એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ

January, 2004

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ (જ. 1 નવેમ્બર 1518, બર્ગોસ, સ્પેન; અ. 30 ડિસેમ્બર 1552, સ્ટ્રાસ્બર્ગ, જર્મની) : સ્પૅનિશ વિદ્વાન અને માનવતાવાદી લેખક. તેમણે સ્પૅનિશ સુધારણાકાળ (reformation) દરમિયાન મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે બાઇબલના ‘નવા કરાર’નું સ્પૅનિશ ભાષામાં કરેલું ભાષાંતર 1543માં ઍન્ટવર્પમાં પ્રગટ થયું હતું, કારણ કે સ્પેનમાં ધર્માંધોએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કૉન્સ્ટેન્ટિનોપલમાં ‘પ્રૉટેસ્ટંટ કૉલોની’ સ્થાપી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ ગ્રીક ભાષાનું અને સાહિત્યનું અધ્યાપન કર્યું હતું. તે પછી સ્ટ્રાસ્બર્ગમાં રહ્યા હતા.

‘સ્પેનના ધર્મનો ઇતિહાસ’ તથા લિવી અને પ્લૂટાર્કની કૃતિઓનાં તેમણે કરેલાં ભાષાંતરો ફ્રાન્સિસ્કો દ ચેરને અને ડ્રયેન્ડરના ઉપનામથી પ્રગટ થયાં હતાં. તેમણે લૅટિનમાં લખેલાં સંસ્મરણોનું ફ્રેંચમાં ભાષાંતર થયું હતું. પરંતુ તે ઓગણીસમી સદીના મધ્યકાળ સુધી અપ્રગટ રહ્યું હતું.

કૃષ્ણવદન જેટલી