ઉલંગ રાજા (1971) : બંગાળી કવિ નીરેન્દ્રનાથ ચક્રવર્તી(જ. 1924)નો કાવ્યસંગ્રહ. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યસંગ્રહથી તેમની કાવ્ય-કારકિર્દીમાં નવો વળાંક આવે છે. તેમની કવિતામાં સૌપ્રથમ વાર સામાજિક જાગરૂકતાનો સૂર સંભળાય છે. શીર્ષકદા કૃતિમાં પૌરાણિક વિષય-માળખું છે, પણ તેનો અર્થસંકેત આધુનિક છે. આધુનિક જગતનો અજંપો એમાં કેન્દ્રવર્તી વિષય જણાય છે; એ અજંપાના માર્યા માનવો સ્વાર્થી હેતુસર સત્યનો સામનો કરવાનું  ટાળે છે. કવિનું મંતવ્ય એવું જણાય છે કે દરેક વ્યક્તિએ ટકી રહેવા માટે પોતાના વ્યક્તિત્વમાંથી જ આત્મબળ મેળવવાનું અને નિમ્ન સ્તરની મનોવૃત્તિથી બહાર નીકળી ર્દઢ શ્રદ્ધાપૂર્વક આગળ ધપવાનું રહે છે.

કવિની અંગત કપરી પરિસ્થિતિને લગતાં કાવ્યોની બાની જરા જુદી છે. કવિને પોતાના ઘડપણની ચિંતા કઠે છે; વળી કવિ પોતાની સિદ્ધિ વિશે પણ નિશ્ચિત નથી. જોકે કવિ પોતાના અનિવાર્ય ભાવિને સ્વીકારી લેવા તત્પર જરૂર છે. આ કાવ્યસંગ્રહની સૌથી ઉત્તમ રચના છે ‘કાલઘરે ચિલેર કાન્ના’ (વેલિંગ ઑવ્ એ કાઇટ ઇન ધ બાથરૂમ). તેમાં એક સમડીના મૃત્યુને સ્વના ગહન દર્પણ-પ્રતિબિંબ રૂપે જોવાયું છે. સમડીની પીડા એ કવિની પીડા પણ છે. કાવ્યમાં વૈશ્વિક ટ્રૅજેડીનું પરિમાણ સિદ્ધ થયેલું છે. આ કાવ્યમાં એલિઝાબેથ બિશપના કાવ્ય ‘ધ ફિશ’ સાથેનું રસપ્રદ સામ્ય પણ જોવામાં આવ્યું છે.

આ કાવ્યો રચાયાં ત્યારે નીરેન્દ્રનાથ સામ્યવાદી વિચારધારાના સમર્થક હતા. કેટલાંક કાવ્યોમાં તેમણે ચીને સફળ ક્રાંતિ કરી તે બદલ ચીની પ્રજાને તેમજ વિયેટનામે અમેરિકા સામે 12 વર્ષ સુધી યુદ્ધ ખેલ્યું અને વિજય મેળવ્યો તે બદલ વિયેટનામી પ્રજાને બિરદાવી છે.

નીરેન્દ્રનાથનો કાવ્યકસબ આગવો છે. તેમની શૈલીમાં બોલાતી ભાષાનાં જોમ અને લય છે. ‘ઉલંગ રાજા’નાં કલ્પનો તથા તેમાંની સંવેદના બંગાળી કવિતામાં મહત્વનાં લેખાય છે.

ચન્દ્રકાન્ત મહેતા