ઍન્થની ક્વીન (જ. 21 એપ્રિલ 1915,  મિહવાવા, મેક્સિકો; અ. 3 જૂન 2001, બોસ્ટન, માસાચૂસેટસ, યુ. એસ.) : અમેરિકી ચિત્રઅભિનેતા. મૂળ નામ ઍન્તૉનિયો ક્વિનોનેસ. સુવિખ્યાત અમેરિકન અભિનેતા. બાળ-અભિનેતા તરીકેની પશ્ચાદભૂમિકા ધરાવતા આ અભિનેતાનો પુખ્ત વયે પહોંચ્યા પછીનો પહેલો અભિનય ‘પેરોલ’ સિનેકૃતિ(1936)માં. ત્યારબાદ બહુસંખ્ય અભિનયની તેમની કારકિર્દી હોવા છતાં ‘ઑક્સ બો ઇન્સિડેન્ટ’ (1943) સિવાય તેમની પ્રતિભાએ ખાસ ધ્યાન ખેંચ્યું નહોતું.

ટૂંકા ગાળા માટે ‘ઍક્ટર્સ સ્ટુડિયો’માં ‘મેથડ ઍક્ટિંગ’ની શૈલીની તાલીમ પામ્યા બાદ દિગ્દર્શક ઇલિયા કઝાનની ફિલ્મ ‘વિવા ઝપાટા’(1952)માં શ્રેષ્ઠ સહ-અભિનેતા તરીકેનો ઑસ્કાર પુરસ્કાર મેળવીને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સિનેવિવેચકનું ધ્યાન ખેંચ્યું.

ક્વીન ઍન્થની

ક્વીન ઍન્થની

ત્યારબાદ તેમણે કેટલાંક વર્ષો ઇટાલિયન ફિલ્મોમાં અભિનય કર્યો. આ ગાળા દરમિયાનની દિગ્દર્શક ફેલિનીની 1954ની શ્રેષ્ઠ વિદેશી સિને કલાકૃતિ ‘લા સ્ટ્રાડા’માં તેમણે અતિ રુક્ષ, શોષણખોર છતાં કંઈક અંશે માનવીય તેવા મદારી પહેલવાન ‘ઝમ્પા’નો અભિનય કરીને ઉચ્ચ કક્ષાના અભિનેતા તરીકે સિદ્ધિ મેળવી. અમેરિકા ખાતે પાછા ફર્યા બાદ ‘લસ્ટ ફૉર લાઇફ’ 1956માં બીજી વાર ‘શ્રેષ્ઠ સહ-અભિનેતા’નો ઑસ્કાર પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ‘બુકાનીઅર’(1956)ના સિનેકરણ દરમિયાન દિગ્દર્શક સેસિલ બી દ’ મિલની માંદગી સમયે દિગ્દર્શનની જવાબદારી સ્વૈચ્છિક રીતે સંભાળી. ‘ઝોર્બા ધ ગ્રીક’ (1965) દ્વારા તેમણે લોકપ્રિયતા પુન: પ્રાપ્ત કરી અને તેને લઈને કંઈક અંશે મેલી મથરાવટીના તળપદા પણ ટેકીલા પાત્રને સફળતાપૂર્વક ભજવવાની તેમની ક્ષમતા ફરી એક વાર પુરવાર થઈ. તેને પગલે તેમને ‘શૂ ઑવ્ એ ફિશરમૅન’(1968)માં પોપનું રસપ્રદ અને યાદગાર પાત્ર સાંપડ્યું. ત્યારબાદ ‘સિક્રેટ ઑવ્ સાન્તા વિત્તોરિયા’ (1969)માં દ્રાક્ષમાંથી મદ્ય બનાવવાના ગૃહઉદ્યોગ માટે જાણીતા ઇટાલીના અટૂલા ગામના મેયર બામ્બુલીનીનું પાત્ર યુદ્ધની ગંભીર અને તંગ પરિસ્થિતિમાંથી પેદા થતી રમૂજી હળવી ક્ષણોમાં પ્રાણ પૂરીને ભજવ્યું. ‘ગન્સ ઑવ્ નેવરોન’ જેવી યુદ્ધવિષયક લોકપ્રિય ફિલ્મમાં ગ્રેગરી પેક જેવા ગંભીર અભિનેતા સાથે એક અદના સૈનિક તરીકેની ભૂમિકા પાત્રોના સંઘર્ષનું અતિ વાસ્તવિક નિરૂપણ કરીને ભજવી.

અભિનયના વ્યવસાયમાંથી થોડાં વર્ષ છુટ્ટી લઈને એક શાન્ત ટાપુમાં વસી, તાજેતરમાં કાંસ્ય શિલ્પકૃતિઓનું સર્જન કરીને તેમણે અમેરિકામાં પોતાની કૃતિઓનું પ્રદર્શન પણ યોજ્યું હતું.

ઉષાકાન્ત મહેતા