ઉબેર કપ : બેડમિન્ટનમાં મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇંગ્લૅન્ડનાં શ્રીમતી એચ. એસ. ઉબેરે આ કપ ‘આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન’ને ઈ.સ. 1956માં ભેટ આપ્યો હતો. તેઓ બેડમિન્ટનનાં ખ્યાતનામ ખેલાડી હતાં અને તેમણે 25 વર્ષ સુધી આ રમતમાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કપને લગતી સ્પર્ધાનું આયોજન દર ત્રણ વર્ષે ભૌગોલિક ઝોન પાડીને કરવામાં આવે છે. ત્યારબાદ ઝોનના વિજેતાઓ વચ્ચે વિશ્વસ્તરે અંતિમ સ્પર્ધા યોજાય છે. વિશ્વમાં પુરુષો માટેના ‘થોમસ કપ’ જેવું જ સ્થાન બહેનો માટે આ કપનું છે.

પ્રભુદયાલ શર્મા