એનેસ્કુ, જ્યૉર્જેઝ

January, 2004

એનેસ્કુ, જ્યૉર્જેઝ (જ. 19 ઑગસ્ટ 1881, લિવેની, રુમાનિયા; અ. 4 મે 1955, પૅરિસ, ફ્રાંસ) : બાખની કૃતિઓના સંચાલન માટે તથા રુમાનિયન શૈલીમાં સ્વસર્જિત કૃતિઓ માટે વિશ્વવિખ્યાત સંગીતકાર અને સ્વરનિયોજક. તેઓ ઉત્કૃષ્ટ વાયોલિનવાદક હતા.

સાત વરસની ઉંમરે તેઓ વિયેના જઈ ત્યાં વિયેના કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને વાયોલિનનો અભ્યાસ કર્યો. 1894માં ખ્યાતનામ જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક જૉહાનિસ બ્રાહ્મસનો પરિચય થયો. બ્રાહ્મસની સિમ્ફનીઓની એનેસ્કુ પર પ્રગાઢ અસર પડી, તેમને આદર્શ માની એનેસ્કુએ પોતાનું સંગીત-સર્જન કર્યું. 1895માં પૅરિસ જઈ તેમણે સ્વરનિયોજનનો અભ્યાસ કર્યો. 1898માં તેમની સિમ્ફનિક પોએમ ‘રુમાનિયન પોએમ’નું પૅરિસમાં વાદન કરવામાં આવ્યું અને તેમની ખ્યાતિ પ્રસરવી શરૂ થઈ.

એનેસ્કુએ જીવનનો મોટો ભાગ પૅરિસમાં વિતાવ્યો હોવા છતાં તેમના સંગીત પર ફ્રેંચ સંગીતની અસર ન-જેવી છે. રુમાનિયન લોકસંગીતને શિષ્ટ સ્વરૂપ આપવામાં તેમનો મુખ્ય ફાળો છે. વાદ્યવૃંદ માટેની તેમની કૃતિઓમાં 3 સિમ્ફનીઓ, 2 રુમાનિયન રહાપ્સોડી અને એક ઑવર્ચરનો સમાવેશ થાય છે. તેમના ચૅમ્બર મ્યૂઝિકમાં 3 વાયોલિન સૉનાટા, 3 પિયાનો સૉનાટા અને 2 સ્ટ્રિન્ગ ક્વાર્ટેટનો સમાવેશ થાય છે. તેમણે એક ઑપેરા ‘ઇડિપી’ (Oedipe) લખ્યો છે, જેનું પ્રથમ મંચન પૅરિસમાં 1936માં થયું હતું. પાછલાં વર્ષોમાં તેઓ રુમાનિયન શૈલીના પુરસ્કર્તા બની રહ્યા અને તેમાં અનેક સ્વરનિયોજકોનું ઘડતર કર્યું. તેઓ સમર્થ વાયોલિન-શિક્ષક પણ હતા. તેમના વિશાળ વિદ્યાર્થી-વૃંદમાંથી યહૂદી મૅન્યુહિને પછીથી વિશ્વના શ્રેષ્ઠ વાયોલિન-વાદકોમાં સ્થાન મેળવ્યું.

અમિતાભ મડિયા