ઍસ્ટ્રૉલૅબ : ઈ. પૂ. ત્રીજી સદીમાં ખગોળીય પદાર્થોનાં સ્થાન તેમજ ઊંચાઈ નક્કી કરવા માટે ગ્રીસમાં ઉપયોગમાં લેવાયેલું વિશ્વનું પ્રાચીન ઉપકરણ. ગ્રીક ભાષામાં astro = તારો અને labio = શોધક ઉપરથી આ ઉપકરણને ઍસ્ટ્રૉલૅબ (તારાશોધક – star finder) એવું નામ આપવામાં આવ્યું. તેનું કાર્ય ખગોળીય પદાર્થની ઊંચાઈ ઉપરથી સમય તેમજ નિરીક્ષકનું સ્થાન – તેના અક્ષાંશ નક્કી કરવાનું હોય છે. મધ્યયુગના અંતે (1300ની આસપાસ), સૂર્યના દિકપાત(declination)ની સારણીનો ઉપયોગ કરીને, ઍસ્ટ્રૉલૅબને નૌસંચાલનના સાધન તરીકે વિકસાવવામાં આવ્યું (દિકપાત = ખગોળીય વિષુવવૃત્તથી ઉત્તર-દક્ષિણ કોણીય અંતર). અઢારમી સદીમાં ઍસ્ટ્રૉલૅબનું સ્થાન ‘સૅક્સટન્ટ’ નામના ઉપકરણે લીધું હતું.

ઍસ્ટ્રૉલૅબ

પ્રારંભનું ઍસ્ટ્રૉલૅબ રિંગથી લટકાવેલ અને તેની ધાર પર અંશ અંકિત કરેલા વર્તુળાકાર સ્કેલ સાથેનું, લાકડાની તકતી સ્વરૂપે હતું. આ તકતીની મધ્યમાં સૂર્ય કે તારાની દિશામાં ગોઠવી શકાય તેવો પિન ઉપર જડેલો એક પૉઇન્ટર હતો. પછીના ઍસ્ટ્રૉલૅબની રચનામાં આશરે 7.5થી 25 સેમી. વ્યાસની પિત્તળની બે સમતલ વર્તુળાકાર તકતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. બેમાંની એક તકતી જે ‘rete’ તરીકે ઓળખાય છે, તેમાં સૂર્ય અને ગ્રહોના પથ તથા પ્રકાશિત તારાઓને તેમનાં નામ સાથેનાં પૉઇન્ટર વડે દર્શાવેલાં હોય છે. ‘tympan’ નામથી ઓળખાતી બીજી તકતી પર શિરોબિંદુ (zenith), ક્ષિતિજ (horizon) અને આપેલા કોઈ અક્ષાંશ માટે ઊંચાઈ (altitude) તેમજ દિગંશ (azimuth) દર્શાવતી રેખાઓ કોતરેલી હોય છે. આ તકતીની ધાર પર કલાકના માપ અંકિત કરેલો એક સ્કેલ હોય છે.

અવલોકન માટે ઍસ્ટ્રૉલૅબની તકતીની પાછળની બાજુ ઉપયોગમાં લેવામાં આવે છે. તેની ધાર ઉપર અંશમાં કોતરેલું એક વર્તુળ હોય છે. ‘આલિડેડ’ (alidade) તરીકે ઓળખાતા પૉઇન્ટર કે જોવા માટેની પટ્ટી(sighting bar)ની મદદથી સૂર્ય કે તારાની ઊંચાઈ નક્કી કરી શકાય છે. મથાળે રહેલી રિંગ વડે ઍસ્ટ્રોલૅબને ઊર્ધ્વ રૂપે લટકાવીને આલિડેડની મદદથી તારાની ઊંચાઈ માપી શકાય છે. ત્યારબાદ reteને એવી રીતે ફેરવવામાં આવે છે કે tympan ઉપરની ઊંચાઈની રેખા પર જે તે તારાનું બિંદુ રહે. આ ઉપરથી ક્ષિતિજ પર તારાના દિગંશ તથા ઊંચાઈનું માપ વાંચી શકાય છે.

ત્રિપાર્શ્વ કાચવાળું ઍસ્ટ્રૉલૅબ : તારાની ઊંચાઈ 600 હોય ત્યારે સમય નક્કી કરવા માટેનું આ પ્રકાશીય ઉપકરણ છે. સર્વેક્ષક અને નાવિક (navigator) માટે અક્ષાંશ તેમજ રેખાંશમાં સ્થાન તથા સમય નક્કી કરવા માટે તે ઉપયોગી છે. તેની રચનામાં સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ડિગ્રી સ્કેલ પર ગોળ ફરે તેવું એક દૂરબીન હોય છે. ચુંબકીય સોયની મદદથી સ્કેલનો શૂન્ય ડિગ્રી માટેનો કાપો, ઉત્તર દિશામાં ગોઠવવામાં આવે છે. દૂરબીનના વસ્તુકાચની સામે 600 ખૂણાનો ત્રિપાર્શ્વ કાચ (prism), તેનો પાયો દૂરબીનની અક્ષને લંબ રહે તેમ રાખવામાં આવે છે. ત્રિપાર્શ્વ કાચની નીચે એક પાત્રમાં પારો રાખીને પારાની કૃત્રિમ ક્ષિતિજ બનાવવામાં આવે છે. આકાશમાં 600ની ઊંચાઈએ આવેલા તારાનું એક પ્રતિબિંબ, પ્રિઝમની એક બાજુ વડે નીપજતા પરાવર્તનથી, સીધેસીધું દૂરબીનના નેત્રકાચમાં દેખાય છે. તારાનું બીજું પ્રતિબિંબ પારાની ક્ષિતિજ પરથી પરાવર્તન પામીને, ત્રિપાર્શ્વ કાચમાં દાખલ થયા પછી પ્રથમ વખતની સપાટીની સામે આવેલી સપાટી દ્વારા પરાવર્તન પામીને નેત્રકાચમાં નજરે પડે છે. નેત્રકાચમાંનાં આ બંને પ્રતિબિંબો એકાકાર થાય અથવા એકબીજાની ખૂબ નજીક આવે, તે વખતના અવલોકન પરથી નિરીક્ષક પોતાના સ્થાન ઉપરથી સમય અથવા સમય ઉપરથી પોતાના સ્થાન વિશેની માહિતી મેળવી શકે છે.

એરચ મા. બલસારા

એસ. જી. નેને