ઍક્સલરોડ, જુલિયસ (Axelrod Julius) (જ. 30 મે 1912, ન્યૂયૉર્ક સિટી) : મેડિસિન અને ફિઝિયૉલોજી શાખાના નોબેલ પારિતોષિક વિજેતા (1970). તેમનાં સહવિજેતા હતા સર બર્નાર્ડ કાટ્ઝ (બ્રિટિશ જૈવ ભૌતિકશાસ્ત્રી) તથા ઉલ્ફ વોન યુલર (સ્વીડિશ દેહધર્મવિજ્ઞાની). તે યુ.એસ.ના જૈવરસાયણ ઔષધશાસ્ત્રી હતા.

જુલિયસ ઍક્સલરોડ

ચેતાતંતુના આવેગ(impulse)ને અવરોધતા ઉત્સેચક-(enzyme)ની શોધ માટે તેમને તે પારિતોષિક એનાયત થયું હતું. તે ન્યૂયૉર્ક યુનિવર્સિટીના બી. એસ. (1933) તથા એમ. એ. (1941) અને જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના પીએચ.ડી. (1955) થઈ, વિવિધ સંસ્થાઓમાં કામ કરી ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’ના ફાર્મકૉલોજી વિભાગના વડા થયા હતા. તેમણે નોર-એડ્રિનલીનને બિનકાર્યરત કરતો ઉત્સેચક શોધી કાઢ્યો હતો. તે પછી સમગ્ર ચેતાતંત્રના ચેતાઆવેગોની સમજ આપતો ઉત્સેચક શોધ્યો અને તેનો ઔષધક્રિયાત્મક (pharmacological) અને ચિકિત્સીય (therapeutical) ઉપયોગ દર્શાવ્યો. કેટલાંક મનોલક્ષી (psychotropic) ઔષધોના સંબંધમાં તેમની શોધને સાંકળીને તેમણે લોહીના ઊંચા દબાણ(hypertension)નો વિકાર તથા વિચ્છિન્નમનસ્કતા (schizophrenia) નામના માનસિક રોગ પર અસર કરતા ઉત્સેચક અંગે પણ સંશોધન કર્યું છે.

હરિત  દેરાસરી