એડેનોર, કોન્રાડ

January, 2004

એડેનોર કોન્રાડ (જ. 5 જાન્યુઆરી 1876, કોલોન; અ. 19 એપ્રિલ 1967, બૉન) : બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીના પ્રથમ પ્રમુખ, તેની રાજકીય અને આર્થિક પ્રગતિના પુરસ્કર્તા તથા ‘નાટો’ કરારમાં પ. જર્મનીને મોખરાનું સ્થાન અપાવનાર નેતા. કોલોનના વતની અને તેના નગરપતિ (1919-1933). કૅથલિક સેન્ટર પક્ષના વડા તરીકે તે વાઇમર પ્રજાસત્તાકનાં વર્ષોમાં (1919-1933) પ્રુશિયાના ઉપલા ધારાગૃહના સભ્ય રહ્યા હતા.

કોન્રાડ એડેનોર

હિટલરના સમયમાં (1933-1945) તેમને નાઝી વિચારસરણીનો વિરોધ કરવા માટે બે મહિના કેદમાં રાખવામાં આવ્યા હતા. બીજું વિશ્વયુદ્ધ (1939-45) પૂરું થતાં 1945માં પશ્ચિમી દેશો વતી અમેરિકાના લશ્કરે જર્મનીનો કબજો લીધો ત્યારે તેમને કોલોનના મેયરપદે પુન: સ્થાપિત કરવામાં આવ્યા. તેમણે ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક યુનિયનની સ્થાપના કરી. પશ્ચિમ જર્મનીની બંધારણ સભાના પ્રમુખ અને 1949થી 1963 નવા પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ અને વિદેશમંત્રી બન્યા. 87 વર્ષની વયે તેઓ નિવૃત્ત થયા, પરંતુ સંસદના સભ્ય તરીકે મૃત્યુ સુધી ચાલુ રહ્યા. તેમણે ફ્રાન્સ અને જર્મની વચ્ચેના સંબંધો સુધારવા અને પશ્ચિમના જૂથને મજબૂત કરવા માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા.

એડેનોર પાશ્ચાત્ય મૂલ્યોના હિમાયતી તથા સામ્યવાદના પ્રખર વિરોધી રહ્યા હતા.

દેવવ્રત પાઠક