ઍક્યુપંક્ચર

January, 2004

ઍક્યુપંક્ચર : આશરે 5,000 વર્ષ જૂની અને ચીનમાં સૌથી વધુ વિકાસ પામેલી ઉપચારપદ્ધતિ. તેમાં ખાસ પ્રકારની બનાવેલી સોય દર્દીના શરીરમાં ભોંકી દર્દીનો રોગ દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે શરીરના જીવનશક્તિ તરીકે ઓળખાતા પ્રવાહમાં કોઈ અવરોધ પેદા થાય ત્યારે રોગ થાય છે. આથી જો આ અવરોધને દૂર કરવામાં આવે તો રોગ પણ દૂર થઈ જાય છે. તેના માટે શરીરમાં જુદાં જુદાં આશરે 1,000 બિંદુઓ શોધી કાઢવામાં આવ્યાં છે, ત્યાં સોય ભોંકવાથી અમુક ચોક્કસ પ્રકારની અસર પેદા થાય છે. આ બિંદુને ઍક્યુપંક્ચર બિંદુ કહે છે.

ઍક્યુપંક્ચરમાં વપરાતી સોય તાંબાની, સ્ટીલની, ચાંદીની કે સોનાની બનેલી હોય છે. આ સોયની લંબાઈ 1.27 સેમી.થી 7.62 સેમી. (અર્ધા ઇંચથી ત્રણ ઇંચ) સુધીની હોય છે. તેને શરીરમાં લગાવવામાં આવે ત્યારે જરા પણ દુખાવો થતો નથી, કારણ કે સોય માથાના વાળ જેટલી પાતળી હોય છે. સોય દ્વારા શરીરમાં કોઈ પ્રવાહી દાખલ કરવામાં આવતું નથી. સોયને શરીરમાં ચોક્કસ બિંદુ ઉપર લગાવી દીધા પછી તેની સાથે ઇલેક્ટ્રૉસ્ટિમ્યુલેટર નામના સાધનના તાર જોડીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે.

અમુક કેસોમાં દર્દીને કાનમાં ખૂબ જ પાતળી અને બૂટ્ટી જેવડી નાની સોય ચોક્કસ બિંદુ ઉપર લગાવવામાં આવે છે. આને કાનનું ઍક્યુપંક્ચર કહે છે.

ઍક્યુપંક્ચર સ્થાનિક નિશ્ચેતક તરીકે કાર્ય કરી શકે છે. આનો મોટો ફાયદો એ છે કે દર્દીને ઑપરેશન કરતી વખતે સંપૂર્ણ બેભાન ન કરતાં માત્ર જે ભાગનું ઑપરેશન કરવાનું હોય તે ભાગને જ નિશ્ચેત કરવામાં આવે છે. આથી ઑપરેશન ચાલુ હોય ત્યારે દર્દી વાત કરી શકે છે, પાણી પી શકે છે તેમ જ ઑપરેશન વખતે ગ્લુકોઝના બાટલા વગેરે ચઢાવવા પડતા નથી.

સામાન્ય રીતે કોઈ પણ રોગની સારવાર ઍક્યુપંક્ચર વડે થઈ શકે છે, પણ અમુક રોગો એવા છે કે જેમાં આ પદ્ધતિનું પરિણામ બીજી કોઈ પણ ચિકિત્સાપદ્ધતિ કરતાં વધુ ઝડપથી, વધુ સારું આવે છે એવો દાવો કરવામાં આવે છે.

આવા કેટલાક રોગોનાં નામ નીચે મુજબ છે :

(1) કોઈ પણ પ્રકારનો સંધિવા, (2) કમરનો દુખાવો, (3) રાંઝણ (sciatica), (4) દમ, (5) શરદી, (6) પોલિયો, (7) લકવો–હાથપગનો અથવા મોંનો, (8) મગજના વિકાસની ખામી, (9) ચહેરાનો દુખાવો, (10) આંચકી, (11) છાતીનો દુખાવો, (12) સ્ત્રીઓનો માસિક વખતે થતો દુખાવો, (13) આધાશીશી, માથાનો દુખાવો, (14) લખતાં હાથ ધ્રૂજવા, (15) ખભાનું જકડાઈ જવું, (16) પગની એડી અને તળિયાનો દુખાવો, (17) અનિદ્રા, (18) ઈજા થયેલા ભાગ પર થતો દુખાવો, (19) બોચીનો દુખાવો.

(1) ઢીંચણ, થાપા અને ડોક જેવાં અંગોના વા : કોઈ પણ પ્રકારના વામાં ઍક્યુપંક્ચર ખૂબ જ લાભદાયી સાબિત થયેલું છે. હાડકાંના ઘસારાને લીધે થતા વામાં તેમજ સંધિવામાં પણ તેનાથી સારું થઈ શકે છે.

આવા કેસમાં ક્યાં આગળ સોય લગાવવી તે દર્દીને કયા સાંધામાં તકલીફ છે તે જોયા પછી નક્કી કરવામાં આવે છે.

જો એક અથવા બંને પગના ઢીંચણમાં તકલીફ હોય તો દર્દીને બેસાડીને જે તે પગમાં સોય મારવામાં આવે છે. ડોકમાં તકલીફ હોય તો બેસાડીને અથવા તેની સાથે કમરમાં પણ તકલીફ હોય તો સુવાડીને સોય મારવામાં આવે છે. થાપામાં દુખાવો થતો હોય તોપણ સુવાડીને સોય મારવામાં આવે છે.

જો કોઈને હાથનાં આંગળાં અને કાંડા તેમજ કોણીમાં દુખાવો વધુ પ્રમાણમાં હોય તો તેને ત્યાંના આ રોગ માટેના ખાસ બિંદુ ઉપર સોય લગાવવામાં આવે છે. તે જ રીતે તેને ઢીંચણમાં અથવા એડીમાં વધુ તકલીફ હોય તો ત્યાં સોય લગાવવામાં આવે છે.

જો સંધિવામાં રોગ તીવ્ર કક્ષાએ પહોંચ્યો હોય અને દર્દીને તેને લીધે તાવ આવતો હોય, લોહીમાં ઈ.એસ.આર. વધુ આવતો હોય, તેમજ જે તે ભાગમાં સોજા આવી ગયા હોય, તો તે સમયે ઍક્યુપંક્ચર કરવાથી દર્દીનો તાવ ઊતરી જાય છે, લોહીમાં ઈ.એસ.આર. બરાબર થઈ જાય છે, તેમજ સોજા વગેરે ઊતરી જાય છે અને દુખાવો જતો રહે છે.

સામાન્ય રીતે તીવ્ર કક્ષામાં સારવાર લેવામાં આવે તો દીર્ઘકાલીન રોગની તુલનામાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે. દર્દીને દીર્ઘકાલીન કક્ષામાં આને લીધે અમુક ખોડ આવેલી હોય જેમ કે હાથનાં આંગળાં અંત:પ્રકોષ્ઠાસ્થિ તરફ વળી ગયેલાં હોય, તોપણ તેમાં ઘણી વાર સુધારો થઈ શકે છે.

(2) કમરનો દુખાવો અને રાંઝણ : આમાં દર્દીને પડખાભેર અથવા ઊંધાં સુવાડીને 2.54 સેમી.થી 3.18 સેમી. (એકથી દોઢ ઇંચ) લાંબી સોય કમરમાં મણકાની બંને બાજુએ લગાવવામાં આવે છે. આ ઉપરાંત પગમાં પણ અમુક જગ્યાએ સોય મારવામાં આવે છે, જે કમરના દુખાવામાં ખાસ અસરકારક છે.

જો દર્દીને કમરની સાથે થાપામાં પણ દુખાવો થતો હોય તો થાપામાં 7.62 સેમી.થી 12.20 સેમી. (ત્રણથી પાંચ ઇંચ) લાંબી સોય લગાવવામાં આવે છે. છતાં આ સોય ખૂબ પાતળી હોવાથી દર્દીને સહેજ પણ વેદના થતી નથી.

આ સોય સાયેટિક જ્ઞાનતંતુ ઉપર સીધી અસર કરતી હોવાથી દુખાવો ખૂબ ઝડપથી મટી શકે છે. દર્દીને રાંઝણ થાય કે તરત જ સારવાર લે તો તેને ઘણી ઝડપથી રાહત થઈ શકે છે. તે જ રીતે મણકાની ગાદી ખસી જવાને લીધે (prolapsed intervertebral disc) થતા દુખાવામાં પણ આનાથી ખૂબ ઝડપથી સારું થઈ શકે છે. ઘણી વાર આવા કેસોમાં દર્દીને ખૂબ જ દુખાવો થતો હોય અને પથારીમાં જ રહેવું પડે તેમ હોય ત્યારે તેને હૉસ્પિટલમાં દાખલ કરી ત્યાં ઍક્યુપંક્ચરની સારવાર આપવામાં આવે છે. આવા કેસમાં દિવસમાં એકના બદલે જરૂર પડ્યે બે વખત પણ ઍક્યુપંક્ચર કરવામાં આવે છે. સામાન્ય રીતે બીજી ચિકિત્સાપદ્ધતિથી દર્દીને આરામ થતાં બે-ત્રણ મહિના કે તેથી વધુ સમય લાગે છે, ત્યારે મોટાભાગના કેસોમાં આ સારવારથી પંદર દિવસમાં જ દર્દી હરતોફરતો થઈ જાય છે.

(3) દમ (bronchial asthma) અને શરદી : ઍક્યુપંક્ચર આ રોગોના દર્દીઓ માટે ખરેખર આશીર્વાદ સમાન ગણાય છે. આમાં દર્દીને નાક પાસે, છાતીમાં, હાથમાં અને પીઠ તેમજ પગમાં આવેલાં ખાસ પૉઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે.

જ્યારે દર્દીને ખૂબ શ્વાસ ચઢે ત્યારે ગળામાં આવેલા એક ખાસ પૉઇન્ટ ઉપર સોય લગાવવાથી થોડી જ વારમાં દર્દીને રાહત લાગે છે.

ઍક્યુપંક્ચરમાં દર્દીને શરીરમાં સોય જ લગાવવામાં આવે છે તેથી દર્દીને દવાની જેમ તેની કોઈ આડઅસર નથી થતી. વળી, ઍક્યુપંક્ચરથી શરીરની પ્રાણશક્તિ (vital force) જેને ચીનની ભાષામાં ‘ચી’ કહે છે તે કાર્યશીલ થાય છે. આથી દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ જુદા જુદા પદાર્થો પ્રત્યેની ‘ઍલર્જી’ દૂર થાય છે. વળી શ્વાસનળી વગેરેના સ્નાયુઓમાં જે સંકોચન થયું હોય તે દૂર થતાં શ્વાસનળીની અંદર-બહાર હવા પૂરતા પ્રમાણમાં જઈ શકે છે અને દર્દીને દમની તકલીફ દૂર થાય છે.

(4) હાથપગ, ચહેરાનો લકવો અને પોલિયો : આવા રોગો માટે ઍક્યુપંક્ચર સરળ અને સચોટ ઇલાજ છે. જો દર્દીને હાથ અને પગ બંનેનો અથવા પગનો જ લકવો થયો હોય તો સુવાડીને હાથપગમાં ચોક્કસ જગ્યાએ સોય લગાવવામાં આવે છે. જો માત્ર હાથનો જ લકવો થયો હોય તો બેસાડીને સોય લગાવવામાં આવે છે. ચહેરાના લકવામાં દર્દીને બેસાડીને સોય આંખની ઉપર કપાળ પાસે, ચહેરા પર અને કાનની પાસે લગાવવામાં આવે છે. પોલિયોમાં પણ જે ભાગને અસર થઈ હોય તેના આધારે, દર્દીને બેસાડીને અથવા સુવાડીને સોય લગાવવામાં આવે છે. ઍક્યુપંક્ચરમાં દર્દીના સ્નાયુની શક્તિ વધુ હોય ને ઓછા સમયથી લકવો થયો હોય તો જલદી સારું થઈ જાય છે.

ઍક્યુપંક્ચરમાં સોય શરીરમાં ઊંડે સુધી જાય છે, મશીનથી ઉત્તેજિત થાય છે અને એકસાથે અનેક બિંદુઓ ઉપર સોય લગાવી શકાય છે. વળી આમાં દર્દીને કોઈ જ શ્રમ કરવાનો હોતો નથી તેમ જ પરેજી પાળવાની હોતી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ઍક્યુપંક્ચરની અસરકારકતા તપાસી તેને માન્યતા આપી છે.

પ્રકાશ શાહ