ઉપાંગો (appendages)

January, 2004

ઉપાંગો (appendages) : પ્રાણીઓમાં સાંધાઓ દ્વારા મુખ્ય શરીર સાથે જોડાયેલાં અંગો. આમ તો અનેક પ્રાણીઓનાં શરીર પરથી સાંધા વગરની શાખાઓ કે પ્રવર્ધરૂપે અંગો નીકળતાં હોય છે. દા.ત., કેટલાક પ્રજીવોમાં કેશતંતુઓ (cilia) અને કશાઓ (flagella) તરીકે ઓળખાતા તંતુ જેવા પ્રવર્ધો નીકળે છે, જે મુખ્યત્વે પ્રચલન(movement)નું કાર્ય કરે છે. કોષ્ઠાંત્રી જળવ્યાળ(hydra)માં મુખની ફરતે આવેલાં સૂત્રાંગો (tentacles) ખોરાક પકડવામાં અગત્યનો ભાગ ભજવે છે. નૂપુરક અળસિયાના વજ્રકેશો પ્રચલનમાં સહાયકારી હોય છે. માત્ર ઉચ્ચ કક્ષાનાં સંધિપાદ (arthropoda) અને મેરુદંડી (chordata) સમુદાયનાં પ્રાણીઓમાં કેટલાક અવયવો શરીર સાથે સાંધા વડે જોડાયેલા હોય છે. આ ઉપાંગો ખંડિત હોય છે અને આ ખંડો એકબીજા સાથે સાંધા વડે જોડાયેલાં હોય છે.

સંધિપાદ પ્રાણીઓમાં કેટલાંક ઉપાંગો શીર્ષ પ્રદેશમાં આવેલાં હોય છે. તેમાંનાં સ્પર્શકો (antennae) નામનાં ઉપાંગો સ્પર્શસંવેદનગ્રાહી અંગ તરીકે કાર્ય કરે છે. મુખાંગ તરીકે મુખની આસપાસ આવેલાં અધોજમ્ભ (mandible) અને જમ્ભ (maxilla) જેવાં ઉપાંગો ખોરાક પકડવામાં, ચૂસવામાં, કાપવામાં અને/અથવા મોં તરફ ખોરાકને ધકેલવામાં સહાયરૂપ નીવડે છે. ઉપરાંત પશ્ચ-શીર્ષ પ્રદેશમાંથી નીકળતાં ઉપાંગો ચલનપગ તરીકે કાર્ય કરતાં હોય છે. કીટકોમાં ચલનપગની ત્રણ જોડ ઉરસ્-પ્રદેશમાંથી નીકળે છે. સ્તર-કવચીઓમાં ચલનપગ બે અથવા બે કરતાં વધારે જોડમાં આવેલા હોય છે. ઝીંગા, સાંઢો, કરચલાં જેવાં સ્તર-કવચીઓમાં પગની પાંચ જોડ હોય છે. વીંછી, કરોળિયા જેવાં અષ્ટપદી સંધિપાદોમાં પગ ચાર જોડમાં આવેલા હોય છે.

ઉપાંગોની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવતી આકૃતિ

પૃષ્ઠવંશી સમૂહની માછલીઓમાં ઉપાંગો તરીકે બે જોડમાં યુગ્મમીનપક્ષો આવેલી હોય છે. કરોડો વર્ષો પૂર્વે અસ્થિમત્સ્યસમૂહની માંસલમીનપક્ષધારી (crossopterygi) માછલીઓ જળાશયના કિનારા તરફ આવેલા કાદવમાંથી પોતાના શરીરને મીનપક્ષોની મદદથી અધ્ધર ઊંચકી ધીમે ધીમે સરકીને વધુ અનુકૂળ એવા પાણી-વિસ્તાર તરફ કૂચ કરવામાં સફળ નીવડી હતી. સમય પસાર થતાં યુગ્મમીનપક્ષોનો વિકાસ અનુક્રમે અગ્ર અને પશ્ચ-પાદોમાં થયો. તેના અવયવખંડોમાં આવેલાં હાડકાંનું પરિવર્તન નીચે મુજબ થયું મનાય છે.

ઉભયજીવી તેમજ સરિસૃપોમાં અગ્ર તેમજ પશ્ચપાદો ચલનાંગો તરીકે કાર્ય કરે છે. પક્ષીઓમાં અગ્રપાદો પાંખમાં પરિવર્તન પામેલાં હોય છે. પક્ષીઓમાં કાંડાનાં અને હથેળીનાં હાડકાં જોડાઈને એક સામાન્ય હાડકું બને છે. આંગળીઓની સંખ્યા ઘટી છે. માત્ર બીજી આંગળીનાં હાડકાં પાંખનું માળખું બનાવવામાં મદદરૂપ બને છે. માનવસહિત અંગુષ્ઠધારી પ્રાણીઓમાં તે ગ્રાહકાંગ હાથ તરીકે કાર્ય કરે છે. હાથની પહેલી આંગળી અંગૂઠામાં પરિવર્તન પામી તેથી વસ્તુ પકડવામાં મદદરૂપ થાય છે. ઉપાંગો જલજીવી સસ્તનોમાં તરવા માટે અને અન્ય સસ્તનોમાં ચલનપગો તરીકે કાર્ય કરે છે.

મીનપક્ષના ખંડ અગ્રપાદમાં તેનું પરિવર્તન પરિવર્તિત હાડકાં પશ્ચપાદમાં તેનું પરિવર્તન પરિવર્તિત હાડકાં
પહેલો બાહુ ભુજાસ્થિ જાંઘ ઊર્વસ્થિ
બીજો અગ્રબાહુ 1. અંત:પ્રકોષ્ઠાસ્થિ પીંડી 1. અંત:જંઘાસ્થિ
2. બહિ:પ્રકોષ્ઠાસ્થિ 2. બહિ:જંઘાસ્થિ
ત્રીજો કાંડું (ક) મણિબંધ-3 ઘૂંટી (ક) ગુલ્ફાસ્થિ-2
(ખ) મણિબંધ-1 (ખ) મધ્યસ્થ ગુલ્ફાસ્થિ – 1
    મણિબંધ
(ગ) દૂરસ્થ – 3થી 5 (ગ)  દૂરસ્થ ગુલ્ફાસ્થિ – 5
    મણિબંધ
ચોથો હથેળી પશ્ચમણિ-બંધાસ્થિ – 5 તળિયું પશ્ચ-ગુલ્ફાસ્થિ – 5
પાંચમો આંગળી અંગુલ્યાસ્થિ આંગળી અંગુલ્યાસ્થિ
પાંચ હારમાં પાંચ હારમાં
અનુક્રમે 2 : 3 : 3 : 3 : 3 અનુક્રમે 2 : 3 : 3 : 3 : 3

મ. શિ. દૂબળે