ઍંજલ્સ, ફ્રેડરિક

January, 2004

ઍંજલ્સ, ફ્રેડરિક (જ. 1820, બાર્મેન, પ્રુશિયા; અ. 1895) : જર્મન સમાજવાદી ચિંતક, કાર્લ માર્કસનો નિકટનો સાથી તથા ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટાભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે માકર્સ સાથે પ્રથમ મુલાકાત થઈ જે આધુનિક સામ્યવાદી વૈજ્ઞાનિક વિચારસરણીના ઘડતરમાં નિર્ણાયક સાબિત થઈ. માર્કસે સંપાદિત કરેલા ઍંજલ્સના બે લેખો જર્મન-ફ્રેન્ચ ઇયર બુકમાં પ્રકાશિત થયા (1844). એમાં ઍંજલ્સે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ખાનગી મિલકત પર આધારિત સમાજવ્યવસ્થા વિશ્વને ‘અતિધનિક તથા અતિગરીબ’(millionairs & paupers’)ના વિરોધાભાસી સહઅસ્તિત્વ તરફ ઘસડી રહી છે, જેમાં વર્ગસંઘર્ષનાં બીજ રોપાયેલાં છે.’ તેના ‘આઉટલાઇન ઑવ્ અ ક્રિટિક ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’માં મૂડીવાદનું તલસ્પર્શી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. માન્ચેસ્ટર અને સાલફૉર્ડ જેવાં ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરોમાં વસતા કામદારવર્ગની હાલાકી તથા કંગાલિયતનું પ્રત્યક્ષ અવલોકન કરવાની તેમને તક મળી હતી, તેની ઊંડી અસર મૂડીવાદ અંગેના ઍંજલ્સના વિચારો, ચિંતન તથા વિશ્લેષણ પર સ્પષ્ટપણે દેખાય છે. તેના ‘ઑરિજિન ઑવ્ ધ ફૅમિલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઍન્ડ ધ સ્ટેટ’માં ખાનગી મિલકત તથા પુરુષવર્ગના વર્ચસ્ પર આધારિત સમાજવ્યવસ્થામાં સ્ત્રીવર્ગની પરાધીનતા વખોડી કાઢવામાં આવી છે.’ ‘ધ હોલિ ફૅમિલી’ (1845), ‘ધ જર્મન આઇડિયૉલૉજી’ (1845) તથા ‘ધ કૉમ્યૂનિસ્ટ મૅનિફેસ્ટો’ (1848) – એ ત્રણ માર્કસ તથા એંજલ્સની સંયુક્ત કૃતિઓ છે. ઉપરાંત ‘ફ્રેડરિક ઓસ્વાલ્ડ’ તખલ્લુસથી એંજલ્સે લખેલા ઘણા લેખો તત્કાલીન વર્તમાનપત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. માર્કસના અવસાન (1883) પછી તેના શકવર્તી ગ્રંથ ‘દાસ કૅપિટલ’ના બીજા તથા ત્રીજા ભાગને માર્કસનાં કાચાં લખાણોને આધારે સંકલિત અને સંપાદિત કરી પ્રકાશિત કરવામાં એંજલ્સે ભારે જહેમત ઉઠાવી હતી.

ફ્રેડરિક ઍંજલ્સ

દ્વંદ્વાત્મક ભૌતિકવાદ(dialectical materialism)ની વિચાર-સરણીનો પાયો નાંખી વૈજ્ઞાનિક ઢબે માર્કસવાદની રજૂઆત કરવામાં ઍંજલ્સનું યોગદાન અત્યંત મહત્વનું ગણાય છે. મહાન ભૌતિકવાદી તત્વચિંતક હેગલના પદ્ધતિસરના તથા વ્યાપક ક્ષેત્રને આવરી લેતા દર્શનથી ઍંજલ્સ ખૂબ પ્રભાવિત થયા હતા. ‘યંગ હેગેલિયન’ નામથી તે જમાનામાં જાણીતા થયેલા ડાબેરી વિચારસરણી ધરાવતા બુદ્ધિજીવીઓની ક્લબના ઍંજલ્સ સભ્ય પણ થયા હતા.

કાર્લ માર્કસમાં તલસ્પર્શી વિશ્લેષણ કરવાનું કૌશલ્ય હતું તો ઍંજલ્સમાં કુશાગ્ર બુદ્ધિમત્તા, પ્રખર પાંડિત્ય તથા કામદારવર્ગની તત્કાલીન પરિસ્થિતિનું સ્વાનુભવ પર આધારિત ભાથું હતું. બંનેના સંયુક્ત પ્રયાસથી જ વૈજ્ઞાનિક સમાજવાદ(માકર્સવાદ)ની વિચારસરણીનો જન્મ થયો છે. માર્કસના અવસાન પછી માર્કસ અને માર્કસવાદી વિચારસરણીનું પ્રમાણભૂત અર્થઘટન કરવાનું ભગીરથ કાર્ય ઍંજલ્સે કર્યું હતું અને તે અર્થમાં ઍંજલ્સ માકર્સના વૈચારિક ઉત્તરાધિકારી ગણાય છે.

ધનવંત ઓઝા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે