ઍરિઝોના : યુનાઇટેડ સ્ટેટ્સ સંલગ્ન રાજ્યો પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં, 310 21’થી 370 00´ ઉ. અ. અને 1090 03´થી 1140 50´ પ.રે.ની વચ્ચેનો 2,95,276 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનુક્રમે 650 કિમી. અને 550 કિમી. જેટલી છે. કદની ર્દષ્ટિએ દેશમાં તે છઠ્ઠા ક્રમે આવે છે. તેની દક્ષિણે મેક્સિકોનું સોનોરા રાજ્ય, પૂર્વમાં ન્યૂ મેક્સિકો રાજ્ય, ઈશાનમાં કૉલોરાડો રાજ્ય, ઉત્તરમાં ઉટાહ રાજ્ય તથા પશ્ચિમમાં નેવાડા અને કૅલિફૉર્નિયા રાજ્યો આવેલાં છે. આ રાજ્યનો વાયવ્ય ખૂણો દેશનો એકમાત્ર એવો ભાગ છે, જ્યાં ચાર રાજ્યોની સીમા મળે છે. રાજ્યનો ઘણોખરો ભાગ રણવિસ્તાર હોવા છતાં અહીંથી પસાર થતી કૉલોરાડો નદીએ ઘસારાના પરિબળને કારણે જગપ્રસિદ્ધ ‘ગ્રાન્ડ કૅન્યૉન’ની રચના કરી છે, વળી અહીં જ્વાળામુખી પ્રસ્ફૂટનથી બનેલો વિસ્તાર પણ છે.

ભૂપૃષ્ઠ : આ રાજ્યમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને રણ જેવાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. ભૌગોલિક દૃષ્ટિએ રાજ્યને બે વિભાગોમાં વહેંચવામાં આવેલું છે : 1. ઉત્તરનો કૉલોરાડોનો પઠારપ્રદેશ. 2. થાળા-વિસ્તારમાં તેમજ રણનાં મેદાનોમાં આવેલી ગિરિમાળાઓ.

ઍરિઝોના સ્ટેટ કૅપિટૉલ

1. ઉત્તરનો કૉલોરાડોનો પઠારપ્રદેશ : આ વિભાગ રાજ્યના 40 % વિસ્તારને આવરી લે છે. અહીં નદીનાં ઘસારાજન્ય ભવ્ય કોતરો તેમજ સ્તરભંગરચિત પર્વતોના અવશિષ્ટ ભાગો આવેલા છે. આ પૈકીનું કૉલોરાડો નદીએ રચેલું ‘ગ્રાન્ડ કૅન્યૉન’ જગપ્રસિદ્ધ છે. અહીં કાઇબાબ (2,790 મીટર), ઉઇનકારેટ (1,850 મીટર), અને સાન ફ્રાંસિસ્કો જેવા મહત્વના ઉચ્ચપ્રદેશો તથા શંકુ આકારના અનેક જ્વાળામુખીઓ જોવા મળે છે. માઉન્ટ ટ્રમ્બુલ (2,447 મીટર) અહીંનો સૌથી વધુ ઊંચાઈ ધરાવતો જ્વાળામુખી છે. આ ઉપરાંત હમ્ફ્રીઝ (3,851 મીટર), અગાસીઝ (3,761 મીટર) અને ફ્રેમૉન્ટ (3,639 મીટર) જેવાં પર્વત-શિખરો પણ છે. અહીંનું તાપમાન ઉનાળામાં ગરમ અને શિયાળામાં ઠંડું રહે છે.

2. થાળા વિસ્તારમાં તેમજ રણનાં મેદાનોમાંની ગિરિમાળાઓ : અહીં આવેલી ગિરિમાળાઓ 2,150થી 3,400 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. તેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 40થી 120 કિમી. અને 8થી 24 કિમી. જેટલી છે. આ ગિરિમાળામાં બિગબગ, બ્લૅક, ચિરિકાહુઆ, ગૅલીઉરો, ગીલા અને માઝાટઝાલ જેવા મહત્વના પર્વતો આવેલા છે. વિશાળ મેદાનોમાં ડેટ્રિટલ, સાન પેડ્રો, સાન સિમોન, સલ્ફર સ્પ્રિંગ અને સાક્રૅમેન્ટોનો સમાવેશ થાય છે.

રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલું સોનોરન રણ ગીલા રણ તરીકે પણ ઓળખાય છે. તે આશરે 78,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યના પૂર્વ ભાગ કરતાં આ પ્રદેશ પ્રમાણમાં નીચો છે, અહીંનો કોઈ પણ ભાગ 600 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો નથી, સૌથી ઓછી ઊંચાઈ (21 મીટર) ધરાવતું સ્થળ યુમાની નૈર્ઋત્ય તરફ કૉલોરાડોના ખીણ પ્રદેશમાં આવેલું છે.

જળપરિવાહ : રાજ્યની ઉત્તર સરહદેથી પ્રવેશતી કૉલોરાડો નદી દક્ષિણ તરફ વહીને પશ્ચિમે મેક્સિકોની સરહદમાં પ્રવેશે છે અને કૅલિફૉર્નિયાના અખાતમાં ઠલવાય છે. આ ઉપરાંત લિટલ કૉલોરાડો, વર્જિન, બિલ વિલિયમ્સ અને ગીલા જેવી મહત્વની સહાયક નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહીને યુમા પાસે કૉલોરાડો નદીને મળે છે. સૉલ્ટ નદીની સહાયક નદીઓમાં સાન પેદ્રો, અગુઆ ફ્રિયા, વર્ડે, હાસાયામ્પાનો સમાવેશ થાય છે. વળી કેટલીક ઋતુપર્યંત નદીઓ પણ આ રાજ્યમાં આવેલી છે.

રાજ્યના અંતરિયાળ ભાગોમાં પ્રમાણમાં નાનાં કેટલાંક કુદરતી સરોવરો આવેલાં છે, પરંતુ પૂરનિયંત્રણ, સિંચાઈ અને જળવિદ્યુત માટે વિશાળ કૃત્રિમ જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પૈકી નેવાડા-ઍરિઝોના સરહદે હુવર બંધનું મીડ સરોવર, ઍરિઝોનાની મધ્યમાં આવેલા રુઝવેલ્ટ બંધનું રુઝવેલ્ટ સરોવર, દક્ષિણ ઍરિઝોનાનું કાર્લોસ જળાશય મહત્વનાં છે, તે સિવાય પ્લેઝન્ટ, લાયમાન, મોહાવે, હાવાસુ, લાગુઆના અને ઇમ્પિરિયલ જેવાં જળાશયોનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય સ્મારકમાંનું વિરાટ ‘કૅકટસ’

આબોહવા : પશ્ચિમ યુ.એસ.નાં રાજ્યોમાં આ રાજ્ય સૂકી આબોહવા ધરાવે છે. રાજ્યની નૈર્ઋત્યમાં આવેલા મેદાની પ્રદેશનું જુલાઈનું સરેરાશ તાપમાન 35o સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 13o સે. જેટલું રહે છે. રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં 250 મિમી. અને બાકીના ભાગમાં 500 મિમી. જેટલો વરસાદ પડે છે. ફિનિક્સ ખાતે જુલાઈનું સરેરાશ તાપમાન 34o સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 12o સે. રહે છે તથા વરસાદ 194 મિમી. જેટલો પડે છે.

વનસ્પતિપ્રાણીસંપત્તિ : આ રાજ્યમાં ઉષ્ણકટિબંધીય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ખડકાળ વિસ્તારમાં અને રણપ્રદેશમાં વિશાળ કદના 15 મીટર કરતાં વધુ ઊંચાઈના સાગુઆરો થોરનું પ્રમાણ અધિક છે. વળી, મેસ્કિવટ, પાર્લોવર્ડે અને આયર્નવુડનું પ્રમાણ પણ વિશેષ છે. અહીં ઘાસના પ્રદેશો પણ છે. પહાડી વિસ્તારોમાં પાઇન, ઓક, ડગ્લાસ-ફર જેવાં વૃક્ષોનું પ્રમાણ પણ વધુ છે. રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં રણ અને પહાડોની વચ્ચે છૂટાંછવાયાં પરંતુ સદાહરિત જંગલો આવેલાં છે. તેમાં મોટેભાગે ઓક, પિનાઇન અને જુનિપર જેવાં વૃક્ષો જોવા મળે છે. 1,500થી 2,000 મીટરની ઊંચાઈએ શંકુદ્રુમ જંગલો આવેલાં છે. ગ્રાન્ડ કૅન્યૉન વિસ્તારમાં આવેલાં જંગલોમાં ઍશ, ચેરી, વૉલનટ, વિલો, કૉટનવુડ, સાઇકામૅર જેવાં વૃક્ષો જોવા મળે છે. આ રાજ્યના ફૂલ તરીકે વિશાળ થોર ‘સાગુરારો’ને તથા વૃક્ષ તરીકે પોલોવર્ડેને માન્ય કરાયેલાં છે.

રાજ્યમાં પ્રાણીવૈવિધ્ય પણ જોવા મળે છે. પહાડી પ્રદેશોમાં મ્યુલ હરણ, બુરો હરણ અને શ્વેતપુચ્છ હરણ જોવા મળે છે; આ ઉપરાંત જંગલી ભુંડ, જંગલી ભેંસ, કાળાં અને કથ્થાઈ રીંછ, વરુ, જંગલી કૂતરાં જેવાં પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે.

અહીં 400 પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે, તેમાં યાયાવર પક્ષીઓનો પણ સમાવેશ થઈ જાય છે. સરીસૃપોનું પ્રમાણ પણ વિશેષ છે, તેમાં ગિલા (ઝેરી), કિંગ, કોરલ અને ગૉફેર સાપ મુખ્ય છે. આ સિવાય પાલતુ પશુઓમાં ગાય, ઘેટાં-બકરાં અને ઘોડા વગેરેનો સમાવેશ થાય છે.

ખનિજસંપત્તિ : આ રાજ્ય તાંબું, જસત, ગ્રૅવલ, રત્નો, મોલિબ્ડેનમ, રેતી, ચૂનો, ખનિજતેલ, મગેનીઝ, યુરેનિયમ, ટંગસ્ટન, કોલસો, સોનું જેવી ખનિજસંપત્તિથી સમૃદ્ધ છે.

જમીન : રાજ્યના ઈશાનભાગની ભૂમિ ઉચ્ચપ્રદેશીય હોઈ ખડકાળ છે. ભૌતિક ખવાણને કારણે કેટલીક જમીનો રાતા રંગવાળી જોવા મળે છે. થાળાવિસ્તારની જમીનો રાખોડી રંગની તથા મધ્યભાગની જમીનો ક્ષારીય છે.

ખેતીસિંચાઈ : પ્રાગૈતિહાસિક કાળ દરમિયાન અહીંના આદિવાસીઓ સિંચાઈથી ખેતી કરતા હશે એવા અવશેષો મળી આવેલા છે. 1860માં સર્વપ્રથમ વાર બ્રિટિશ લોકોએ સિંચાઈ કરીને ખેતીનો પ્રારંભ કરેલો. 1911માં તેમણે રૂઝવેલ્ટ બંધ બાંધીને જળસંગ્રહ કરવાના વિચારને અમલમાં મૂકેલો. તે પછી તો અહીં ઘણાં જળાશયોનું નિર્માણ થયું. રાજ્યની ખેતી હેઠળની કુલ જમીનના 95 % ભાગને આજે સિંચાઈ મળે છે. રાજ્યના મુખ્ય પાકોમાં ઘઉં, કપાસ, મકાઈ, શાકભાજી (બટાટા મુખ્ય), ખાટા રસવાળાં ફળો અને સૂકા ઘાસનો સમાવેશ થાય છે.

ઉદ્યોગો : રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પશુઓ, કપાસ, તાંબુ અને આબોહવા મુખ્ય પરિબળો ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી વીજાણુઉદ્યોગ અને પ્રવાસન-ઉદ્યોગે હરણફાળ ભરી છે. શસ્ત્રો, વિમાનો, વીજાણુયંત્રો બનાવવાના ઘણા એકમો સ્થપાયા છે. આ ઉપરાંત, ખાદ્યસામગ્રી, રસાયણો અને પરિવહનનાં સાધનોના એકમો પણ વિકસ્યા છે. ખાણઉદ્યોગનું મહત્ત્વ પણ વિશેષ છે.

પરિવહન : આ રાજ્યને રેલમાર્ગો, સડકમાર્ગો અને હવાઈ માર્ગોનો લાભ મળ્યો છે. 1927માં અહીં સર્વપ્રથમ વાર હવાઈ સેવાનો પ્રારંભ થયેલો. 2000માં અહીં રેલમાર્ગોની લંબાઈ આશરે 3,200 કિમી. જેટલી, સડકમાર્ગોની લંબાઈ આશરે 88,000 કિમી. જેટલી હતી. રાજ્યમાં 309 જેટલાં હવાઈમથકો આવેલાં છે, તે પૈકી 83 હવાઈમથકો જાહેર જનતા માટે ઉપયોગી છે. 108 જેટલાં હેલીપૅડ છે, તે પૈકી 104 ખાનગી માલિકીનાં છે.

પ્રવાસન : આ રાજ્યનું કુદરતી સૌંદર્ય અને આબોહવા પ્રવાસીઓને આકર્ષે છે. તે પૈકી ગ્રાન્ડ કૅન્યૉન વિશેષ ઉલ્લેખનીય છે. તે ઉપરાંત નૅશનલ પાર્ક, ફિનિક્સ આર્ટ મ્યુઝિયમ, તેમજ પ્રાચીન સ્થાપત્યો પણ મહત્ત્વનાં છે. દર વર્ષે આશરે 3 કરોડ પ્રવાસીઓ આ રાજ્યની મુલાકાત લે છે.

વસ્તી : 2020 મુજબ આ રાજ્યની વસ્તી 72 લાખ જેટલી છે. અહીં નવાજો, હોપી, અપાચે, પીમા, કોકોપા વગેરે જાતિઓ વસે છે. તેઓ પોતપોતાની પરંપરાગત સામાજિક પ્રથાને લક્ષમાં રાખીને જીવે છે. આ સિવાય અમેરિકી ઇન્ડિયનો, એશિયાઈ-અમેરિકન લોકો અને નીગ્રો જાતિના લોકો વસે છે. આ ઉપરાંત, અહીં મેક્સિકો, કૅનેડા, જર્મની, ઇંગ્લૅન્ડ, ઇટાલી, રશિયા વગેરે દેશોના લોકો પણ રહે છે.

ઇતિહાસ : આશરે 25,000 વર્ષ પહેલાં પણ અહીં માનવવસવાટ હતો એવો અંદાજ મૂકવામાં આવેલો છે. સ્પેનના માર્કોસ દ નિઝાએ 1539માં આ વિસ્તારની ખોજ કરેલી. 1692માં એસેબિયો કિનો નામના પાદરીએ અહીં પ્રથમ ખ્રિસ્તી મઠ સ્થાપેલો. 1776માં લશ્કરે ટકસોન ખાતે પ્રથમ કિલ્લો બાંધેલો. 1821 સુધી તે સ્પેનના વર્ચસ્ હેઠળ રહેલું. ત્યારપછી તે સ્વતંત્ર થયું. 1863માં ભૌગોલિક વિસ્તાર તરીકે તેને સંગઠિત કરવામાં આવ્યું હતું. 1912માં યુ.એસ.ના 48મા રાજ્ય તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. સરકાર દ્વારા અહીં ઘણી હવાઈ પટ્ટીઓ બાંધવામાં આવી. 1974માં કૉલોરાડો નદી પર ‘સેન્ટ્રલ ઍરિઝોના પ્રૉજેક્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નીતિન કોઠારી

અમી રાવલ