ઊગસૂક, મગફળીનો : મગફળીને ફૂગ દ્વારા થતો રોગ. આ રોગ Aspergillus niger V. Tieghem, અને A. flavus દ્વારા થાય છે. આ રોગ ‘ધરુ-મૃત્યુ’ તરીકે પણ ઓળખાય છે.

આ રોગમાં બીજ ઊગતાં પહેલાં અથવા ઊગ્યા પછી જમીનમાં સડી જાય છે. છોડ ઊગ્યા બાદ છોડના કાંઠલાના વિસ્તારમાં અને બીજપત્રો તથા અન્ય ભાગો ઉપર કાળી અને લીલી ફૂગનું આવરણ જોવા મળે છે. રોગવાળી જગાએ ઘેરા ભૂખરા કે કાળા રંગનાં ચાઠાં જોવા મળે છે અને છોડનો વિકાસ અટકી જાય છે. રોગગ્રસ્ત વિસ્તારનું નુકસાનવાળું બીજ અને, બીજની રોગસંવેદિતા, ભેજવાળા વિસ્તારમાં બીજનો સંગ્રહ, કાપણી પછીની અપૂર્ણ સુકવણી વગેરે રોગનાં પ્રેરક હોય છે. રોગપ્રતિકારક જાતની વાવણી તથા સુકાયેલા અને સારા બીજને માવજત આપી વાવણી કરવાથી આ રોગ અટકાવી શકાય છે.

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ