ઍપલ : ભારતનો પ્રાયોગિક કક્ષાનો પહેલો સંદેશાવ્યવહાર ઉપગ્રહ. યુરોપીયન અંતરિક્ષ સંસ્થાના ભૂ-સમક્રમિક (geosynchronous) ઉપગ્રહ – પ્રક્ષેપન રૉકેટ એરિયન (Ariane) દ્વારા ફ્રેંચ ગિયાનાના કુરુ પ્રક્ષેપન મથક પરથી 19 જૂન 1981ના રોજ ઍપલને ટ્રાંસફર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ઍપલમાં મૂકેલી SLV-3 રૉકેટના ચોથા તબક્કાની રૉકેટ-મોટરનો ઉપયોગ કરીને તેને 36,000 કિમી.ની ભૂ-સમક્રમિક ‘સ્થિર’ ભ્રમણકક્ષામાં 102o પૂર્વ રેખાંશ ઉપર તરતો મૂકવામાં આવ્યો હતો.

પ્રક્ષેપન પહેલાં તથા ટ્રાંસફર ભ્રમણકક્ષામાં ઍપલનું કુલ વજન 650 કિગ્રા. હતું, જ્યારે ભૂ-સમક્રમિક ભ્રમણકક્ષામાં તેનું વજન લગભગ 350 કિગ્રા. હતું. ઍપલ ઉપગ્રહનાં મોટાભાગનાં ઉપ-તંત્રો ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યાં હતાં. તેના સંદેશાવ્યવહાર તંત્રમાં બે ટ્રૅન્સપૉન્ડર રાખવામાં આવ્યાં હતાં. ઍપલ દ્વારા તેના બે વર્ષના અપેક્ષિત આયુષ્ય દરમિયાન સંદેશાવ્યવહારને લગતા ઘણા પ્રયોગો સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા તથા દેશના અમુક મહત્વના બનાવોનું દેશવ્યાપી જીવંત ટેલિવિઝન પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

પરંતપ પાઠક