ઊટી રેડિયો ઑબ્ઝર્વેટરી

January, 2004

ઊટી રેડિયો ઑબ્ઝર્વેટરી : દક્ષિણ ભારતમાં નીલગિરિની સુંદર ટેકરીઓથી ઘેરાયેલ ઊટી પાસે સ્થપાયેલું રેડિયો ખગોલીય કેન્દ્ર. અહીં ખગોળ અને ખગોલીય ભૌતિકી(astrophysics)માં સંશોધનકાર્ય માટે રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની સગવડ આપતાં ઊટી રેડિયો ટેલિસ્કોપ (ORT) અને ઊટી સિન્થેસિસ રેડિયો ટેલિસ્કોપ (OSRT) છે; તેમનું કાર્યક્ષેત્ર 322 અને 328.5 MHz આવૃત્તિ પટાઓની વચ્ચે છે.

ORT 530 મી. લંબાઈ અને 30 મી. પહોળાઈ ધરાવતા પરવલયાકાર નળાકારરૂપ છે. તેની પરાવર્તી સપાટી સ્ટેઇનલેસ સ્ટીલના 530 મી. લાંબા 1,100 તારની બનેલી છે. લગભગ 13 ટનના એક એવા 14 પરવલયાકાર ચોકઠાથી આને આધાર આપવામાં આવેલો છે. સપાટી પરથી પરાવર્તિત થયેલા રેડિયો-તરંગો 530 મી. લંબાઈની ફોકસરેખા પર કેન્દ્રિત થાય છે, જ્યાં 1,056 અર્ધ-તરંગ (half-wave) દ્વિ-ધ્રુવો ગોઠવેલા હોય છે. આ દ્વિ-ધ્રુવો જે સંકેતો ઝીલે છે તેમનું સંચારણ (transmission) પરિપથજાલ(network)ની મદદથી પ્રવર્ધન (amplification), સંકરણ તથા સંયોજન કરી મધ્યસ્થ અભિગ્રાહી કક્ષ(receiver room)માં લઈ જવામાં આવે છે. ત્યાં તેમની ઉપર જરૂરી પ્રવિધિ કરી આગળના પૃથક્કરણ માટે કમ્પ્યૂટરને સોંપવામાં આવે છે. ટેકરીના પ્રાકૃતિક ઉત્તર-દક્ષિણ ઢોળાવ પર ટેલિસ્કોપને આ સ્થળના અક્ષાંશવૃત્તને સમાંતર રહે તેમ ગોઠવેલ છે. આનાથી તેની લંબ પરિભ્રમણ-અક્ષ જે ઉત્તર-દક્ષિણ આવેલી છે તે પૃથ્વીની પરિભ્રમણ-અક્ષની સમાન થઈ જાય છે. આનાથી પૂર્વ-પશ્ચિમ દિશામાં ટેલિસ્કોપનું સરળ યાંત્રિક પરિભ્રમણ કરવાથી લગભગ 10 કલાક સુધી અવકાશી પિંડને ટેલિસ્કોપના ર્દષ્ટિપથમાં રાખી શકાય છે. દ્વિધ્રુવોના કોણાંક(phase)ને ઇલેક્ટ્રૉનિક રીતે નિયંત્રિત કરી ટેલિસ્કોપને ઉત્તર-દક્ષિણ રાખી શકાય છે. ORTએ પોતાની કાર્યવહીના શ્રીગણેશ 1969ના અંતમાં કર્યા. વિશ્વના સૌથી મોટા ચલ (steerable) રેડિયો ટેલિસ્કોપોમાં આની ગણના થયેલી છે. તેની ડિઝાઇન તથા રચના પૂરેપૂરી ભારતીય છે. ઊટી સિન્થેસિસ રેડિયો ટેલિસ્કોપ(OSRT)થી 4 કિમી. મર્યાદામાં ભિન્ન ભિન્ન સ્થાનોએ ગોઠવેલા 23m ´ 9m કદનાં 8 નાનાં પરવલયાકાર નળાકારનો બનેલ છે. આ ઍન્ટેનાઓ વડે ઝિલાયેલા સંકેતોને ORTના અભિગ્રાહી કક્ષમાં લાવવામાં આવે છે, જ્યાં તેમને ORTના સંકેતો સાથે સંયોજી યોગ્ય પ્રવિધિ કર્યા પછી પ્રતિબિંબો માટે અપનાવવામાં આવતી પદ્ધતિથી તેમનું પૃથક્કરણ કરી રેડિયો-તરંગો ફેંકતા વિસ્તારોના નકશા તૈયાર કરાય છે. અત્યાધુનિક અંતરમિતિ (telemetry) પદ્ધતિ વડે સુદૂરથી ORTના નિયંત્રણકક્ષમાંથી જ દૂરના ઍન્ટેનાઓના પથાનુવર્તન (tracking) દ્વારા લક્ષ્યનિર્દેશ (pointing) થઈ શકે છે.

રેડિયો-આકાશગંગાઓ, ક્વૉસાર, પલ્સાર અને સુપરનૉવાના અવશેષો જેવા સૂર્યમાળાના અવકાશી પિંડોમાંથી થતા રેડિયોઉત્સર્જનનો અભ્યાસ કરવા ભારતના તથા વિદેશોના વૈજ્ઞાનિકો ORT અને OSRTનો ઉપયોગ કરે છે.

સંસ્થાના સૌજન્યથી