ઊંઝા : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ગામ. 1858માં બંધાયેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકને કારણે તે પ્રસિદ્ધ થયેલું છે. તાલુકામથક સિદ્ધપુરથી તે 13 કિમી. અને મહેસાણાથી 20 કિમી. દૂર 23o 48′ ઉ. અ. અને 72o 24′ પૂ. રે. ઉપર આવેલું છે. અમદાવાદ-દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ અને મીટરગેજ રેલવેલાઇન ઉપરનું સ્ટેશન છે.

ઈ. સ. 156માં માળવાના વજ્રપાલ સિદ્ધપુર માતૃગયા કરવા આવ્યા ત્યારે તેમણે આ નગર સ્થાપ્યું એમ કહેવાય છે. સ્કંદપુરાણના નાગરખંડની એક પાદટીપમાં હાટકેશ્વર ક્ષેત્રમાં ‘ઉમાપુર’ સૂચવાયું છે. એ ઉમિયા માતાના સ્થાનકને કારણે ‘ઊંઝા’ બીજું નામ હોવાનો સંભવ છે. ઊંઝા કડવા પાટીદારોનું મૂળ વતન ગણાય છે. હૂણ લોકો સાથે આવેલા ગુર્જરો આબુના રસ્તે થઈને ઉત્તર ગુજરાતના હાર્દ સમાન આ પ્રદેશમાં વસ્યા હતા. આ કડવા પાટીદારો પાંચમી સદીમાં આવેલા ગુર્જરો હોવાનો સંભવ છે. ઉમિયા માતા તેમનાં કુળદેવી છે. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા પ્રમાણે માળવાવિજય પછી સિદ્ધરાજે ‘ઊંઝા ગામ’માં છાવણી નાંખીને વાસ કર્યો હતો. આનંદપુર(વડનગર)ના બ્રાહ્મણને મૈત્રકવંશના શીલાદિત્ય પાંચમાએ આપેલા ઈ. સ. 722 આસપાસના વડનગરના દાનશાસનમાં ‘ઉચ્ચાનગર-પ્રત્યર્ધ’ એવો ઉલ્લેખ છે, જે સ્થળોના સાહચર્યે ઊંઝાનો ઉલ્લેખ જણાય છે. મોડાના અજયપાલ સોલંકીનો ઈ. સ. 1175નો ઊંઝાનો શિલાલેખ મળ્યો છે. સોલંકી ત્રિભુવનપાલના ઈ. સ. 1243ના દાનશાસનમાં ‘ઊંઝા’નો ઉલ્લેખ છે. આમ ઊંઝા પ્રાચીન સ્થળ છે.

ઊંઝામાં પાટીદાર, ઔદીચ્ય બ્રાહ્મણ, વણિક, નાયક, વણકર, ઠાકોર વગેરેની વસ્તી છે. કડવા પાટીદાર કુટુંબોમાં લગ્નપ્રસંગે ઉમિયા માતાના મંદિરમાંથી ચિઠ્ઠી મેળવવાની હોય છે. સિદ્ધપુરમાંથી જુદા પડેલા બ્રાહ્મણો અહીં વસ્યા છે. તેમનો સંબંધ ઉનાવા, વિરમગામ, નાંદોલ તથા સિદ્ધપુર સાથે છે. મુસ્લિમ શાસન દરમિયાન ઊંઝાના પટેલની કન્યાને બચાવનાર સિદ્ધપુરના અસાઇત ઠાકર બ્રાહ્મણ જ્ઞાતિમાંથી બહિષ્કૃત થતાં અહીં આવીને વસ્યા હતા એમ કહેવાય છે. તેમના ત્રણ પુત્રોના વંશજો ત્રિઘરા કે ત્રણ ઘરવાળા (તરગાળા) તરીકે પછીથી ઓળખાવા લાગ્યા. આ જ્ઞાતિએ ગુજરાતની રંગભૂમિને પેઢીઓથી કલાકારો આપ્યા છે. લોકનાટ્ય ભવાઈની ઉત્પત્તિ એ રીતે થયેલી છે.

ઉમિયા માતાજીનું મંદિર, ઊંઝા

ઊંઝા અમદાવાદ પછી સમગ્ર ગુજરાતનું બીજા નંબરનું માર્કેટ યાર્ડ ધરાવે છે. અહીં કરોડો રૂપિયાનું જીરું, ઘોડાજીરું, ઇસબગુલ, તુવેર અને વરિયાળી વેચાવા આવે છે. અહીંથી જીરાની નિકાસ સમગ્ર ભારતમાં થાય છે. જ્યારે ઇસબગુલની ભારતનાં રાજ્યો ઉપરાંત પરદેશમાં મુખ્યત્વે અમેરિકા અને યુ.કે.માં નિકાસ થાય છે. ઊંઝા અને સિદ્ધપુરમાં ઇસબગુલની ભૂસી તૈયાર કરવાનાં વીસથી વધુ કારખાનાં છે. અહીં તેલ અને દાળની મિલો, ધાતુ અને ઇજનેરી ઉદ્યોગનાં કારખાનાં અને લાટીઓ છે. દવા બનાવનાર જાણીતી કંપની ‘ઊંઝા ફાર્મસી’ અહીં આવેલી છે. ‘મશરૂ’ ઉત્પાદન માટે પણ ઊંઝા જાણીતું હતું. હાથસાળ ઉપર કાપડ તૈયાર થાય છે. કાળેશ્વર, વૈજનાથ મહાદેવ અને બાળોજ માતાનાં મંદિરો પ્રાચીન છે. કાળેશ્વર મંદિર ભીમદેવના વખતમાં 1022-1064 દરમિયાન બંધાયું છે. ત્રણેક કિમી. દૂર મીરા દાતારની દરગાહથી પ્રખ્યાત થયેલું ઉનાવા છે. પછીના જાગીરદારના પુત્રે માંડુના યુદ્ધમાં ભાગ લીધો હતો. તે શહીદ થતાં તેની દરગાહ અહીં આવેલી છે. બધા જ ધર્મોના શ્રદ્ધાળુઓ માનસિક રોગ અને વળગાડના નિવારણ માટે ઉનાવા આવે છે.

શહેરમાં વિનયન, વાણિજ્ય અને કાયદા વિદ્યાશાખાની કૉલેજ, ત્રણ માધ્યમિક શાળાઓ, નવ પ્રાથમિક શાળાઓ, ત્રણ પુસ્તકાલયો અને છ બાલમંદિરો આવેલાં છે. વસ્તી : 2011 મુજબ 57,108 છે.

કૃષ્ણવદન જેટલી

શિવપ્રસાદ રાજગોર