિલસૂફીવિષયક છે, જ્યારે પ્રોપર્ટિયસે કાલ્પનિક પ્રિયતમાને સંબોધતાં એકવીશ પત્રકાવ્યોનો સંગ્રહ ‘હેરૉઇડ્સ’ પ્રગટ કરી પ્રેમવિષયક પત્રકાવ્યોની એક પરંપરા ઊભી કરી. સોળમી સદીમાં ક્લેમેન્ટ મેરોટે ફ્રેંચ કવિતામાં આ પ્રકારને ર્દઢમૂલ કર્યો. અઢારમી સદીમાં વૉલ્તેરે ઉત્તમ પત્રકાવ્યો ‘Epitre a uranie’ રચ્યાં. ઇંગ્લૅન્ડમાં સોળમી સદીમાં સૌપ્રથમ સૅમ્યુઅલ ડૅનિયલે પત્રકાવ્યો રચ્યાં. ટર્ઝા રીમામાં રચાયેલું પત્રકાવ્ય ‘લ્યૂસી કાઉન્ટેસ ઑવ્ બ્રિસ્ટૉલ’ ડૅનિયલની ઉત્તમ કૃતિ ગણાય છે. જૉન ડન, ડ્રાયડન, કીટ્સ, શેલી આદિએ પણ પત્રકાવ્યો રચ્યાં છે. અંગ્રેજી ભાષામાં ઉત્તમ પત્રકાવ્યો ઍલેક્ઝાન્ડર પોપનાં ગણાય છે. અર્વાચીન અંગ્રેજી કવિતામાં ઉત્તમ પત્રકાવ્યોનું પ્રદાન ઑડન દ્વારા થયું છે. લૉર્ડ બાઇરનને ઉદ્દેશીને લખાયેલું પત્રકાવ્ય ઑડનની એક વિખ્યાત કૃતિ ગણાય છે.

નલિન રાવળ