ઍન્તૉનિયોની માઇકલએન્જેલો

January, 2004

ઍન્તૉનિયોની માઇકલએન્જેલો (જ. 29 સપ્ટેમ્બર 1912, ફેરારા, ઇટાલી; અ. 20 જુલાઈ 2007, રોમ, ઇટાલી) : ઇટાલિયન ફિલ્મસર્જક. બૉલોના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સાથે 1935માં સ્નાતક થયા. કારકિર્દીની શરૂઆત વર્તમાનપત્ર માટેનાં લખાણોથી થઈ. શરૂઆતમાં મેન્ટલ હૉસ્પિટલ ઉપર એક વૃત્તચિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો. 1935થી 1939 સુધી બૅન્કમાં નોકરી કરી. 1939માં રોમમાં વસવાટ શરૂ કર્યો. 1940થી 1949ના ગાળા દરમિયાન ફિલ્મ-પત્રોમાં વિવેચન લખવાનું કાર્ય કર્યું. 1942માં સહાયક દિગ્દર્શકનું કામ પણ કર્યું. એક ઇટાલિયન-ફ્રેન્ચ ફિલ્મપ્રૉડક્શન વખતે, ઇટાલિયન પ્રતિનિધિ તરીકે ફ્રાન્સમાં માર્સેલ કાર્નની મુલાકાત થઈ. તેને પરિણામે પ્રખ્યાત ફિલ્મસર્જકો રૉઝેલિની અને ફેલિનીની ફિલ્મોની પટકથા લખવાનો તેમને મોકો મળ્યો. 1943-47 દરમિયાન એક લઘુચિત્ર ‘જેન્ટ દેલ પો’નું દિગ્દર્શન કર્યું. 1957માં બે નાટકોનું પણ દિગ્દર્શન કર્યું. 1960માં ‘લ એવેન્ચ્યુર’ ફિલ્મથી આંતરરાષ્ટ્રીય નામના મેળવી. 1966માં અંગ્રેજી ભાષામાં પહેલી વાર ‘Blow Up’ ફિલ્મ બનાવી. તેના પગલે પગલે ‘ધ નાઇટ’ (1961), ‘બ્લો અપ’ (1966), ‘ઝે બ્રિસ્કી પૉઇન્ટ’ (1969), ‘ધ પૅસેન્જર’ (1975) તથા ‘ધી ઓર્બવેલ્ડ મિસ્ટ્રી’ (1979) જેવાં સુંદર ચિત્રો તેમણે આપ્યાં.

બધા મહાન ઇટાલિયન ફિલ્મસર્જકોમાં ઍન્તૉનિયોની ફિલ્મોમાં વર્તમાનનું પ્રતિબિંબ પડેલું છે. તેમની ફિલ્મોનાં આધુનિક યુગમાં જીવતાં પાત્રોને ભૂતકાળના વારસામાંથી જીવનની પ્રેરણા મળે છે. તેમની ફિલ્મોનો વિષય ગમે તે હોય, પણ સમકાલીન સમાજનો સ્પર્શ તેમાં દેખાયા વગર રહેતો નથી.

માઇકલએન્જેલો ઍન્તૉનિયોની

1950માં બનાવેલી તેમની પ્રથમ ફિલ્મ ‘Cronaca di un Amore’ તે સમયના ચીલાચાલુ વાસ્તવવાદના અભિયાનથી તદ્દન ભિન્ન છે. ઍન્તૉનિયોનીને સત્યના ભોગે સમાધાન સ્વીકાર્ય નથી. તેમની ફિલ્મની કથાઓમાં સૂચક રહસ્ય પ્રેક્ષકોને વિસ્મયમાં અને પાત્રોને નવી પરિસ્થિતિમાં મૂકી દે છે. કદાચ કોઈ પાત્ર ગુનેગાર હોય અને ના પણ હોય. કૅમેરાનાં લાગ ટેઇક્સ અને સંકલનની પ્રયુક્તિઓ જ્યારે ફિલ્મની મુખ્ય ‘ઍક્શન’ ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે પ્રેક્ષકોને લાગે છે કે ઝંઝાવાતનો સામનો કરી રહેલાં પાત્રોની સૃષ્ટિ અનિર્ણીત છે, તેઓ દિશાહીનતા તરફ ધસી રહ્યાં છે. સૌંદર્ય અને તાજગી ધરાવતી ઍન્તૉનિયોની ફિલ્મો એક નવી અનુભૂતિનો આનંદ આપે છે. તેમણે 12 લઘુચિત્રો તથા 17 વૃત્તચિત્રોનું સર્જન કર્યું છે. તેમને, ત્રણ આંતરરાષ્ટ્રીય પારિતોષિકો મળ્યાં છે. ઉપરાંત, તેમણે ચાર સંદર્ભગ્રંથો લખ્યા છે. તેમનાં મોટાભાગનાં કથાચિત્રોનું લખાણ તેમણે જ તૈયાર કર્યું છે. તેમનાં ચિત્રોમાં ઘટના કરતાં પાત્રચિત્રણને વિશેષ મહત્વ અપાય છે. 1985માં હૃદયરોગનો હુમલો થવાથી તેમણે વાચા ગુમાવી હતી છતાં ‘બિયૉન્ડ ધ ક્લાઉડ’ (1995) નામનું ચિત્ર બનાવ્યું. 1995માં તેમને એકૅડેમીનો આજીવન સિદ્ધિ (life time achievement)નો એવૉર્ડ અપાયો હતો.

પીયૂષ વ્યાસ