એનક્રુમા, ક્વામે

January, 2004

એનક્રુમા, ક્વામે (જ. 21 સપ્ટેમ્બર 1909; અ. 27 એપ્રિલ 1972, બુખારેસ્ટ, રોમાનિયા) : પશ્ચિમ આફ્રિકાના અગ્રણી સ્વાધીનતાસેનાની, સામ્રાજ્યશાહી-વિરોધી ચળવળના પ્રમુખ નેતા, સ્વતંત્ર ઘાનાના પ્રથમ પ્રધાનમંત્રી (1952) તથા પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ (1960). રોમન કૅથલિક ધર્મની દીક્ષા લીધા બાદ તે પંથના નેજા હેઠળની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. 1930માં સ્નાતક થયા અને કૅથલિક જુનિયર સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ધર્મગુરુ થવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં નામદી એઝિક્વે જેવા કટ્ટર રાષ્ટ્રવાદીઓ સાથે સંપર્ક થતાં રાજકારણ તરફ આકર્ષાયા. અમેરિકાની પેન્સિલવેનિયા ખાતેની લિંકન યુનિવર્સિટીમાંથી 1939માં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. કાર્લ માર્કસ અને લેનિન જેવા સમાજવાદી વિચારકો તથા માક્ર્સ ગૉર્કી જેવા પ્રખર રાષ્ટ્રવાદીઓનાં લખાણોથી ખૂબ પ્રભાવિત થયા અને ત્યારથી પોતાની જાતને ‘બિનસાંપ્રદાયિક ખ્રિસ્તી અને માર્કસવાદી સમાજવાદી’ તરીકે ઓળખાવતા રહ્યા. અમેરિકાના વસવાટ દરમિયાન ત્યાંના આફ્રિકન સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ બન્યા. 1945માં વધુ અભ્યાસાર્થે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા. ત્યાં પશ્ચિમ આફ્રિકન સ્ટુડન્ટ્સ યુનિયન તથા અન્ય સમાંતર રાષ્ટ્રવાદી સંગઠનોમાં સક્રિય બન્યા. ‘Towards Colonial Freedom’(1947)ના પ્રકાશન દ્વારા તેમણે સામ્રાજ્યવાદવિરોધી ઝુંબેશ અંગેની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી.

બંધારણીય રીતરસમ દ્વારા સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સ્થાપવામાં આવેલા યુનાઇટેડ ગોલ્ડ કોસ્ટ કન્વેન્શન(UGCC)ના સામાન્ય મંત્રીનું પદ સ્વીકારવા તે 1947માં સ્વદેશ પાછા ફર્યા. જનજાગૃતિ દ્વારા સર્વસામાન્ય જનસમૂહ સુધી રાષ્ટ્રવાદી ચળવળનો ફેલાવો કરવા સમગ્ર દેશનો પ્રવાસ ખેડ્યો અને તે દરમિયાન ખાસ કરીને યુવા પેઢીને સ્વાધીનતા આંદોલનમાં આકર્ષવા સવિશેષ પ્રયાસ કર્યા. ફેબ્રુઆરી 1948માં દેશમાં વ્યાપક તોફાનો ફાટી નીકળતાં અન્ય નેતાઓની જેમ એનક્રુમાની પણ ધરપકડ કરવામાં આવી, પરંતુ તપાસ પંચ સમક્ષ રજૂઆત કરી શકે તે માટે એપ્રિલ માસમાં તેમને મુક્ત કરવામાં આવ્યા.

યુ.જી.સી.સી. પક્ષની મવાળ તથા ઉદ્દામ પાંખો વચ્ચેના મતભેદો પરાકાષ્ઠાએ પહોંચતાં ઉદ્દામ વિચારસરણી ધરાવતા એનક્રુમાએ સપ્ટેમ્બર, 1948માં ‘આક્રા ઇવનિંગ ન્યૂઝ’ નામથી અલગ વૃત્તપત્ર શરૂ કર્યું તથા જૂન, 1949માં કન્વેન્શન પીપલ્સ પાર્ટી (CPP) નામથી પોતાના પક્ષની સ્થાપના કરી. દેશમાં તાકીદે સ્વાયત્ત શાસનપ્રણાલી દાખલ થાય તે આ પક્ષનું અગ્રિમ ધ્યેય હતું. 1950માં આ પક્ષ તરફથી નક્કર કાર્યક્રમ પર આધારિત ઘોષણાપત્ર જાહેર થયું, તેમાં અહિંસા તથા અસહકારના સિદ્ધાંતો પર આધારિત કાયદેસરનાં અને બંધારણીય પગલાં દ્વારા સામ્રાજ્યવાદી સત્તાઓને છિન્નભિન્ન કરવાના ધ્યેયમાં સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. તે જ અરસામાં દેશમાં અંધાધૂંધી ફેલાતાં એનક્રુમાની ફરી ધરપકડ કરવામાં આવી અને તેમને એક વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી; પરંતુ ફેબ્રુઆરી, 1951માં થયેલ સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષને જ્વલંત વિજય સાંપડ્યો. તે પોતે સંસદના સભ્ય ચૂંટાયા અને તેથી તેમને મુક્ત કરવામાં આવ્યા. દેશના વહીવટીતંત્રના નેતાપદે તેમની વરણી થઈ અને 1952માં તે પ્રધાનમંત્રી બન્યા. માર્ચ, 1957માં ગોલ્ડ કોસ્ટ તથા બ્રિટિશ ટોગોલૅન્ડને સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ઘાના નામથી એક નવા સ્વતંત્ર આફ્રિકન રાષ્ટ્રનો ઉદય થયો. તે સમયે સંસદમાં એનક્રુમાના પક્ષની વિશાળ બહુમતી હતી (104માંથી 72 બેઠકો). દેશમાં શક્તિશાળી વિરોધ પક્ષનો અભાવ હતો. જે અન્ય પક્ષો હતા તે પ્રાદેશિક સ્તરના હતા. આવી એકતરફી પરિસ્થિતિ લોકશાહીના વિકાસ માટે અવરોધક બની શકે તે વિચારથી ડિસેમ્બર, 1957માં એનક્રુમાએ વિરોધ પક્ષોના એકીકરણની પહેલ કરી અને રાષ્ટ્રીય સ્તરના વિરોધ પક્ષની સ્થાપનામાં સક્રિય ફાળો આપ્યો.

ક્વામે એનક્રુમા

1960ના લોકમતથી ઘાના પ્રજાસત્તાક બન્યું અને તેના પ્રથમ પ્રમુખ તરીકે એનક્રુમાની વરણી થઈ. નવા બંધારણમાં પ્રમુખને વિશાળ ધારાકીય અને વહીવટી સત્તાઓ હોવાથી એનક્રુમાના રાજકીય વહીવટમાં સરમુખત્યારશાહી વલણો દેખાયાં. તેમણે અટકાયત ધારો, દેશનિકાલ ધારો વગેરે દ્વારા વિરોધીઓને દૂર કરવા માંડ્યા, વિરોધ પક્ષોને ગૂંગળાવીને પાંગળા બનાવી દીધા. તેમણે સામ્યવાદી રાષ્ટ્રો સાથે ઘરોબો કેળવ્યો તથા સર્વઆફ્રિકાવાદ અને આફ્રિકન મુક્તિના આંદોલનનું નેતૃત્વ લીધું. આ દરમિયાન ગૃહક્ષેત્રે તેઓ પોતાનો કાબૂ જડબેસલાક કરી રહ્યા હતા. કામદાર મંડળો, અખબારો વગેરે ઉપર તેમણે યેનકેન પ્રકારે કાબૂ જમાવ્યો. કાવતરાં અને કટોકટીના બહાને વધુ સત્તાઓ મેળવી. બીજી બાજુ ભ્રષ્ટાચાર, બેફામ ખર્ચા અને ખોટા આયોજનના કારણે સ્થિતિ વણસતી જતી હતી. 1964માં એક-પક્ષ-પ્રથા જાહેર કરવામાં આવી અને એનક્રુમાને આજીવન પ્રમુખ બનાવવામાં આવ્યા. પોતાની નીતિ અને લક્ષ્યોને તેમણે કન્સેન્સિઝમ(એનક્રુમાવાદ)નું નામ આપી એક વિશિષ્ટ વિચારધારા રજૂ કરવાની કોશિશ કરી.

1962માં તેમની હત્યા કરવાનો પહેલો પ્રયાસ થયો. 1964માં એકપક્ષીય રાજ્યવ્યવસ્થા સ્થાપીને એનક્રુમા પક્ષના તથા પ્રજાસત્તાકના આજન્મ પ્રમુખ બન્યા. રાજ્યપ્રશાસનમાં નિષ્ઠાવાન તથા કુશળ બુદ્ધિજીવીઓ દાખલ કરવાના એનક્રુમાના પ્રયાસ છતાં દેશમાં તેમના પક્ષના કાર્યકરોની પકડ મજબૂત થતી ગઈ. દેશના અર્થતંત્રનાં મોટાભાગનાં મહત્વનાં ક્ષેત્રો પર વિદેશી હિતોનું વર્ચસ્ ચાલુ રહ્યું. બીજી તરફ દેશમાં એક નવી, રાજકીય રીતે પરિપક્વ અને સક્રિય કાર્યકરોની હરોળ ઊભી થાય તે માટે એનક્રુમાએ સક્રિય ઝુંબેશ ઉપાડી. સાથોસાથ તેમની વિચારસરણીને વાચા આપતા તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા; દા. ત., ‘આફ્રિકા મસ્ટ યુનાઇટ કૉન્શન્સિઝમ’ ‘નિયૉ-કલોનિયાલિઝમ’ તથા ‘ધ લાસ્ટ સ્ટેજ ઑવ્ ઇમ્પિરિયાલિઝમ’.

દેશની આર્થિક તથા રાજકીય પરિસ્થિતિ જેમ જેમ વણસતી ગઈ તેમ તેમ એનક્રુમા સામેનો અસંતોષ વધતો ગયો. તે ચીનના પ્રવાસે ગયા હતા ત્યારે તેમની ગેરહાજરીનો લાભ લઈ 24 ફેબ્રુઆરી 1966ના રોજ ઘાનાના લશ્કરે બળવો કર્યો, દેશના પ્રશાસન પર લશ્કરની સત્તા લાદવામાં આવી અને એનક્રુમાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. આથી તેમણે પડોશી દેશ ગિનીમાં રાજકીય શરણ સ્વીકાર્યું. ત્યાંના પ્રમુખ સેકુ તૂરે (Sekeu Toure) એનક્રુમાને પોતાના દેશના સહપ્રમુખ તરીકે જાહેર કર્યા. દેશવટા દરમિયાન પણ એનક્રુમાએ આફ્રિકાની કાળી પ્રજાની રાષ્ટ્રવાદી આકાંક્ષાઓને વાચા આપવાનું કાર્ય ચાલુ રાખ્યું. તેમનું ‘હૅન્ડ બુક ઑવ્ રિવોલ્યુશનરી વૉરફેર ક્લાસ સ્ટ્રગલ ઇન આફ્રિકા’ (1968) આ જ ઉદ્દેશને વરેલું છે. તેમનો છેલ્લો ગ્રંથ ‘Class Struggle in Africa’(1970)માં એનક્રુમાએ પોતાની માર્કસવાદી વિચારસરણી પ્રત્યેની વફાદારી તથા ર્દષ્ટિકોણનું ભારપૂર્વક પુનરુચ્ચારણ કર્યું છે.

ઘાનાના પ્રધાનમંત્રી અને પ્રમુખ તરીકેની તેમની કારકિર્દી ભલે વિવાદાસ્પદ ગણાય, છતાં આફ્રિકા ખંડના દેશોની કાળી પ્રજાની રાજકીય આકાંક્ષાઓ અને રાષ્ટ્રવાદી ચળવળને અહિંસક ઓપ આપવામાં તેમનું યોગદાન માનવઇતિહાસમાં ચિરંજીવ ગણાશે.

જયંતી પટેલ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે