એકો ઉપગ્રહ (Echo satellites) : સંદેશાવ્યવહાર માટેનો નિષ્ક્રિય પ્રકારનો બલૂન ઉપગ્રહ. તેની રચનામાં પૉલિયેસ્ટર બલૂનની બહારની સપાટી ઉપર ઍલ્યુમિનિયમનું 0.0013 સેમી. જાડાઈનું અત્યંત પાતળું (સિગારેટના પાકીટ ઉપરના સેલોફેનના પેકિંગની અડધી જાડાઈ જેટલું) ચળકતું પડ ચડાવેલું હોય છે. તેનો ઉપયોગ રેડિયો-તરંગોનું પરાવર્તન કરીને, યુરોપ-અમેરિકા વચ્ચે ટેલિફોન અને ટેલિવિઝનની આપ-લે માટે કરવામાં આવેલો. એકો પ્રકારના બે ઉપગ્રહ છે : (1) એકો I અને (2) એકો II. આ ઉપગ્રહની ભ્રમણકક્ષા સંપૂર્ણ વર્તુલાકારને બદલે દીર્ઘવૃત્ત (ellipse) પ્રકારની હોય છે. ઉપગ્રહની વાસ્તવિક ભ્રમણકક્ષા નિશ્ચિત અપભૂ (perigee) અને નિશ્ચિત ઉપભૂ (apogee) ઊંચાઈ ધરાવતી દીર્ઘવૃત્તીય છે. (ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ઘૂમતો હોય ત્યારે ભ્રમણકક્ષામાંના સૌથી ઓછી ત્રિજ્યાવાળા બિંદુને અપભૂ અને સૌથી વધારે ત્રિજ્યાવાળા બિંદુને ઉપભૂ કહે છે.)

એકો I : આ ઉપગ્રહને 1960ના ઑગસ્ટની બારમી તારીખે (પ્રખર ભારતીય વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની જન્મતારીખ પણ 12 ઑગસ્ટ છે) અમેરિકાના કેપ કૅનેડી મથકેથી પ્રક્ષેપણ (launching) કરીને પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો હતો. વજન 73 કિગ્રા.; અપભૂની ઊંચાઈ 1,570 કિમી.; ઉપભૂની ઊંચાઈ 1,755 કિમી.; ભ્રમણકક્ષાતલ વિષુવવૃત્તને 47.2o ખૂણે ઢળતું એટલે કે ઉપગ્રહનો નમનકોણ 47.2o, ભ્રમણકાળ 118.2 મિનિટ; ફૂલેલા બલૂનનો વ્યાસ 30 મીટર. પરિભ્રમણનો સમય ચોકસાઈપૂર્વક નક્કી થયેલો હોવાથી લોકો આ કુતૂહલ જોવા સમયસર હર્ષભેર ઊમટતા. તેના દ્વારા અનેક ટેલિફોન સંવાદો અને દૂરદર્શન કાર્યક્રમો પ્રસારિત થઈ શક્યા હતા. અમેરિકન પ્રમુખ સ્વ. આઇઝેનહોવરની તસવીર, આ ઉપગ્રહ દ્વારા સૅડર રૅપિડ્ઝથી ડલાસ સુધી મોકલી શકાઈ હતી.

એકો II : આ ઉપગ્રહ અમેરિકા અને તત્કાલીન સોવિયેત રશિયાના સૌપ્રથમ સંયુક્ત ઉપક્રમે 1964ના જાન્યુઆરીની એકવીસમી તારીખે તરતો મૂકવામાં આવ્યો હતો. વજન આશરે 249 કિગ્રા.; ભ્રમણકક્ષામાં અપભૂની ઊંચાઈ 872 કિમી.; ઉપભૂની ઊંચાઈ 1362 કિમી.; ભ્રમણકાળ 109 મિનિટ; નમનકોણ 81.5o. આ ઉપગ્રહથી પરાવર્તન દ્વારા ઇંગ્લૅન્ડમાં આવેલી માન્ચેસ્ટરની જૉડ્રેલ બૅન્ક વેધશાળા અને તત્કાલીન સોવિયેત રશિયાની ઝીમાન્કી વેધશાળા વચ્ચે રેડિયો-સંદેશાનો વિનિમય થઈ શક્યો હતો.

કાંતિલાલ મોતીલાલ કોટડિયા