ઉયિરોવિયમ (1948) : તમિળ નાટક. ‘ઉયિરોવિયમ’નો અર્થ થાય સજીવ ચિત્ર. એ વિશિષ્ટ પ્રકારનું સામાજિક નાટક છે. લેખક નારણ દુરૈ કૃષ્ણને આ કૃતિની રચના અગાઉ નવલકથાના રૂપમાં કરી હતી. 1948માં એ નવલકથાને એમણે નાટ્યરૂપ આપ્યું. પ્રાચીન તમિળ સાહિત્યમાં વર્ણવેલા નરનારીના સ્વૈચ્છિક પ્રેમની વર્તમાન સમયને અનુરૂપ ફેરફાર કરીને રજૂઆત કરી છે. નાયિકા કર્પકમ્ સામાજિક બંધનોને લીધે પોતે નટરાજનને ચાહે છે એ વાત માતાપિતાને કહી શકતી નથી. ચંદ્રશેખર જોડે એનાં લગ્ન થાય છે; છતાં પણ એ નટરાજનને ભૂલી શકતી નથી. કર્પકમ્ અને નટરાજનના સાચા પ્રેમને જાણ્યા પછી ચંદ્રશેખર એ બંને વચ્ચેથી ખસી જવાનો સંકલ્પ કરે છે. આથી કર્પકમ્ મૂંઝાય છે. આખરે લેખકે યુવાન દંપતી એકબીજા જોડે ભાઈબહેનના સંબંધથી રહે એ જાતનો ઉકેલ આણ્યો છે.

આ નાટકનાં બે પ્રભાવશાળી પાત્રો છે કર્પકમ્ અને ચંદ્રશેખર. મૂળ નાટકના કથાવસ્તુમાં લેખકે એક પ્રકરી પણ ગૂંથીને નાટકને રોચક બનાવ્યું છે. નાટકમાં ર્દશ્યો ઘણાં હોવા છતાં, એની અભિનેયતાને બાધ આવતો નથી. તેમાં ગીતો પણ છે. ગીતોની રચના કૃ. ચા. કૃષ્ણમૂર્તિએ કરી છે. એમાં તત્કાલીન તમિળ ભાષાનો પ્રયોગ છે. સંવાદમાં અનેક અંગ્રેજી શબ્દો પણ પ્રયોજાયા છે. આ નાટક અનેક વાર સફળતાથી ભજવાયું છે.

કે. એ. જમના

અનુ. ચન્દ્રકાન્ત મહેતા