ઍટમ્સ ફૉર પીસ (Atoms for Peace) : અણુશક્તિના શાંતિમય ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુથી અમેરિકાએ કરેલી ભલામણ. ડિસેમ્બર 1953માં તે સમયના અમેરિકાના પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે (1953-61) આંતરરાષ્ટ્રીય અણુશક્તિ મંડળ(International Atomic Energy Agency)ની સ્થાપના કરવા અંગેની ભલામણ કરી હતી. એટલું જ નહિ, પરંતુ અણુશક્તિના શાંતિમય ઉપયોગને ઉત્તેજન મળતું રહે તે માટે અમેરિકાના અણુશક્તિ કાયદા(1946)માં સુધારા દાખલ કરવા જોઈએ તેવી ભલામણ પણ કરી હતી. 1954માં અમેરિકામાં એક નવો અણુશક્તિ કાયદો પસાર કરવામાં આવ્યો અને તે દ્વારા પરમાણુ ભઠ્ઠીઓ જરૂરી તકેદારી સાથે ખાનગી માલિકી હેઠળ ઊભી કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરાંત, પરમાણુસામગ્રી અને પ્લૂટોનિયમ, યુરેનિયમ-233 તથા યુરેનિયમ-235 જેવી ધાતુઓ ખાનગી ઉપયોગ માટે પટ્ટે આપવાનો પ્રબંધ પણ તે કાયદા હેઠળ કરવામાં આવ્યો હતો. શાંતિમય હેતુ માટે અન્ય રીતે પણ પરમાણુભઠ્ઠીઓના વિકાસને ઉત્તેજન મળે તથા અણુશક્તિના ઉપયોગના અમલને લગતા કાર્યક્રમોને આંતરરાષ્ટ્રીય સહકાર સાંપડે તે દિશામાં આ યોજના હેઠળ કેટલાંક પગલાં લેવામાં આવ્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે