ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ

January, 2004

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ : રાજકીય અટકાયતીઓ અને કેદીઓ પ્રત્યે અમાનુષી વર્તાવ તેમજ માનવહકનાં ઉલ્લંઘનો સામે દુનિયાનો લોકમત જાગ્રત કરતી લંડનસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા. માનવહકનો પ્રસાર અને તેનું સંવર્ધન તેનાં મુખ્ય કાર્ય રહ્યાં છે. સાર્વત્રિક ન્યાય અને સ્વાતંત્ર્ય માટે ઝઝૂમનાર અને તે દ્વારા શાંતિ પ્રસરાવનાર સંસ્થા તરીકે તેને 1977માં શાંતિનું નોબેલ પારિતોષિક અર્પણ કરાયું હતું. ઍમ્નેસ્ટી ગ્રીક શબ્દ ‘એમ્નેસિયા’ (amnesia) ઉપરથી આવ્યો છે; તેનો અર્થ સાર્વભૌમ સત્તાએ બક્ષેલી ક્ષમા એવો થાય છે. કાંટાળા તારથી વીંટાયેલી બળતી મીણબત્તી સંસ્થાના પ્રતીક તરીકે રાખવામાં આવી છે, જે તેના મુશ્કેલ કાર્યનો સંકેત આપે છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલની મુદ્રા

આ સંસ્થા મે 28, 1961ના રોજ પીટર બેનેનસન (હંગેરી, દ. આફ્રિકા તથા સ્પેનમાં રાજકીય કેદીઓના રક્ષણ તેમજ મુક્તિ માટે વકીલાત કરનાર) દ્વારા શરૂ કરવામાં આવી હતી. 1961થી 1975 દરમિયાન સાન મેકબ્રાઇડ (1974નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર) તેના પ્રમુખ રહ્યા હતા.

માત્ર સભ્યોનાં ફાળા અને ફી ઉપર નભતી આ સંસ્થામાં 1966માં માત્ર 8 વ્યક્તિનો સ્ટાફ હતો, જે 1986માં વધીને 150 જેટલો થયો છે. 57 દેશોમાં તેની શાખાઓ છે અને 100 દેશોમાં તેના 1,00,000 (2001) જેટલા સભ્યો છે. 1961થી 1977 સુધીમાં તેની દ્વારા 10,600 જેટલા અટકાયતીઓ મુક્ત કરાયા હતા. માનવહક વિશે દુનિયાભરમાંથી માહિતી એકત્રિત કરતી, તે વિશે જરૂરી સંશોધન તથા તપાસ કરતી અને માનવહકની જાળવણી માટે ઠેર ઠેર સંઘર્ષ ચલાવતા સમુદાયો અને મંડળો સાથે સતત સંપર્ક રાખતી આ સંસ્થા વિશ્વના દેશોની સરકારોની માનવહક વિશેની નીતિ ઉપર ચાંપતી નજર રાખે છે, તેમને ખુલ્લા પાડવામાં અચકાતી નથી અને તે રીતે માનવહકની સુરક્ષા કરતી રહે છે.

માનવીય ગૌરવનું સંગોપન અને પ્રતિષ્ઠાનું કાર્ય કરતી આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી 1984માં બહાર પાડવામાં આવેલા ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઑવ્ હ્યુમન રાઇટ્સ’ને માનવહકના પરિપાલનના ધોરણ તરીકે સ્વીકારે છે અને તેના પરિપ્રેક્ષ્યમાં વિશ્વના દેશોની સરકારોની માનવહક અંગેની નીતિનું મૂલ્યાંકન કરે છે. કોઈ પણ દેશ વિશે ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ તરફથી પ્રગટ થતા માનવહક અંગેના અહેવાલો વિશ્વસનીય અને આધારભૂત ગણાય છે. 1998માં બહાર પડેલ તેના અહેવાલમાં 1997 સુધીની તે અંગેની વિગતો આપવામાં આવી છે.

સ્વૈચ્છિક સંસ્થા (Non Governmental Organization – NGO) તરીકે આ સંસ્થાને સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપેલી છે.

દેવવ્રત પાઠક