ઉલન બટોર (ઉલામ્બતાર) : મૉંગોલિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 47o 55′ ઉ. અ. અને 106o 53′ પૂ. રે.. આ શહેર દેશના ઈશાન ભાગમાં, ગોબીના રણની ઉત્તરે, ટોલા નદીને કાંઠે વસેલું છે. તે તુલ ગોલ નદી લોએસના મેદાનમાં આશરે 1330 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે બેજિંગ(ચીન)થી વાયવ્યમાં 1,160 કિમી.ને અંતરે આવેલું છે. બેજિંગથી યુરોપના માર્ગ પર તે આવેલું હોવાથી પ્રાચીન સમયમાં તેનું ઘણું મહત્વ હતું.

આજે આ શહેર મૉંગોલિયાનું સાંસ્કૃતિક અને ઔદ્યોગિક મથક બની રહેલું છે. મધ્ય ચૉકની ધાર પર સરકારી ઇમારતો આવેલી છે. શહેરમાં યુનિવર્સિટી, રાષ્ટ્રીય થિયેટર તેમજ ઘણાં સંગ્રહાલયો છે. અહીં ઉત્પન્ન થતી પેદાશોમાં રાચરચીલું, ભરતર લોહ, કાગળ, ઔષધો (ફાર્મસીની પેદાશો), સાબુ અને કાપડનો સમાવેશ થાય છે. અહીં માંસ પૅકિંગ પણ થાય છે.

આજે જ્યાં ઉલન બટોર આવેલું છે ત્યાં 1639માં લામાઓનો મઠ બંધાયો હતો. ઘણા બૌદ્ધ ધર્મગુરુઓએ આ સ્થળને વસવાટ માટે પસંદ કરેલું, ત્યારથી તેનું ધાર્મિક સ્થળ તરીકે મહત્વ વધતું ગયું છે. જેમ જેમ અહીં વસાહતો જામતી ગઈ તેમ તે મહત્વનું વેપાર અને પરિવહનનું કેન્દ્ર પણ બનતું ગયું. 1911માં મૉંગોલ રાજકુમારે તેને સ્વતંત્ર રાજ્યના પાટનગર તરીકે જાહેર કરેલું. 1924માં તત્કાલીન બૌદ્ધ ધર્મગુરુનું અવસાન થતાં બાહ્ય મૉંગોલિયા ‘મૉંગોલિયન પીપલ્સ રિપબ્લિક’ તરીકે જાહેર થયું; ત્યાં સુધી તે ‘ઉર્ગા’ કહેવાતું હતું. પછીથી, સ્વાતંત્ર્ય-સંગ્રામના નેતા સુખબટોરના નામ પરથી આ શહેરનું નામ ‘ઉલન બટોર’ (અર્થ : City of the Red Hero) રાખવામાં આવ્યું. તે ‘ઉલન બાટર’ નામથી પણ ઓળખાય છે.

ટ્રાન્સ સાઇબિરિયન રેલમાર્ગ સાથે અહીંના રેલમાર્ગને સાંકળવામાં આવ્યો છે. તે ઊન, ફર અને હાડકાંની નિકાસનું મુખ્ય મથક બની રહ્યું છે. અહીં ઊનની મિલ આવેલી છે, તે ઉપરાંત ચામડાં કમાવાનાં કારખાનાં અને વીજમથક પણ છે. 1955માં ઉલન બટોર અને ચીનના જિનિંગ ખાતે સર્વપ્રથમ વાર રેલમાર્ગનો પ્રારંભ થયો. ચીન અને રશિયા વચ્ચેનો નવો રેલમાર્ગ બટોર થઈને પસાર થાય છે.

વસ્તી : 14.05 લાખ (2017).

ઉલનબટોર અથવા ઉલામ્બતાર તરીકે ઓળખાતું આ શહેર જૂના વખતમાં ઉર્ગા અથવા નિસ્લેલ ખુરેહેહ તરીકે પણ ઓળખાતું હતું. 1639માં અહીં દા ખુરે મઠની સ્થાપના થયેલી. આ મઠમાં તિબેટી બૌદ્ધ ધર્મના વડા બોદગો-ગેગેન વસતા હતા. તે રશિયા અને ચીન વચ્ચેનું વેપારી કેન્દ્ર હતું. 1911માં બાહ્ય મૉંગોલિયાએ આઝાદી જાહેર કરી ત્યારે તેનું નામ નિસ્લેલ ખુરેહેહ અપાયું હતું. 1921માં મૉંગોલિયાના ક્રાંતિકારી નેતા દામ્દીની સુહ્બતારનાં લશ્કરી દળોએ અને સોવિયેટ દળોએ તેનો કબજો લીધો હતો. 1924માં મૉંગોલિયા પ્રજાસત્તાક રાજ્ય જાહેર થયું ત્યારે ઉપર જણાવેલ નવું નામ શહેરને અપાયું. સુહ્બતારનું સ્મારક નગરમાં આવેલા તેના નામના ચોકમાં છે. 1932માં નૅશનલ થિયેટર તથા હોટેલ અલ્તાઈ બંધાયાં. 1942માં રાજ્યની યુનિવર્સિટીની સ્થાપના થઈ અને એકૅડેમી ઑવ્ સાયન્સિઝ સ્થપાઈ. રેલવેથી તે ચીન અને રશિયા સાથે જોડાયેલું છે. ઉદ્યોગોમાં ચામડાનું કામ, જાજમો, કાપડ વગેરે છે. વ્યવસાયી અને ટેક્નિકલ સ્કૂલો પણ શહેરમાં છે.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા

કૃષ્ણવદન જેટલી