એઉક્રતિદ (યુક્રેટિડિસ): દિમિત્રનો પ્રતિસ્પર્ધી યવન રાજા (ઈ. પૂ. ત્રીજી શતાબ્દીની પૂર્વાર્ધ). બૅક્ટ્રિયાનો બાહલિક રાજા દિમિત્ર ભારત ઉપર ચઢાઈમાં રોકાયેલો હતો. તે દરમિયાન બૅક્ટ્રિયાનું રાજ્ય એઉક્રતિદ (એના સિક્કા પરના પ્રાકૃત લખાણમાં ‘એઉક્રતિદ’ રૂપ પ્રયોજાયું છે) નામે યવન પ્રતિસ્પર્ધીએ પડાવી લીધું, પણ આ સમાચાર મળતાં ડિમેટ્રિયસ તરત જ બાહલિક પાછો ફર્યો ને પોતાનું મૂળ રાજ્ય પાછું મેળવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો. આમ દિમિત્રે હિંદ લેવા જતાં બાહલિક ખોયું. તેણે એઉક્રતિદી નામે નવું નગર વસાવ્યું (ઈ. પૂ. 171). એઉક્રતિદે વાયવ્ય ભારત પર આક્રમણ કરી કેટલોક પ્રદેશ જીતી લીધો. પરિણામે તક્ષશિલાની આસપાસના પશ્ચિમ પ્રદેશમાં એઉક્રતિદના વંશની અને શાકલની આસપાસના પૂર્વ પ્રદેશમાં એઉથિદિમ(દિમિત્રના પિતા)ના વંશની – એમ બે યવન રાજકુળોની સમાંતર સત્તા પ્રવર્તેલી. દિમિત્ર થોડા વખતમાં મૃત્યુ પામ્યો, પરંતુ એના ઉત્તરાધિકારીઓએ એઉક્રતિદની સત્તાનો સતત સામનો કર્યો હતો. ડિમેટ્રિયસની જેમ એઉક્રતિદે પણ ગ્રીક-ખરોષ્ઠી લિપિમાં દ્વિભાષી લખાણ કોતરેલા સિક્કા પડાવ્યા હતા. જસ્ટિનની નોંધ પ્રમાણે એઉક્રતિદ બૅક્ટ્રિયાથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના પુત્રે તેનું ખૂન કર્યું (લગભગ ઈ.પૂ. 150). તે કદાચ હેલિઓકલીસ હશે. એના પુત્ર હેલિઓકલીસના સમયમાં પહલવો અને શકોએ બાહલિક જીતી લઈ ત્યાંની યવન સત્તાનો અંત આણ્યો. પછી બાહલિકના યવનોની સત્તા ગંધારમાં સીમિત રહી. યુથીડેમસના તથા એઉક્રતિદના કુળના ત્રીસેક યવન રાજાઓના સિક્કા મળે છે. એપોલોડોટસ પહેલો એ ડિમેટ્રિયસનો ઉત્તરાધિકારી હતો અને એના સિક્કા પર એઉક્રતિદે પોતાની છાપ પડાવી હતી. એ પરથી એનો કેટલોક પ્રદેશ એઉક્રતિદના કબજામાં ગયો લાગે છે. તેના નાના સિક્કાઓ ‘ઓબોલ’ તરીકે ઓળખાય છે. તે દ્રમ્મના છઠ્ઠા ભાગના હતા. સૌરાષ્ટ્રમાંથી આ સિક્કાઓ મળવાને કારણે તેનું શાસન સૌરાષ્ટ્ર ઉપર હશે એવું એક મંતવ્ય છે. પહેલાંના રાજ્યનો પશ્ચિમ પ્રદેશ એઉક્રતિદના પુત્ર હેલિઓકલીસે જીતી લીધો જણાય છે. ઍન્ટિઅલ્સીડાસ હેલીઓકલીસની સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. હરમેસ (Hermaeus) એ એઉક્રતિદના વંશનો છેલ્લો રાજા હતો. એ કાબુલ પ્રદેશ ઉપર રાજ્ય કરતો. એના કેટલાક સિક્કા પર એનું તથા એની રાણી કલિયપાનું ઉત્તમાંગ તેમજ નામ અંકિત થયેલાં છે. સંભવત: એ રાણી યુથીડેમસના કુળની હતી અને એનાં લગ્ન દ્વારા આ બે પ્રતિસ્પર્ધી યવન રાજકુળો વચ્ચે મૈત્રીસંબંધ સધાયો હતો; પરંતુ પહલવ રાજા ગૌંદોફર્ણે કાબુલ પ્રદેશ જીતી લઈ ત્યાંની યવન સત્તાનો અંત આણ્યો. આ ઘટના ઈ. સ.ની પહેલી સદીના પૂર્વાર્ધમાં બની.

યતીન્દ્ર દીક્ષિત