ઉપલસરી (અનંતમૂળ)

January, 2004

ઉપલસરી (અનંતમૂળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hemidesmus indicus R. Br. (સં. અનંતમૂલ, સારિયા, નાગ-જિહવા, ઉત્પલસારિવા; હિં. અનંતમૂલ, કપૂરી; બં. અનંતમૂલ શ્યામાલતા; મ. અનંતમૂલ, ઉપરસાલ, ઉપલસરી, કાવરી; ગુ. સારિવા, ઉપલસરી, ઉપરસાલ, કપૂરી, મધુરી, અનંતમૂળ; ક. સુગંધીબલ્લી, નામદેવેરૂ, કરીબંટ, સોગદે; તે. પલાશગંધી; મલા. નાન્નારી; અં. ઇંડિયન સારસાપરીલા) છે. આકડો, ડોડી, દૂધેલી, સોમવેલ, ગળજીભી, મધુનાસી વગેરે તેના સહસભ્યો છે.

ઉપલસરી એક બહુવર્ષાયુ નાજુક, ક્ષીરવાહી (laticiferous), વળવેલ (twiner), કેટલીક વાર ભૂપ્રસારી (prostrate) કે અર્ધ-ટટ્ટાર (semi-erect) ક્ષુપ-વનસ્પતિ છે. તે ઉપરિગંગાનાં મેદાનોથી શરૂ કરી પૂર્વમાં આસામ સુધી અને મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં બધે જ થાય છે. મૂળ વાંકાંચૂકાં અને ગોળ, 5 સેમી.થી 17.5 સેમી. વ્યાસ ધરાવતાં, બદામી કે જાંબલી રંગનાં, કાષ્ઠીય અને સુરભિત હોય છે. પ્રકાંડ બહુશાખિત, નાજુક અને ગાંઠેથી જાડું હોય છે. પર્ણો સાદાં, સન્મુખ, ટૂંકો પર્ણદંડ ધરાવતાં ઉપવલયી-લંબચોરસ(elliptic-oblong)થી માંડી રેખીય-ભાલાકાર (linear-lanceolate), ક્ષીરવાહી 2.5 સેમી.થી 10 સેમી. લાંબાં અને 0.75 સેમી.થી 3.75 સેમી. પહોળાં, અણીદાર, ઘણી વાર બહુવર્ણી (variagated), ઉપરની સપાટીએથી રૂપેરી-સફેદ અને નીચેની બાજુએથી કથ્થઈ કે લીલાં અથવા જાંબલી કે દાડમી જેવાં રોમિલ (pubescent) અને ચંદન જેવી સુગંધીવાળાં હોય છે. પુષ્પો કક્ષીય (axillery) પરિમિત (cyme) સ્વરૂપે ગોઠવાયેલાં, અવૃંતપ્રાય (subsessile), બહારની બાજુએથી લીલાં અને અંદરથી જાંબલી રંગનાં હોય છે. પુષ્પનિર્માણ જૂનથી ઑગસ્ટ માસમાં થાય છે. વજ્ર 5 વજ્રપત્રોનું અને દલપુંજ 5 દલપત્રોનો બનેલો હોય છે. દલપત્રો ચક્રાકારે ગોઠવાયેલાં હોય છે. ફળ યુગ્મ એકસ્ફોટી (follicle), નળાકાર, લગભગ 10 સેમી. જેટલાં લાંબાં, કેટલીક વાર વક્ર, વિશાખ (divaricate) હોય છે. બીજ અસંખ્ય, કાળાં અને ચપટાં હોય છે અને રૂપેરી સફેદ રોમગુચ્છ (coma) ધરાવે છે. ઉપલસરીની કાળી અને ધોળી – એમ બે જાત થાય છે.

ઉપલસરી (Hemidesmus indicus) : પુષ્પ અને ફળ સહિતની શાખાઓ અને મૂળ

ઇંડિયન સારસાપરીલાનાં શુષ્ક મૂળ ઔષધીય છે અને ભારતીય ઔષધકોશ(pharmacopoeia)માં અધિકૃત રીતે ‘હેમિડેસ્મસ’ કે ‘અનંતમૂલ’ તરીકે ઓળખાય છે. આ ઔષધ બજારમાં મૂળના ટુકડાઓની નાની ભારી-સ્વરૂપે આવે છે. આ ભારી 15 સેમી.થી 30 સેમી. લાંબી હોય છે. એક કે તેથી વધારે છોડના સમગ્ર મૂળતંત્રની ભારી પણ બનાવાય છે. મૂળની છાલ ચીરા પડેલી સ્વાદવિહીન, ગંધવિહીન અને ઘેરા ભૂરા રંગની હોય છે અને મધ્યસ્થ કાષ્ઠની ફરતે આવેલ પેશીમાંથી સરળતાથી છૂટી પાડી શકાય છે. તે પદ્મકાષ્ઠની છાલને મળતી આવે છે. મૂળનો સ્વાદ મીઠો અને કંઈક કડવો હોય છે. મૂળની સુંદર સુવાસને લીધે તેને ‘સુગંધા’ નામ પણ આપવામાં આવ્યું છે. તાજા મૂળનો અંદરનો બાહ્યકીય (cortical) ભાગ સફેદ રંગનો હોય છે અને તે ખુલ્લો થતાં ઘેરા બદામી રંગનો બને છે. આ ઔષધ જૂનું થતાં બગડી જાય છે. તેથી તાજાં મૂળ પસંદ કરવામાં આવે છે.

શુષ્ક મૂળ 0.225 % જેટલું બાષ્પશીલ તેલ ઉત્પન્ન કરે છે. તેમાં મુખ્ય ઘટક તરીકે p-મિથૉક્સિ સેલિસિલિક આલ્ડિહાઇડ (લગભગ 80 %) હોય છે. તે ઔષધની સુગંધી માટે જવાબદાર છે. મૂળમાં રહેલા અન્ય ઘટકોમાં b-સીટો સ્ટૅરોલ, a અને b-એમિરિન, લ્યુથેઓલ, ટેટ્રાસાયક્લિક ટ્રાઇટર્પિન આલ્કોહૉલ, અલ્પ જથ્થામાં રેઝિન ઍસિડો, ફૅટી ઍસિડો, ટૅનિનો, સૅપોનિનો, એક ગ્લાયકોસાઇડ અને એક કિટૉનનો સમાવેશ થાય છે.

Ichnocarpus frutescens R. Br. (શ્યામલતા, સારિવા)નાં મૂળ ઉપલસરીનાં મૂળ સાથે ઘણીવાર મિશ્ર કરવામાં આવે છે અને તે ઇંડિયન સારસાપરીલાની અવેજીમાં ઉપયોગમાં લેવાય છે. રેટની [rhatany, Krameria spp.] મૂળની અવેજીમાં ઉપલસરીનાં મૂળ વપરાય છે.

આ ઔષધ પુષ્ટિકારક (tonic), રૂપાંતરક (alterative), શામક (demulcent), પ્રસ્વેદક (diaphoretic), મૂત્રલ (diuretic) અને રુધિર શુદ્ધ કરનાર છે. તેનો પોષણ સંબંધી રોગો, ઉપદંશ (syphilis), દીર્ઘકાલિક આમવાત (chronic rheumatism), પથરી (gravel), અન્ય મૂત્રીય (urinary) અને ત્વચાના રોગોમાં ઉપયોગ થાય છે. તે ચૂર્ણ, આસવ (infusion), ક્વાથ (decoction) કે શરબત સ્વરૂપે લેવામાં આવે છે. તે કેટલાંક ઔષધના સંઘટક (ingradient) તરીકે પણ ઉપયોગી છે. તેનો સારસાપરીલા(Smilax spp.)ની અવેજીમાં ઉપયોગ થાય છે. મૂળમાંથી બનાવેલો શરબત સુરુચિ-કર્મક (flavouring agent) તરીકે વપરાય છે. તે શીતન (cooling) ગુણધર્મો ધરાવે છે.

ત્રાવણકોરમાં તેના ક્ષીરરસનો આંખના સોજામાં ઉપયોગ થાય છે. તેનાં મૂળનો ઈથર-નિષ્કર્ષ Escherichia coliની વૃદ્ધિ ઉપર અવરોધક અસર દાખવે છે. તેનાં સાંકડાં પર્ણો ચૂસવાથી તાજગી મળે છે. તેનાં મૂળ, દૂધ અને સાકરના સ્વાદિષ્ટ મિશ્રણમાં ખરાબ સ્વાદવાળું આયોડાઇટ ઑવ્ પોટાશ સરળતાથી આપી શકાય છે. દૂધ અને સાકર મેળવેલો તેનો કાઢો આપવાથી શરીર નીરોગી અને પુષ્ટ થાય છે. ધોળી ઉપલસરી કરતાં કાળી ઉપલસરીના ઔષધિ-ગુણો વધારે દિવસ ટકે છે.

આયુર્વેદ અનુસાર ધોળી ઉપલસરી શીતળ, મધુર, શુક્રલ, જડ, સ્નિગ્ધ, કટુ અને સુગંધી છે અને કોઢ, કંડુ, જ્વર, શરીરની દુર્ગંધી, અગ્નિમાંદ્ય, દાહ, ઉધરસ, અરુચિ, આમદોષ, ત્રિદોષ, વિષ, રક્તદોષ, પ્રદર, અતિસાર, તૃષા, રક્તપિત્ત, વાયુ અને કફનો નાશ કરે છે. કાળી ઉપલસરી શીતળ, વૃષ્ય, મધુર અને કફનાશક છે. તેના અન્ય ગુણો ધોળી ઉપલસરી જેવા જ છે. તેનો ગર્ભિણીની ધૂપણી (પ્રદર) ઉપર અને શરીરમાં થયેલ ગરમી ઉપર; આંખમાં ફૂલ પડે અને છાયા વળે તે ઉપર; વ્રણ, ઊલટી, દંતરોગ, પિત્તજ્વર, સર્વ વિષ, મસ્તકશૂળ અને પેટના દુખાવા ઉપર ઉપયોગ થાય છે.

નવ્ય મત મુજબ, તે મૂત્રવિરેચન, મૂત્રવિરંજન, સ્વેદજનન, ક્ષુધાવર્ધક અને જીવનવિનિમય ક્રિયાને ઉત્તેજક છે. તે બલ્ય, ચર્મરોગનાશક અને રસાયન (રક્તશોધક) છે. તેનો મૂત્રવિરેચન ગુણધર્મ અતિસ્પષ્ટ અને ઉત્કૃષ્ટ છે. વૃક્કશોથ અને વૃક્કસંકોચમાં તેનો ફાંટ સારી રીતે લાગુ પડે છે. આ રોગમાં પેશાબ ઓછો, અતિ લાલ રંગનો અને ડહોળાયેલો થાય છે. તેના ઉપર ઉપલસરી ગળો અને જીરાની સાથે આપવામાં આવે છે. તેથી મૂત્રમાર્ગનો દાહ અને સોજો ઓછો થાય છે. બધી જાતના ત્વચાના રોગ અને ઉપદંશની બીજી અવસ્થામાં ઉપલસરી ગળોની સાથે આપવાથી લાભ થાય છે. ગંડમાળા ઉપર ઉપલસરી વાવડિંગ સાથે અપાય છે. જીર્ણ આમવાતમાં તે ગળોની સાથે અપાય છે.

ગરમી કે પરમો થવાથી વારંવાર ગર્ભપાત થતો હોય અથવા જન્મવાની સાથે બાળક મૃત્યુ પામતાં હોય તો ઉપલસરીનું સેવન કરવાથી બાળક બચી જાય છે.

શોભન વસાણી

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

બળદેવભાઈ પટેલ