ઉમૈય્યા (બનુ) (ઈ. સ. છઠ્ઠી સદી) : કુરૈશના ખ્યાતનામ અને ધનવાન અરબ કબીલાના સરદાર. તેઓ કુરૈશનું સેનાપતિપદ ધરાવતા હતા. ઉમૈય્યાના  પૌત્ર અબૂ સુફયાનના પુત્ર અમીર મુઆવિયાએ ઉમૈય્યા વંશની સ્થાપના કરી. તે વંશે ઈ. સ. 661થી 749 સુધી મુસ્લિમ જગત પર અને ઈ. સ. 756થી 1031 સુધી સ્પેન ઉપર રાજ્ય કર્યું. પ્રખ્યાત ઇસ્લામી વિજયકર્તાઓ તારિક બિન ઝિયાદ, કુતૈબા બિન મુસ્લિમ અને મુહમ્મદ બિન કાસિમ આ જ યુગમાં થયા. તેમના અમલ દરમિયાન ઇસ્લામી સામ્રાજ્યની સીમા પૂર્વમાં સિંધ અને મુલતાનથી પશ્ચિમમાં સ્પેન સુધી તેમજ ઉત્તરમાં તુર્કસ્તાનથી દક્ષિણમાં અરબસ્તાન સુધી વિસ્તરી હતી. ઉમૈય્યા વંશના મહાન પ્રતિભાશાળી બાદશાહોના રાજ્યઅમલ દરમિયાન સ્પેન સંસ્કાર અને સંસ્કૃતિની ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યું  હતું. સ્પેનમાં કૉર્ડોવા અને સીરિયામાં દમાસ્કસની ભવ્ય મસ્જિદો તેમજ મહેલો આજે પણ બનુ ઉમૈય્યાની જાહોજલાલી અને ભવ્યતાની યાદ આપે છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ