એગ્રિકોલા, જ્યૉર્જિયસ (જ. 24 માર્ચ 1494, ક્લોશાઉ, સેક્સની, જર્મની; અ. 21 નવેમ્બર 1555, શેમ્નિટ્ઝ) : જર્મન વિદ્વાન, વૈજ્ઞાનિક અને ચિકિત્સક. તેમને આધુનિક ખનિજશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. 1514થી 1518 દરમિયાન લાઇપ્ઝિગ યુનિવર્સિટીમાં શિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1523માં ઇટાલી જઈને ઔષધશાસ્ત્ર, વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને વેનિસમાં ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો.

તેમણે ડૉક્ટરનો વ્યવસાય સ્વીકાર્યો હતો. વળી તેમને શેમ્નિટ્ઝના મેયરનું પદ આપવામાં આવ્યું હતું. રાજનૈતિક કાર્ય સિવાય રાજકારણમાં રસ નહિ. તે ચુસ્ત કૅથલિક હતા. ટૉમસ મૂરે ‘યૂટોપિયા’ લખ્યું તે વખતે એગ્રિકોલા તેમના સેક્રેટરી હતા. ગટેએ તેમની સરખામણી ફ્રાંસિસ બેકન સાથે કરી હતી. તત્કાલીન મહાન પંડિત ઇરેસ્મસે તેમને લેખનપ્રવૃત્તિમાં રસ લેતા કર્યા અને તેમના પ્રથમ પુસ્તકનો આમુખ લખ્યો.

એગ્રિકોલા પરાપૂર્વથી ચાલ્યા આવતા વિચારોથી સ્વતંત્ર વિચારસરણી ધરાવનાર વૈજ્ઞાનિક હતા. ઍરિસ્ટૉટલ અને પ્લિની જેવા ધુરંધરોના વિચારો પણ જો પોતાનાં અવલોકનોને મળતા આવતા ન હોય તો તેમને બાજુ પર મૂકી દેવાની હિંમત તેમણે દર્શાવી હતી.

તેમણે લખેલાં De Re Metallica, 1556 અને De Nature Fossiliumનાં ભાષાંતર થયેલાં છે. પ્રથમ પુસ્તકનું ભાષાંતર અમેરિકાના પ્રમુખ હર્બર્ટ હૂવરે 1912માં પ્રકાશિત કર્યું હતું. તેમના મતે એગ્રિકોલાએ સંશોધન અને અવલોકન(નહિ કે અગાઉના અર્થહીન તર્કો)ના આધારે તેમણે સૌપ્રથમ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો.

જ્યૉર્જિયસ એગ્રિકોલા

ખનિજોમાંથી નવાં ઔષધો શોધી કાઢવાના ઉદ્દેશથી તે ભૂસ્તરશાસ્ત્રના વિષય તરફ વળ્યા હતા, જે પછીથી તેમના જીવનનું મુખ્ય પ્રદાન બની રહેલું. તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયેલ પુસ્તક De Re Metallicaમાં અયસ્કનું ભૂસ્તરશાસ્ત્ર, સર્વેક્ષણ, ખાણનિર્માણ, ખાણોમાં હવાઉજાસ (ventilation), પાણી કાઢવાની વ્યવસ્થા, ખાણિયાના રોગો વગેરે વિષયોની ચર્ચા કરી છે. આ ઉપરાંત અયસ્કનાં આમાપન તથા સજ્જીકરણ(beneficiation)ની ચર્ચા પણ તેમણે કરી છે. ધાતુખનિજોની ઉત્પત્તિ અંગેનો સર્વપ્રથમ તર્કસંગત સિદ્ધાંત રજૂ કરનાર તરીકે તેમની ગણના થાય છે. સેક્સનીમાંની અર્ઝબર્ગ(Erzebirge)ની ખાણોના માહોલમાં ઊછર્યા હોવાથી ખનિજોનાં વિશિષ્ટ અવલોકનો અને નોંધ કરવાની તેમને ટેવ પડેલી, જોકે તેમનાં કેટલાંક ર્દષ્ટિબિંદુઓ અજાયબ (fantastic) હોવા છતાં ઉપયોગી ગણાયાં છે. De Re Metallicaમાં તેમણે ધાતુખનિજ-શિરાઓની ઉત્પત્તિ આ પ્રમાણે રજૂ કરી છે : ભૂપૃષ્ઠની ખડકફાટોમાં થઈને ઊતરતા જતા સપાટીજળમાંથી ભૂગર્ભીય ગરમીથી તૈયાર થતાં જતાં ઉષ્ણજળજન્ય દ્રાવણોના પરિવહન દ્વારા ધાત્વિક ખનિજશિરાઓની નિક્ષેપક્રિયા અવક્ષેપનને કારણે થાય છે. ભૂસ્તરશાસ્ત્ર વિષયનો જે જમાનામાં વિકાસ થયો ન હતો ત્યારે તેમણે ખનિજોને સમાંગ (homogeneous) ખનિજો અને ખડકોને વિષમાંગ (heterogenous) ખનિજો જેવાં નામ આપ્યાં. તેમણે ખનિજો અને ખડકો વચ્ચેનો ભેદ પારખી બતાવ્યો એટલું જ નહિ, ખનિજોને પણ વિવિધ પ્રકારની માટી, ક્ષારીય ખનિજો, રત્નખનિજો, ધાતુખનિજો અને અન્ય ખનિજોમાં વર્ગીકૃત કરી આપ્યાં; ધાતુખનિજનિક્ષેપોને ઉત્પત્તિના આધારે શિરાઓ (veins-vena profounda), રેખાકીય શિરાઓ, સ્તરો અને નિક્ષેપજૂથોમાં વર્ગીકૃત કર્યા. એગ્રિકોલાના સમય અગાઉ ધાતુખનિજ-શિરાઓ પૃથ્વીની ઉત્પત્તિ સાથે જ તૈયાર થયેલી હોવાનું માનવામાં આવતું હતું તે માન્યતાને તેમણે નકારી કાઢી અને સ્પષ્ટપણે સમજાવ્યું કે તે ખડકસહજાત (syngenetic) નથી પરંતુ ખડકપશ્ચાત્ ઉત્પત્તિજન્ય (epigenetic) છે. વળી તેમણે ભૂપૃષ્ઠ પર થતી રહેલી ખડકોની ખવાણક્રિયા અને સલ્ફાઇડયુક્ત ધાતુખનિજોની વિઘટનક્રિયાનાં સચોટ અવલોકનો પણ રજૂ કર્યાં છે.

બીજા પુસ્તકમાં ખનિજોનાં તેમના ભૌતિક ગુણધર્મો અને ભૌમિતિક આકારો ઉપર આધારિત વર્ગીકરણો મૂક્યાં છે. નદીઓને કારણે થતો ઘસારો તથા તેનાથી થતી સ્તરજમાવટ  પર્વતનિર્માણ ઉપર થતી અસરો પણ તેમણે નોંધી છે. જે જમાનામાં રસાયણશાસ્ત્રનો ખાસ વિકાસ થયેલો ન હતો તે સમયે પણ તેમણે ‘સાદા પદાર્થો’ અને ‘સંયોજનો’ વચ્ચેનો ભેદ પારખ્યો હતો.

એગ્રિકોલાનાં અવલોકનો પરથી કાષ્ઠકોતરણીચિત્રો (woodcuts) ઉપસાવવામાં આવેલાં છે. આ પ્રકારનાં ચિત્રણો અને તેનાં લખાણો 1518ના Von Kalbe’s ‘Bergbiichlein’માંથી મળી રહે છે.

ધાતુખનિજ-ઉત્પત્તિના અભ્યાસ માટે પ્રથમ કક્ષાનો મૌલિક ફાળો આપનારાઓમાં એગ્રિકોલાનું નામ મોખરે આવે. વૈજ્ઞાનિક વિચારધારામાં પ્રગતિ લાવનાર અને પછીના લેખકોના વિચાર પર વિશિષ્ટ અસર મૂકી જનાર એગ્રિકોલાને ખનિજવિજ્ઞાન ભૂલી શકે તેમ નથી.

ગિરીશભાઈ પંડ્યા

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી