ઍક્ટિનિયમ (Ac) : આવર્તકોષ્ટકના (3જા – અગાઉના III B) સમૂહનું અને ઍક્ટિનાઇડ શ્રેણીનું પ્રથમ અત્યંત વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. 1899માં એ દબિયર્ને પિચબ્લેન્ડ નામના ખનિજમાં (1 ટનમાં 0.15 મિગ્રા.) તથા 1902માં ફ્રેડરિક ઑટો ગાઇસેલે સ્વતંત્રપણે આ તત્વ શોધી કાઢ્યું. રેડિયમ – 226 ઉપરના ન્યૂટ્રૉનના મારાથી મિલિગ્રામ જથ્થામાં તે સરળતાથી મેળવી શકાય છે. આયન વિનિમય કે દ્રાવક નિષ્કર્ષણથી તેને અલગ કરી શકાય છે. ઍક્ટિનિયમ ફ્લોરાઇડનું લિથિયમ સાથે 1,200 સે. તાપમાને અપચયન (reduction) કરીને તેને ધાતુરૂપમાં મેળવી શકાય છે. તેના ઘણા વિકિરણધર્મી સમસ્થાનિકો જાણીતા છે. તેમાંનો Ac-227 (અર્ધઆયુષ્ય 21.77 વર્ષ) કુદરતમાં યુરેનિયમમાં અલ્પ પ્રમાણમાં મળી આવે છે. બીજા સમસ્થાનિકોનું અર્ધઆયુષ્ય 10 દિવસથી 5 સેકન્ડ જેટલું છે. પ.ભાર 227.0278; પ.ક્રમાંક 89; ગ.બિં. 817o સે., ઉ.બિં. 2,470o સે.; ચાંદી જેવી શ્વેત; તે વિકિરણધર્મી હોઈ અંધારામાં નીલો પ્રકાશ આપે છે. ઇલેક્ટ્રૉનવિન્યાસ (Rn) 6d17s2. ઉપચયન આંક +3. ઍક્ટિનિયમ તેના રાસાયણિક ગુણોમાં લેન્થેનમની સાથે સામ્ય દર્શાવે છે. તેનું સ્થાન જોતાં આ યોગ્ય છે. ઍક્ટિનિયમનું હવામાં ઉપચયન (oxidation) થાય છે. લેન્થેનમની સરખામણીમાં તે વધુ બેઝિક છે. તેની તીવ્ર વિકિરણધર્મિતા(γ-વિકિરણો)ને કારણે તેનાં થોડાંક જ સંયોજનોનો અભ્યાસ થયો છે. આ ગુણને લીધે શરૂઆતમાં લીધેલ શુદ્ધ સંયોજનોમાં તેની ક્ષય-નીપજો (decay products) તરત ભળવા માંડે છે. તેનો જલદ્રાવ્ય આયન (Ac+3) રંગવિહીન છે.

પ્રવીણસાગર સત્યપંથી